ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તણાવભરી પરિસ્થિતિના કારણે તમામ સરહદો પર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે, ત્યારે પાકિસ્તાન સાથે દરિયો, રણ અને ક્રીક સાથે સાથેની બોર્ડર પર સંકળાયેલા કચ્છ જિલ્લામાં સુરક્ષાના તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે. હાલ ગુજરાતની દરિયાઈ સીમાને હાઈ એલર્ટ પર મુકવામાં આવી છે. પાકિસ્તાન દ્વારા દરિયાઈ સીમામાં હુમલો થઈ શકે છે, તેવી બાતમી મળી છે. ગુપ્તચર એજન્સીઓ દ્વારા આ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે. સાથે દરિયાઇ વિસ્તારના નજીકના ગામોને પણ એલર્ટ કરાયા છે.દરિયાઈ સીમામાં નેવી દ્વારા પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે.
કચ્છનાં પ્રવાસન સ્થળો પર BSFના જવાનો તૈનાત કરી દેવાયા છે. કાળા ડુંગર ખાતે BSF ચોકી પર જવાનો તૈનાત છે. સાથે હવાઇ વિસ્તારમાં નજર રાખવા માટે એર સર્વેલન્સ ટાવર પણ ઉભા કરી દેવાયા છે. જખૌ મરીન પોલીસ, બીએસએફ અને કોસ્ટગાર્ડ દ્વારા જળસીમા, ચેક પોસ્ટ તથા દરેક માર્ગ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. માછીમારોને કેટલાક મહત્ત્વના સૂચનો કર્યા હતા કે કોઈ પણ સંદિગ્ધ લોકો કે વસ્તુ દેખાય તો તરત પોલીસ તથા સુરક્ષા એજન્સીઓને જાણ કરવાની સૂચના આપી હતી.