લોકસભાની ચૂંટણી સંપન્ન થયા બાદ ગુજરાત સરકારના મંત્રી મંડળનું આગામી ટૂંક સમયમાં વિસ્તરણ કરાશે. ચૂંટણી પહેલા જ એવી અટકળ હતી કે જો કેન્દ્રમાં ભાજપને સત્તા નહીં મળે તો અને ગુજરાતમાંથી કોંગ્રેસને પાંચથી વધુ બેઠકો મળશે તો મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ને બદલી દેવાશે. પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણીના વડપણ હેઠળ ભાજપે ગુજરાતમાં ફરીથી ઇતિહાસ સર્જી દીધો છે અને તમામ 26 બેઠકો પર કબજો જમાવ્યો છે. આથી હવે હાઇકમાન્ડ મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રીને બદલવાના મૂડમાં નથી આમ છતાં મંત્રીમંડળમાં ફેરફારો નિશ્ચિત છે. કારણકે ભાજપના ચાર ધારાસભ્ય હવે ચૂંટણી જીતીને સાંસદ બની ગયા છે. જેમાંથી પરબત પટેલ રાજ્યકક્ષાના મંત્રી છે.
હવે ચારેય ધારાસભ્ય રાજીનામાં આપવાના હોવાથી વિધાનસભાની ચાર બેઠકો માટે પેટાચૂંટણી થશે. બીજી બાજુ ચૂંટણી પહેલા કથિત સેક્સની ઓડીયો સીડી બહાર આવી હતી. જેમાં રાજ્યકક્ષાના મંત્રી વાસણ આહિરનો અવાજ હતો. વાસણ આહિર અને મહિલા વચ્ચેની તેમજ વાસણ આહિર સાથે સંપર્કો અને સંબંધો ધરાવતી બે મહિલાઓ વચ્ચે વાતચીતની 12થી વધુ ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જેમાં બિભત્સતાની તમામ હદો પાર કરી હતી. આ બાબતને લઈને ભારે હોબાળો મચ્યો હતો.
જોકે ભાજપ હાઇકમાન્ડે હજુ સુધી વાસણ આહિરની સામે કોઇ જ પગલાં ભર્યા નથી. હવે એવું લાગે છે કે મંત્રીમંડળના વિસ્તરણમાં આહિરને પડતા મુકાશે. આજ રીતે છેલ્લા ઘણા સમયથી બિમાર રહેતા અને ભાજપ સામે બાંયો ચઢાવનાર તેમજ ભાજપને આડકતરી રીતે ધમકી આપનારા રાજ્યકક્ષાના મંત્રી પુરુષોત્તમ સોલંકીને પણ ઘરભેગા કરાશે.
બીજી બાજુ છેલ્લા ઘણા સમયથી ગૃહરાજ્યમંત્રીનો હવાલો સંભાળી રહેલા અને જેની સામે કોઈ વિવાદ નથી તેવા ભાજપ હાઈકમાન્ડ તથા અમિત શાહની નજીક ગણાતા પ્રદીપસિંહ જાડેજાને કેબિનેટનો દરજ્જો મળે એવી શક્યતા છે. સચિવાલયમાં એવી ચર્ચા થઈ રહી છે કે હાલ ના મહેસુલ મંત્રી કૌશિક પટેલ હૃદયની બીમારીથી પીડાઇ રહ્યા છે.
મુંબઈની હોસ્પિટલમાં તાજેતરમાં તેમનું ઓપરેશન પણ કરાવ્યું હતું. ડોક્ટરે તેમને આરામ કરવાની સલાહ આપેલી છે. આ સંજોગોમાં પ્રદિપસિંહને મહેસુલ ખાતુ પણ મળી શકે છે. બીજીબાજુ પ્રદેશ ભાજપના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી ની મુદત પણ પૂરી થઈ રહી છે. તેમના કાર્યકાળમાં ભાજપ 2017ની વિધાનસભાની અને હવે 2019ની લોકસભાની ચૂંટણીમાં વિજય બન્યું હતું. આથી જીતુ વાઘાણીને મંત્રીમંડળમાં સ્થાન અપાય તેવી શક્યતાઓ હાલના કેબિનેટ કૃષિમંત્રી આર.સી.ફળદુની કામગીરી પણ ખુબ જ નબળી કક્ષાની રહી છે. તેમના કાર્યકાળ દરમિયાન મગફળી અને કપાસ કૌભાંડ બહાર આવ્યું હતું. ખેડૂતોમાં પણ ભારે આક્રોશ છે.
આવી સ્થિતિમાં તેમને પણ રૂપાણી મંત્રી મંડળમાંથી પડતા મૂકવામાં આવી શકે છે. દરમિયાનમાં કોંગ્રેસના બાગી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે લોકસભાની બનાસકાંઠા તથા પાટણ બેઠક જીતવા માટે પડદા પાછળ રહીને ભાજપને ઘણી જ મદદ કરી હતી. આથી ભાજપ અલ્પેશ ઠાકોરને કોંગ્રેસના ધારાસભ્ય પદેથી સૌપ્રથમ રાજીનામું અપાવશે. ત્યારબાદ અલ્પેશને પણ મંત્રીમંડળમાં સ્થાન આપી શકે છે. ઉપરાંત ભૂતપૂર્વ મંત્રી અને 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોર સામે હારી ગયેલા શંકર ચૌધરી પણ ફરીથી સક્રિય થયા છે.
તેઓ પરબત પટેલની ખાલી પડનારી થરાદ બેઠક પરથી ચૂંટણી લડીને રૂપાણી મંત્રી મંડળમાં એન્ટ્રી કરવા ભારે ઉત્સુક છે. આ જ રીતે દક્ષિણ ગુજરાતમાંથી પણ કોઈ ધારાસભ્યને મંત્રીપદ આપવાની વિચારણા થઈ રહી છે. ગુજરાત મંત્રીમંડળના વિસ્તરણની તમામ બાબતો તેમજ કયા મંત્રી પડતા મૂકવા તથા કયા નવા કે જુના ધારાસભ્યને મંત્રી બનાવવા વગેરે બાબતોનો આખરે નિર્ણય ભાજપ હાઈકમાન્ડ કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી છેલ્લી રાજકીય સ્થિતિનો ચિતાર હાઈ કમાન્ડને આપશે અને ત્યારબાદ બાદ નક્કી કરાશે. મંત્રી મંડળનું વિસ્તરણ વિધાનસભાના સત્ર પહેલા કરવામાં આવે છે કે સત્ર પછી તેના પર સૌની નજર મંડાયેલી છે.