ગુજરાતમાં 23 મી એપ્રિલે મતદાન થવાનું છે. હાલમાં ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઇ હોવાથી મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારો અને નેતાઓ ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. નાની-મોટી જાહેર સભા અને કાર્યક્રમો શરૂ થયા છે પરંતુ આ વખતે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ જાહેરમાં અશોભનીય રીતે વાણીવિલાસ કરી રહ્યા છે. વિશેષ કરીને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કોંગ્રેસ અને તેના ટોચના નેતાઓ સામે તાજેતરમાં જ બેફામ નિવેદનો કર્યા છે. સૌથી પહેલા જીતુવાઘાણીએ રાહુલ ગાંધી વિશે એવું કહ્યું હતું કે રાહુલ જ્યારે નાના હતા અને દૂધ પીતા હતા ત્યારે પણ તેમના રક્ષણ માટે કમાન્ડો રહેતા હતા ત્યારબાદ તેમણે માફી પણ માગી હતી.
ઉપરાંત તેઓએ ફરીથી તાજેતરમાં એવું કહ્યું કે રાજીવ ગાંધી જુઠા હતા. તેમનો પુત્ર પણ જુઠો છે અને પુત્રી પણ જુઠ્ઠી છે. જેને લઇને પણ ભારે હોબાળો મચ્યો હતો. હવે ફરીથી ગઈકાલે જાહેરમાં કોંગ્રેસની આલોચના કરતા તેઓએ કોંગ્રેસને હરામ જાદા જેવા શબ્દથી નવાજ્યા હતા. એટલેથી પણ તેઓ અટકતા નથી ફરીથી તેઓએ એવું કહ્યું કે કોંગ્રેસનો નેતા મોહમ્મદ સુરતી દેશદ્રોહી હતા જો કે મુખ્યમંત્રી વિજય રૂપાણી એ પણ પોતાના જાહેર કરવામાં કેટલીયે વખત કહ્યું છે કે કોંગ્રેસના નેતાઓ પાકિસ્તાનને સમર્થન કરે છે.
લોકસભાની ચૂંટણી ભારત અને પાકિસ્તાન વચ્ચેની છે જો મોદી જીતશે તો પાકિસ્તાન ડરી જશે અને કોંગ્રેસ જીતશે તો પાકિસ્તાન ખુશ થશે ભાજપના આવા બેફામ નિવેદનોનો જવાબ આપતા હોય તેમ કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડિયા એ પણ આજે સાબરકાંઠાના એક જાહેર કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીની વિરુદ્ધમાં અભદ્ર લાગતી ટિપ્પણી કરી હતી અર્જુન મોઢવાડિયાએ પોતાના ભાષણ દરમિયાન ઉદાહરણ આપ્યું હતું જેમાં તેઓએ હસતા-હસતા એવું કહ્યું હતું કે મજબૂત માણસ હોય તો તેમની છાતી 36ની હોય છે જ્યારે પહેલવાનની છાતી 42 ઇંચની હોય છે છપ્પનની છાતી કોની હોય છે તમને ખબર છે છપ્પનની છાતી ગધેડાની હોય છે જ્યારે સો ઇંચની છાતી પાડાની હોય છે.
આમ છતાં મોદીના ભક્તોને ખાસ કંઈ સમજ પડતી નથી. આમ ભાજપના નેતા ઉપરાંત હવે કોંગ્રેસના નેતાઓએ પણ બેફામ વાણીવિલાસ શરૂ કર્યો છે. તેમજ એકબીજાના ટોચના નેતાઓ ઉપર અશોભનીય નિવેદનોનો મારો ચલાવી રહ્યા છે. આગામી દિવસોમાં હજુ આ પ્રકારના વધુ અભદ્ર ટિપ્પણી કરતા નિવેદનો સાંભળવા મળશે.