તંત્રી શ્રી રમણિકલાલ સોલંકી CBE અને પાર્વતીબેન સોલંકી

આગામી 1 એપ્રિલે ગરવી ગુજરાતની સ્થાપનાને 50 વર્ષ પૂરાં થાય છે. આ ન્યૂઝ મેગેઝિન આટલી લાંબી મજલ કાપીને પણ હજી યુકે અને યુએસએના વાચકોની સેવામાં સક્રિય છે, મજબૂતીથી આગળ ધપી રહ્યું છે, તો એક મેગેઝિનથી આગળ વધીને આજે એશિયન મીડિયા ગ્રુપ (એએમજી) તરીકે તે એક મોટું વટવૃક્ષ પણ બની ગયું છે.
બ્રિટિશ સમાજના દરેક ક્ષેત્રમાં જેમ ભારતીયો અને એશિયન મૂળના લોકો અગ્રેસર છે, તેવી જ રીતે એએમજી પણ ભારત અને એશિયા વંશી સાહસિકોની દરેક ક્ષેત્રમાં પ્રગતિનો આયનો બની રહ્યું છે, પછી તે વેપાર હોય કે હોટલ ઉદ્યોગ હોય કે પછી ફાર્મસી ક્ષેત્ર હોય. હવે ડિજિટલ યુગમાં પણ એએમજી પોતાના પોર્ટલ અને સોશિયલ મીડિયામાં ઉપસ્થિતિ થકી વાચકોની યુવા પેઢી સુધી પહોંચી ચૂક્યું છે. સફળતાની આ ગાથાની એક ઝલક આ પ્રસંગે વાચકોને 50 વર્ષ પહેલાના સંઘર્ષ, સેવા અને સમર્પણના સંસ્મરણો તાજા કરાવશે. હવે પછી ગોલ્ડન જ્યુબિલી માટે અમે એક વિશેષાંકનું પણ આયોજન કરી રહ્યા છીએ.
રમણિકલાલ સોલંકી મુળ દક્ષિણ ગુજરાતમાં રાંદેર ખાતે માતા ઈચ્છાબેન અને પિતા છગનલાલના પરિવારમાં જન્મ્યા હતાં. તેમનો જન્મ ઈ.સ. 12મી જુલાઈ 1931ના રોજ થયો હતો. રમણિકલાલના પિતા રાંદેરમાં સ્થાનિક જીનિંગ મીલમાં નોકરી કરતાં હતાં. તેમના પત્ની અને રમણિકલાલના માતા ઈચ્છાબેન ઘર અને પરિવારની કાળજીપૂર્વક સંભાળ લેનારા ગૃહિણી હતાં. રમણિકલાલ તેમના ભાઈબહેનોમાં સૌથી મોટાં છે. તેમણે શાળાનો અભ્યાસ સુરતની આઈરિશ પ્રેસ્બિટેરિયન નામની શાળામાં મેળવ્યો હતો. તેમણે શાળાની લાઈબ્રેરીમાં રહેલા તમામ પુસ્તકો વાંચી નાંખ્યાં હતાં. તેમને બાળપણથી જ વાંચવાનું ખૂબજ ગમતું હતું. તેમને ઘરમાંથી લેખનનો વારસો મળ્યો ના હોવા છતાં તેઓ લેખનપ્રવૃત્તિમાં નિપુણ હતાં. તેમને તરૂણાવસ્થાથી જ લેખનનો ગજબનો શોખ જાગ્યો હતો. રમણિકલાલે 1949માં શાળાનો અભ્યાસ પુર્ણ કરીને સુરતની એમ.ટી.બી કોલેજમાં અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે દાખલ થયાં હતાં.
જાહેર જીવનનાં પ્રશ્નોને ઉકેલવામાં તેમને ખૂબજ રસ પડેલો. આગળ જતાં આ રસ તેમને પત્રકારત્વમાં દોરી જવા માટે સફળ નિવડ્યો. તેમણે કોલેજમાં પણ ઈ.સ. 1950થી લઈને 1954 સુધીમાં રાંદેર વિદ્યાર્થી મંડળના પ્રમુખ તરીકે વિદ્યાર્થીઓના પ્રશ્નો અને મુંઝવણોને સમજીને તેની યોગ્ય રજુઆત કરીને તેનો ઉકેલ લાવવાની દિશામાં સફળતા મેળવી હતી. તેમણે 1954માં સુરત જિલ્લાના વિદ્યાર્થી મંડળના મંત્રી તરીકે પણ વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાચા આપી હતી.
1954માં રમણિકલાલે મુંબઈ યુનિવર્સિટીની અર્થશાસ્ત્રમાં સ્નાતકની ઉપાધિ મેળવી હતી. તે ઉપરાંત સાર્વજનિક લો કોલેજમાં તેમણે વકિલાતની ડિગ્રી પણ મેળવી લીધી હતી.  રમણિકલાલના ધર્મપત્ની પાર્વતીબેનનું પિયર નવસારીની બાજુમાં દાંડી જવાના માર્ગે આવતું પેઠણ નામનું ગામ છે. આ ગામમાં તેમના પિતાજી મકનજીભાઈ દુર્ગમભાઈ ચાંપાનેરી (ચાવડા)ને ત્યાં તેમનો જન્મ થયો હતો. મકનજીભાઈ મુળ ખેડૂત હતાં એટલે તેમની આજીવિકા ખેતી પર નિર્ભર હતી. તેમના પરિવારમાં કુલ 8 વ્યક્તિઓ હતાં. જેથી માત્ર ખેતીની આવક પર પરિવારનું ભરણપોષણ કરવું એ ખૂબજ કાઠું કામ હતું. પાર્વતીબેન આવા સામાન્ય પરિવારમાં પણ ધોરણ 10 સુધી ભણ્યાં હતાં, અને ત્યાર બાદ તેમનાં વિવાહ થઈ ગયાં હતાં.
વિવાહ પહેલાં જ્યારે રમણિકલાલ પોતાના પરિવાર સાથે પાર્વતિબેનને જોવા માટે ગયેલા ત્યારે એ જમાનામાં પણ રમણિકલાલે જાતે પાર્વતીબેનનો ઈન્ટરવ્યૂ કર્યો હતો. આ ઈન્ટરવ્યૂ બાદ બંનેનો મનમેળ બેસી જતાં  1955માં તેમનાં  લગ્ન થઈ ગયાં હતા. લગ્ન બાદ પણ રમણિકલાલનો અભ્યાસ ચાલુ હતો. ત્યારબાદ રમણિકલાલના પિતા છગનલાલ રંગૂનમાં એક મીલમાં નોકરી કરવા માટે જતાં રહ્યાં હતાં. જેથી નાના ભાઈબહેનની જવાબદારી પણ તેમનાં માથે આવી હતી. તે સમયે તેમની પરિસ્થિતિ પણ સાઘારણ હતી. આ સમયગાળા દરમિયાન રમણિકલાલને અમદાવાદમાં સેલ્સટેક્સ ઈન્સપેક્ટર તરીકે નોકરી મળી ગઈ હતી, તેમનું આ પ્રથમ પોસ્ટિંગ હતું. ત્યાર બાદ તેઓ પાર્વતીબેનને લઈને અમદાવાદમાં આવી ગયાં હતાં  અને શરૂઆતમાં મણિનગરમાં રહયાં હતાં.
અમદાવાદમાં નોકરી કર્યા બાદ તેમની બદલી થઈ અને તેઓ ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના પાલનપુરમાં ફરીવાર સેલ્સટેક્સ ઈન્સપેક્ટર તરીકે નોકરી કરવા લાગ્યા, પણ આ તો સરકારી નોકરી એટલે બદલીઓ તો થતી જ રહેવાની. આખરે તેમની ત્રીજીવાર બદલી થઈ અને તેઓ પાલનપુરથી પાછા ભરૂચમાં નોકરી માટે ગયાં અને ત્યાંથી છેલ્લે વલસાડમાં બદલી થઈ. વલસાડ તેમની નોકરીનું છેલ્લુ પોસ્ટિંગ હતું, આ સમય દરમિયાન પાર્વતીબેનના મનમાં એક વાત સળવળતી હતી.
એ વાત એવી હતી કે એમને સતત એવું લાગ્યા કરતું હતું કે તેમના ગામના લોકો લંડનમાં જઈને શું કરે છે ? ત્યાં એવું તો શું છે કે લોકો પોતાનું વતન છોડીને ચાલ્યાં જાય છે ? ત્યારે એમને લંડન જવા માટે રમણિકલાલને જણાવ્યું પણ ત્યાં જવા માટે રમણિકલાલ તૈયાર નહોતાં. તેમની સહેજ પણ ઈચ્છા હતી નહીં. જ્યારે પાર્વતીબેનને ત્યાં જવામાં ખૂબજ રસ હતો. એક બાજુ નોકરી અને બીજી બાજુ રમણિકલાલના પિતાજી બિમાર હતાં. આ સમયગાળામાં પરિવાર અને નોકરી બંને સાચવવાનાં હતાં. તો બીજી તરફ પાર્વતીબેનના મનમાં રમણિકલાલ લંડન જાય તેવી ઈચ્છા સળવળતી હતી. ત્યારે રમણિકલાલના મિત્ર ઈબ્રાહિમભાઈ લંડન જવા માટે એક ફોર્મ લઈને આવ્યાં. ખૂબજ સમજાવ્યાં બાદ આખરે રમણિકલાલ લંડન જવા માટે રાજી થયાં, તેમણે ફોર્મ ભરી દીધું અને થયું એવું કે તેઓ સ્નાતક હતાં એટલે તેમને ઝડપથી લંડન જવાની પરવાનગી મળી અને ઈબ્રાહિમ ભાઈનો અભ્યાસ ઓછો હોવાથી તેઓ તે સમયે લંડન જઈ શક્યાં નહોતા. હવે સવાલ લંડન જવા માટેના પૈસાનો હતો. ત્યારે આટલી મોટી રકમ એ સમયે કેવી રીતે એકઠી કરવી તે એક મોટો સવાલ હતો. તેમના પિતાજીનું આ સમયમાં અવસાન થયું હતું એવું પાર્વતીબેન પાસેથી જાણવા મળેલું. ત્યારે પરિવાર અને મિત્રો તરફથી રમણિકલાલને લંડન જવા આર્થિક મદદ મળી અને તેઓ લંડન પહોંચી ગયાં.
લંડન ગયા બાદ તેઓ પાર્વતીબેનના મોટા ભાઈ સુબોધભાઈના ઘરે રહેતાં હતાં. સુબોધભાઈ ત્યાં ડ્રેસ મટીરિયલનો બિઝનેસ કરતાં હતાં. તે ઉપરાંત તેમના નાના ભાઈ નગીનભાઈ પણ ત્યાં પહોંચ્યા હતા અને એક જનરલ સ્ટોર્સ ચલાવતા હતાં.સુબોધભાઈને ત્યાં રહીને રમણિકલાલ એક CROSBY VALVE $ ENG. COMPNEYમાં નોકરી કરતાં હતાં. આ કંપનીમાં તેમને એક સપ્તાહના 20 પાઉન્ડનો પગાર મળતો હતો.  રમણિકલાલ જ્યારે લંડન ગયાં ત્યારે તેમના પત્ની પાર્વતીબેન પોતાના પિયરમાં ત્રણ બાળકોને લઈને રહેવા ગયાં હતાં અને ત્રણ વરસ સુધી પિયરમાં જ રહ્યાં હતાં. તે ઉપરાંત રમણિકલાલ પણ સુબોઘભાઈના ઘરે સાડાત્રણ વર્ષ સુધી રહ્યાં હતાં. આ અરસા દરમિયાન તેમના બાળકો સાધનાબેન, સ્મિતાબેન અને કલ્પેશભાઈ  અહીં ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ લેતાં થયાં હતાં.
એ સમયે તેમના સૌથી મોટા દિકરી સાધના બેન 6 વર્ષનાં હતાં, જ્યારે બીજા નંબરના દિકરી સ્મિતાબેન 5 વર્ષના હતાં અને ત્રીજા નંબરના દિકરા કલ્પેશભાઈ માત્ર 2 વર્ષની ઉંમરના હતાં. જ્યારે રમણિકલાલ લંડન ગયાં ત્યારે તેમના નાના દિકરા શૈલેષભાઈનો જન્મ થયો નહોતો. તે સમયે શૈલેશભાઈ ગર્ભમાં હતાં.
લંડન ગયાંના પાંચ વર્ષ બાદ પાર્વતીબેન પણ લંડન જવા માટે તૈયાર થઈ ગયાં. તેઓ 1967માં પોતાના ચાર બાળકો તથા રમણિકલાલની માતા ઈચ્છાબેનને લઈને લંડન ગયાં હતાં. ત્યારે રમણિકલાલના નાના દિકરા શૈલેષભાઈનો જન્મ થઈ ગયો હતો. આ સમય તેમના માટે સંઘર્ષનો હતો, એક તો પાર્વતીબેનના મોટાભાઈને ત્યાં રહેવું અને પોતાના બાળકોનું ભરણ પોષણ અને શિક્ષણનો ખર્ચો ઉપાડવો. ત્યારે પાર્વતીબેન પણ એક લોન્ડ્રીમાં કામ કરવા માંડ્યાં હતાં,  તેમને એક સપ્તાહના માત્ર 9 પાઉન્ડનો પગાર મળતો હતો.
આખા પરિવારનું ભરણપોષણ એ સમયે માત્ર 30 પાઉન્ડમાં થતું હતું. તે સમયે પણ રમણિકલાલ પોતાના લેખનના શોખને ભૂલ્યાં નહતાં, તેઓ લંડનમાં રહીને સુરતના જાણીતા અખબાર ગુજરાતમિત્રમાં લંડનનો પત્ર નામની કોલમ લખતાં હતાં. ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન જીવરાજ મહેતા ત્યાં હાઈકમિશ્નર હતાં. રમણિકલાલને જીવરાજ મહેતા સાથે મુલાકાત થઈ અને છેલ્લે તેમણે રમણિકલાલને વિદેશના ગુજરાતીઓને ગુજરાતીમાં વાંચન સામગ્રી મળે એ માટે એક છાપુ ચાલુ કરવાની સલાહ આપી હતી. રમણિકલાલ અને જીવરાજ મહેતાની મુલાકાતની વાત કરીએ તો લંડનમાં ઈન્ડિયા હાઉસમાં જે કાર્યક્રમો થતાં ત્યાં રમણિકલાલ વારંવાર જતાં હતાં. આ કાર્યક્રમોમાં જ તેમની જીવરાજ મહેતા સાથે વધુ મૈત્રી થઈ હતી.
છાપુ ચાલુ કરવાની વાત હતી ત્યારે રમણિકલાલે જીવરાજભાઈને કહેલું કે આ છાપુ ચાલુ તો કરીએ પણ તેનો ખર્ચો કેવી રીતે કાઢવો ? ત્યારે જીવરાજભાઈએ તેમને કહેલું કે ખર્ચાની ચિંતા કર્યા વિના પહેલા છાપુ ચાલુ કરો. ત્યાર બાદ જીવરાજભાઈએ ત્યાંનાં ઉદ્યોગકારો સાથે વાતચીત કરી અને રમણિકલાલને છાપુ શરૂ કરવા માટે મદદ મળી ગઈ. આખરે  યુકે અને આફ્રિકામાં વસતા ગુજરાતીઓ અને ભારતીયોના દિલ પર છેલ્લાં પ0 વર્ષથી શાસન કરતા લોકપ્રિય અખબાર ગરવી ગુજરાતનો જન્મ થયો.
કહેવાય છે કે છાપુ ચલાવવું તે લોખંડના ચણા ચાવવા જેવું કામ છે.  રમણિકલાલે આ લોખંડના ચણા પણ ચાવી બતાવ્યા. ગરવી ગુજરાતને વિદેશમાં વસતા ગુજરાતીઓ અને તેમના વતન વચ્ચે સેતુ બાંધવામાં રમણીકલાલે લોહી-પરસેવો એક કરી નાખ્યો.  ગરવી ગુજરાતની  સ્થાપના 1968માં થઈ. તે ચાલુ કર્યા બાદ તેને લોકો સુધી પહોંચાડવું ખૂબજ જરૂરી હતું, શરૂઆતમાં તેમાંથી આવકનો સ્રોત ખૂબજ ઓછો હતો. જેથી રમણિકલાલે પોતાની નોકરી ચાલુ રાખી હતી અને સાથે સાથે ગરવી ગુજરાત પણ ચલાવ્યું હતું. તે  ચલાવવા માટે રમણિક લાલે લંડનમાં રહેતા ગુજરાતીઓના ઘરે ઘરે જઈને તેનું લવાજમ ઉઘરાવ્યું હતું.
શરૂઆતમાં તેમને માત્ર 150 જેટલાં લવાજમ મળ્યાં હતાં. એ સમયે વાર્ષિક લવાજમની કિમત માત્ર દોઢ પાઉન્ડ રાખવામાં આવી હતી અને દર વરસે તેમાં નજીવો વધારો કરવામાં આવતો હતો. તેમજ આ મેગેઝિન પણ પંદર દિવસે પ્રકાશિત થતું હતું.  તેને શરૂ કર્યાના એક કે બે વર્ષના સમયગાળા બાદ આખરે તેને સાપ્તાહિક  તરીકે પ્રકાશિત કરવામાં આવ્યું. 1972માં  ઈદી અમીને  એશિયનો અને આપણા ગુજરાતીઓને આફ્રિકામાંથી હાંકી કાઢ્યા હતાં ત્યારે તેઓ લંડનમાં આવીને વસ્યાં હતાં.  આ લોકોના ઘેર  મેગેઝિન પહોંચાડવા માટે પાર્વતીબેન અને રમણિકલાલે ઘણી મહેનત કરી હતી. તેઓ મેગેઝિનનું લવાજમ લેવા પણ જાતે જતાં હતાં અને મેગેઝિન જ્યારે છપાય ત્યારે તેને લોકોના ઘરે આપવા માટે પણ જાતે જ જતાં હતાં.
આ કામગીરી પણ અઠવાડિયાના અંતના રજાઓના દિવસોમાં થતી હતી.  તે સમયે પાર્વતીબેન પોતાના બાળકોનો ઉછેર અને લોન્ડ્રીમાં નોકરી કરવાની સાથે મેગેઝિન ચલાવવામાં પણ રમણિકલાલનો સાથ આપતાં હતાં. તેઓ લંડન અને તેની આસપાસના ગામે ગામ રમણિકલાલ સાથે મેગેઝિન પહોચાડવા માટે જતાં હતાં. આ એક મોટી જવાબદારી ભર્યું કામ હતું. જે તેમના જીવનનો એક મોટો સંઘર્ષ હતો.
ધીરે ઘીરે તેમના બાળકો મોટા થવા લાગ્યા અને તેમના શિક્ષણ અને તમામ પ્રકારની જરૂરિયાતો પણ ઉભી થવા માંડી હતી. આવા સમયે પણ સહેજ પણ ડગ્યા વિના રમણિકલાલ અને પાર્વતીબેન ખભેખભા મિલાવીને સાથે કામ કરતાં રહ્યાં હતાં. તેમણે લંડનમાં  ધીરેધીરે પોતાનું ઘર વસાવ્યુ.
આમતો પાર્વતીબેન નવસારીથી લંડન ગયાં ત્યારે રમણિકલાલે એક નાનકડુ મકાન ખરીદી લીધુ હતું. આ તેમના સંઘર્ષનું એક ફળ કહી શકાય. તેમણે કરેલી આકરી મહેનતથી એક ઘર વિદેશની ધરતી પર બની ગયું. દિવસો વીતતાં ગયાં અને મેગેઝિન પણ ચાલવા માંડ્યું. ત્યારે તેમણે એક મોટું ઘર લીધુ. એક સમય એવો આવ્યો કે રમણિકલાલે એક ગાડી ખરીદી, આ ગાડીનો ઉપયોગ લંડનમાં રહેતા ગુજરાતીઓના ઘરે મેગેઝિન પહોંચાડવા માટે થતો હતો.  રસપ્રદ વાત એ છે કે ગાડી ખરીદ્યા બાદ પણ રમણિકલાલને ડ્રાઈવિંગ આવડતું નહોતું. જેથી પાર્વતીબેન ડ્રાઈવિંગ શીખ્યાં અને તેમણે ત્યાં ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવી લીધું હતું, જેથી તેઓ જાતે ગાડી ચલાવતાં હતાં અને રમણિકલાલ એ ગાડીમાં બેસીને ગરવી ગુજરાત સાપ્તાહિક લોકોના ઘરે પહોંચાડતાં હતાં.
રમણિકલાલે આ મેગેઝિનમાં સંપૂર્ણ ધ્યાન આપવા માટે ઈ,સ 1970માં નોકરી છોડી દીધી હતી. ગરવી ગુજરાત મેગેઝિન લંડનમાં ત્યાંના એક સ્થાનિક માણસના પ્રેસમાં છપાતું હતું બાદમાં આ પ્રેસને પણ રમણિક લાલે ખરીદી લીધો હતો. એ સમયે લંડનમાં જે જગ્યાએ આ પ્રેસ હતો ત્યાંથી અન્ય વિસ્તાર ડેવલપ થતો હતો ત્યાં પોતાની ઓફિસ પણ ખરીદી લીધી હતી. ઈ.સ 1972થી ગરવી ગુજરાતનો સિતારો કંઈક ઓરજ હતો.  રમણિકલાલ કહે છે કે, ‘ મારા પિતાજી મને એવું કહેતા કે ભલે છાપુ ચલાવીએ પણ તેમાં લોકોને ચોક્કસ વાંચનસભર માહિતી આપીએ અને કોઈની પણ તેમાં ટીકાઓ ના કરીએ. જેથી મેં મારા પિતાજીની વાતો માનીને વાચકોને માત્ર સારૂ વાંચન અને રસપ્રદ સમાચારો મળે એવી રીતે મેગેઝિન આપ્યું. જેમાં ક્યારેય કોઈની ટીકાઓને સ્થાન નહોતું આપ્યું.’
મેગેઝિન જ્યારે સારૂ ચાલવા માંડ્યું ત્યારે રમણિકલાલે પોતાના ભાઈઓને પણ લંડન તેડાવી લીઘાં હતાં અને તેમના મિત્ર ઈબ્રાહિમભાઈને પણ મેગેઝિનમાં કામ કરવા માટે લંડન બોલાવી દીધા હતાં. તેમના ત્રણ ભાઈઓને પણ તેમને મેગેઝિનમાં કામ કરવા માટે લંડન બોલાવી દીધા હતાં, તે પહેલા તેમને  ગુજરાતમાં બચુભાઈ રાવતને ત્યાં કુમારમાં કમ્પોઝિંગનું કામ શીખવવામાં આવ્યું હતું.
લંડન ગયા પછી તેમના ત્રણ ભાઈઓમાંથી બે ભાઈઓ પોતાનો બિઝનેસ કરવા માંડ્યા અને તેમના નાના ભાઈ જ્યંતિભાઈ હાલમાં પણ ગરવી ગુજરાત મેગેઝિનમાં રમણિકલાલ સાથે સંકળાયેલા છે. તેમના મોટા દિકરી સાધના બેન શરૂઆતમાં આ મેગેઝિનનું એડવર્ટાઈઝમેન્ટનું કામ કરતાં હતાં. મેગેઝિનની સાથે સાથે  રમણિકલાલ બીજુ પણ કામ કરતાં હતાં. તેઓ ત્યાંના લોકોને અંગ્રેજીનું અનુવાદ પણ કરી આપતા હોવાથી તેની પણ આવક થતી હતી.
ગરવી ગુજરાતમાં તે વખતે લંડનમાં અથાણા વેચતી કંપની પાઠક સ્પાઈસિસ, બેંક ઓફ બરોડા અને એર ઈન્ડિયા કંપનીની જાહેરાતો વધારે છપાતી હતી. આ મેગેઝિનને ધીરે ધીરે સપોર્ટ મળતો ગયો, કારણ કે ત્યાં ગુજરાતીઓની સંખ્યામાં પણ વધારો થયો અને ત્યાંના સ્ટોલ પર મેગેઝિન વેચાવા પણ માંડ્યુ, તે ઉપરાંત લોકો રમણિકલાલને પોષ્ટ દ્વારા જ લવાજમના પૈસા મોકલવા માંડ્યા હતાં. આ અરસામાં રમણિકલાલને ઘણા કવિઓ અને લેખકો સાથે પરિચય થયો હતો.
જેમાં સુરતમાં ગુજરાતી ભાષાના અગ્રણી સાહિત્યકાર વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, કુમાર સામયિકના તંત્રી બચુભાઈ રાવત, ગુજરાતના સુપ્રસિદ્ધ કવિ ઉમાશંકર જોશી, કોમર્સ મેગેઝિનના તંત્રી અને નિબંધ લેખક વાડીલાલ ડગલી સાથે મુલાકાત થયેલી અને તેમની સાથે ધીરેધીરે સંબંધો પણ વિકસ્યા હતાં. ટોચના કવિ સ્વ. નિરંજન ભગત સાથે તો તેમની અત્યંત નિકટની અને આજીવન મૈત્રી રહી.  રમણિકલાલે આમતો પોતાનું પત્રકારત્વ એ સમયના સુરતના જાણીતા અખબારો નૂતન ગુજરાત અને લોકવાણી થી શરૂ કરેલું, ત્યાર બાદ તેમણે મૂંબઇના અગ્રણી અખબાર  જન્મભૂમિ માટે પણ લંડન અને યુરોપ માટે કામ કર્યું હતું.
તેમણે પોતાના ગરવી ગુજરાત સાપ્તાહિકમાં સામાજિક, પ્રજાજોગ, રાજકારણ, સાસ્કૃતિક કાર્યક્રમો, ધાર્મિક અને આર્થિક જેવા મુદ્દાઓને સમાચારો તરીકે સ્થાન આપ્યું. માત્ર ટીકાઓ વિનાની વાંચન સામગ્રી આ મેગેઝિનના વાચકો પાસે પહોંચતી હતી. જેથી આ મેગેઝિન લંડનમાં રહેતા ગુજરાતીઓ માટે લોકપ્રિય બન્યુ હતું. ઈ.સ 1976માં રમણિકલાલ ઈંગ્લેન્ડના તંત્રી યુનિયનના સભ્ય બની ગયાં હતાં. તેમને ઈંગ્લેન્ડની રાણી એલિઝાબેથ-2 એ 1999માં પત્રકારત્વક્ષેત્ર ઉચ્ચ પ્રકારની અને ઉત્તમ કામગીરી બદલ પ્રતિષ્ઠાવંત O.B.E ( (Order of The British Empire)થી  સમ્માનિત કર્યા હતાં. ત્યાર બાદ 2007માં તેમને C.B.E. (Commander of the British Empire)નું સન્માન આપવામાં આવ્યું છે.
આજે ગરવી ગુજરાત યુકેનું એક અગ્રણી પબ્લિકેશનહાઉસ બની ગયું છે. આ જ જૂથનું અંગ્રેજી અખબાર ઇસ્ટર્ન આઇ તો માત્ર એશિયનો જ નહિ પણ યુકેના રાજકીય, સામાજિક અગ્રણીઓનું પણ પ્રિય અખબાર બન્યું છે. એશિયન રિચ લિસ્ટ એશિયન બિઝનેસજગતની પારાશીશી સમાન બન્યું છે. એશિયન ટ્રેડર, ફાર્મસી બિઝનેસ અને એશિયન હોસ્પીટાલિટી જેવા પ્રકાશનો જે તે ક્ષેત્રના બિઝનેસમેનો વચ્ચે સેતુરૂપ બન્યાં છે.
આજે ગરવી ગુજરાત યુકે ઉપરાંત અમેરિકાથી પણ બહાર પડે છે. તેના નવા ટેબ્લોઇડ ફોરમેટને વાચકોએ વધાવી લીધું છે. સંતો-ભગવંતોના આશીર્વાદ પણ તેને સતત પ્રાપ્ત થયા છે.