સાસણ નજીક દેવળીયા પાર્કમાં ગુરૂવારે વનકર્મીઓ પર હુમલો કરનાર ગૌતમ અને ગૌરવ નામના નરભક્ષી સિંહોને બે કલાકે ટ્રાન્ક્યુલાઇઝ ગનના ઉપયોગ વગર પાંજરે પૂરવામાં આવ્યા હતા અને આજીવન કેદની સજા કરતો હુકમ ગુજરાતનાં ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડને કર્યો છે. હુમલામાં ટ્રેકરને બન્ને સિંહોએ ફાડી ખાતા મોત નીપજ્યું હતું. જ્યારે બે વનકર્મીને ગંભીર ઇજા પહોંચાડી હતી. ગુરૂવારે બપોરે ચાર વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ, વેટરનરી ડોક્ટર અને અનુભવી ટ્રેકર્સોની મદદથી 15 સભ્યોની ટીમ બનાવવામાં આવી હતી અને સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું.
દેવળીયામાં પ્રવાસીઓની અવર-જવર બંધ થાય અને સિંહો પોતાના પાંજરામાં ચાલ્યા જાય તે માટે દેવળિયા પાર્ક બંધ કરવામાં આવ્યું હતું. આથી બપોરની ઘટના બાદ સાંજ સુધીમાં સિંહોનો ગુસ્સો શાંત થયો હતો. બાદમાં વન વિભાગે ટ્રેકર રજનીભાઇની લાશ કબ્જે કરી હતી. સિંહો એ સ્થળ નજીકથી ઉઠી ધીમે ધીમે તેમનાં પાંજરા તરફ ચાલવા લાગતા વનવિભાગની ટીમ બંને સિંહો પર ચાંપતી નજર રાખી બેઠી હતી.
સાંજે છ વાગ્યા સુધીમાં બંને સિંહો પોતાનાં પાંજરામાં ચાલ્યા જતા ટ્રાન્કયુલાઇઝ ગનના ઉપયોગ વગર અને અન્ય કોઇ મથામણ વગર સિંહો પાંજરામાં આવી જતા વન વિભાગની ટીમે હાંશકારો અનુભવ્યો હતો. દેવળિયા સફારી પાર્ક એક પ્રકારનું ઝૂ જ છે. આથી તેમાં જંગલનાં સિંહો નહીં પરંતુ જૂનાગઢનાં સક્કરબાગ ઝૂનાં બે સિંહો ગૌરવ અને ગૌતમને 3 વર્ષ પહેલાં અહીં લાવવામાં આવ્યા હતા. પરંતુ ઘટના બાદ બંનેને ફરી ક્યારેય પાર્કમાં ન છોડવા અને આજીવન કેદમાં જ રાખવાનો હુકમ ગુજરાતનાં ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડને કર્યો છે.