મોદી સરકારના બજેટને વિપક્ષના નેતાઓએ વખોડ્યું છે. રાહતોની લાહણી કરાઈ છે તેનો વિપક્ષે વિરોધ કર્યો છે. પૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરમે મોદી સરકારના બજેટ પર પ્રહાર કરતા કહ્યું કે, આ વોટ ઓન એકાઉન્ટ કરતા એકાઉન્ટ ફોર વોટ વધુ છે. તેમણે કહ્યું કે સરકાર લોકો વચ્ચે ભ્રમ ફેલાવી રહી છે.
પૂર્વ નાણામંત્રીએ સરકાર પર હુમલો કરતા કહ્યું કે, મોદી સરકારે કોંગ્રેસની જાહેરાતોની નકલ કરી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, આ એક એક્સપાયરી અને હતાશાભર્યું બજેટ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરે પણ આ બજેટ અંગે જણાવ્યું કે, આખરે મંત્રીજી કઈ દુનિયામાં જીવી રહ્યા છે. આવી મોંઘવારીમાં મહિને ૫૦૦ રૂપિયામાં ખેડૂતનો શું ઉદ્ધાર થવાનો હતો?
કોંગ્રેસ સાંસદ રંજીત રંજને મોદી સરકારને લબડધક્કે લેતા કહ્યું કે, સરકાર શું ખેડૂતોને ભીખ આપી રહી છે?મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે કહ્યું કે, ખેડૂતો માટે કરેલી જાહેરાતો ઉંટના મોઢામાં જીરું આપવા સમાન છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ બજેટને ૨૦૧૯નું છલ્લું જુમલા બજેટ કહીને મોદી સરકારની મજાક ઉડાવી. રાહુલ ગાંધીએ મોદી સરકાર પર હુમલો કરતા કહ્યું કે, ખેડૂતો માટે પ્રતિ દિવસ ૧૭ રૂપિયા આપવાની જાહેરાતને મોદી સરકાર કોઈ મહાન કામ કર્યું હોય એ રીતે ગર્વ અનુભવી રહ્યા છે.
બહુજન સમાજ પાર્ટીએ પીયૂષ ગોયલ દ્વારા રજૂ કરાયેલ બજેટને ફેંકુઓનું બજેટ સાથે સરખાવ્યું છે. જ્યારે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, જે ખેડૂતો પાસે જમીન નથી તેવા ખેડૂતો અને શ્રમિકો માટે આ બજેટમાં કંઈ જ ખાસ નથી.આ ઉપરાંત કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુને કહ્યું કે, મોદી સરકારના બજેટમાં મતદારોને રાહતને બદલે સીધી રીતે લાંચ આપવામાં આવી છે.