નાણાભીડનો સામનો કરી રહેલ જેટ એરવેઝને ખરીદવા માટે અત્યાર સુધી કોઇએ રસ દાખવ્યો નથી. હવે એ વાતની સંભાવના વધી રહી છે કે કંપનીને નાદારીની પ્રક્રિયાનો સામનો કરવો પડે.
આ દરમિયાન જેટ એરવેઝ માટે બોલી લગાવવાની યોજના બનાવી રહેલ કર્મચારી જૂથના પ્રતિનિધિઓએ ગુરૃવારે એસબીઆઇ કેપિટલ માર્કેટના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને બોલી પ્રક્રિયા સાથે સંકળાયેલા વિભિન્ન મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. કર્મચારી જૂથે સંકટગ્રસ્ત એરલાઇન્સને પોતાના અંકુશમાં લેવાના પ્રસ્તાવના બે દિવસ પછી આ બેઠક યોજવામાં આવી હતી. જૂથે બોલી માટે બહારના રોકાણકારોને ઓછામાં ઓછા ૩૦૦૦ કરોડ રૃપિયાની આશા સાથે આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે એક સમયે દેશની સૌથી મોટી ખાનગી એરલાઇન્સને નાણાકીય કટોકટીને પગલે ૧૭ એપ્રિલના રોજ પોતાના તમામ વિમાનો બંધ કરવાની ફરજ પડી હતી.
બેંકોએ કંપનીને વધુ લોન આપવાનો ઇનકાર કરી દીધો હતો. જે કંપનીઓએ શરૃઆતના તબક્કામાં રસ દાખવ્યો હતો હવે તે રસ લઇ નહીં રહ્યાં નથી.
ગયા મહિને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે ૩૦ એપ્રિલ સુધીમાં બિડિંગની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવશે પણ હવે એવુ લાગી રહ્યું છે કે ૧૦ મે સુધીમાં પણ આ પ્રક્રિયા પૂર્ણ થશે નહીં.