ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ચૂંટણી બાદ પ્રથમ વખત દિલ્હી હાઇકમાન્ડથી તેડુ આવતાં બે દિવસના દિલ્હીના પ્રવાસે ઉપડી ગયા છે. ગઈકાલે તેઓએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. જ્યારે આજે  તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત યોજશે. આ મુલાકાતમાં ગુજરાત ભાજપનાં કેટલાક નેતાઓમાં રહેલો અસંતોષ અને જૂથબંધી ટાળવા કેવો વ્યૂહ અપનાવવો તેમજ ૧૯મીથી વિધાનસભાના બજેટ સત્રમાં વિરોધ પક્ષના સભ્યોને કાબુમાં રાખવા અંગેની ચર્ચા વિચારણાઓ થાય તેવી શક્યતાઓ છે. સામાન્ય રીતે સીએમ દિલ્હી કે અન્ય રાજ્યોના પ્રવાસે જાય તે અગાઉ તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવતી હોય છે. પરંતુ તેઓ સોમવારે આવી કોઇ જ જાહેરાત વગર અચાનક દિલ્હી જવા માટે રવાના થઇ ગયા હતા. ઉપરાંત ઉડીને આંખે વળતે તેવી બાબત છે કે રાજ્ય અંગેનાં કોઇ મહત્વના કે  નીતિ વિષયક નિર્ણયો કરવાનાં હોય તો ડેપ્યુટી સીએમનેપણ સાથે રાખવામાં આવતા હોય છે.  રુપાણીએ રાષ્ટ્રપતિ ભવન ખાતે જઈ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની શુભેચ્છા મુલાકાત લીધી હતી. જો કે આજે વડાપ્રધાન મોદી અને ભાજપનાં અધ્યક્ષ અમિત શાહ સાથે તેઓ ગુજરાતની રાજકીય સ્થિતિની સમીક્ષા કરશે. ખાસ કરીને સારુ ખાતુ આપવાની માગણી કરી રહેલા પરસોત્તમ સોલંકી અને મંત્રી મંડળમાં સમાવવા માટે દબાણ કરી રહેલા કેટલાક ધારાસભ્યોનો અસંતોષ કઈ રીતે ડામવો તેનો વ્યૂહ ઘડાશે. નજીકના ભવિષ્યમાં ભાજપમાંથી જ બીજા નવા કોઈ પડકારો ઊભા ન થાય તે માટે શું ધ્યાન રાખવું તેની ચર્ચા-વિચારણા પણ કરાશે. ઉપરાંત દોઢ મહિનો સુધી ચાલનારા વિધાનસભા સત્ર દરમિયાન કોંગ્રેસના તોફાની ધારાસભ્યો, અપક્ષ મેવાણી વગેરેને કઈ રીતે હાવી ન થવા દેવા વગેરે બાબતોની પણ લંબાણપૂર્વક ચર્ચા થશે. વિધાનસભામાં રજૂ થનારા કેટલાક મહત્વપૂર્ણ બિલો અંગેની જાણકારી પણ આ બેઠકમાં અપાશે.