ઉનાકાંડ ફરી એકવાર ચર્ચામાં આવ્યુ છે. રવિવારે સમઢિયાળામાં ૧૦૦થી વધુ દલિતોએ હિન્દુ ધર્મનો ત્યાગ કરીને બૌધ્ધ ધર્મનો અંગિકાર કર્યો હતો. ઉનાકાંડના પિડીત દલિત પરિવારોનો આક્ષેપ છેકે, ભાજપ સરકારે એકેય વચનનુ પાલન કર્યુ નથી પરિણામે આ પગલું ભરવા મજબૂર થવુ પડયુ છે. ધર્મપરિવર્તન સમયે સમઢિયાળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ઉનાકાંડ બાદ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સ્થળની મુલાકાત લઇને પુરતા પગલાં લેવાની ખાતરી ઉચ્ચારી હતી. ઉનાકાંડના પિડીત દલિત પરિવારનો આક્ષેપ છેકે, તે વખતે સરકારી અધિકારીઓએ બીપીએલ કાર્ડ આપવા બાંહેધરી આપી હતી. આ ઉપરાંત ઘરનો પ્લોટ અને પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાનુ પણ વચન આપવામાં આવ્યુ હતુ. આ ઘટનાને ઘણો સમય વિત્યાં છતાંય ભાજપ સરકારે એકેય વચન પાળ્યુ નથી.દલિતોની સરકાર સદંતર અવગણના કરી રહી છે જેથી અમે ધર્મ પરિવર્તન કરવાનો નિર્ણય કર્યો છે. ત્રણ બૌધ્ધ ભિક્ષુકોએ ઉનાકાંડના પિડીત પરિવારના દસેક સભ્યો ઉપરાંત અન્ય ૧૦૦ જેટલાં દલિતોને બૌધ્ધ ધર્મ અંગિકાર કરાવ્યો હતો. દલિતોએ ધર્મ પરિવર્તનની પ્રતિજ્ઞાા લીધી હતી. રાજ્યભરમાં દલિત આગેવાનોએ પણ આ ધર્મ પરિવર્તન કાર્યક્રમમાં હાજરી આપી હતી. દલિતોએ એવો પણ રોષ ઠાલવ્યો હતો કે, છેલ્લા કેટલાંય દિવસોથી દલિતોએ ધર્મ પરિવર્તનની ચિમકી આપી હોવા છતાંય ભાજપ સરકારના પેટનુંપાણી ય હાલ્યુ નહીં.