ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. ઠંડા પવનને કારણે લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. ત્યારે સૌથી વધુ ઠંડી કચ્છના નલિયામાં રેકોર્ડ બ્રેક ૪.૮ ડિગ્રી લઘુત્તમ તાપમાન  ગયા સપ્તાહે નોંધાયું હતું અને ગિરનાર પર્વત ઉપર ૬.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત અમદાવાદમાં ૧૧ ડિગ્રી જેટલું લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
ગુજરાતમાં ઠંડા પવનને કારણે લઘુત્મ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. નીચું લઘુત્તમ તાપમાન નોંધાતા લોકોને કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જમ્મુ-કાશ્મીર સહિત ઉત્તર ભારતમાં પડી રહેલી અને અત્યંત કાતિલ-સુકા ઠંડા પવનની અસરને કારણે સમગ્ર ગુજરાતમાં હાડ થિજવી દેતી ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, ઉતર પૂર્વિય પવનને કારણે વર્તમાન ઠંડીનું મોજું યથાવત્ રહેશે. જોકે જાન્યુઆરીમાં ઠંડી વધવાની વકી છે. દેશના ઉત્તરીય ભાગમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત હિમવર્ષા થઈ રહી છે ત્યારે ઉત્તર દિશા તરફથી ઠંડા-સુકા પવન ગુજરાત તરફ આવી રહ્યા છે જેના કારણે ગુજરાતમાં પણ ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે અને કડકડકતી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા બે દિવસથી વિવિધ શહેરના લઘુત્તમ તાપમાનમાં ત્રણ લઈ પાંચ ડિગ્રી સુધીનો ઘટાડો થયો છે જેના કારણે ઠંડી વધી રહી છે. જૂનાગઢના ગિરનાર પર્વત ખાતે સોમવારે નવા વર્ષના પ્રથમ દિવસે ૬.૬ અને જૂનાગઢમા ૧૧.૬ ડિગ્રી ઠંડી નોંધાઈ છે. છેલ્લા એક સપ્તાહથી ઠંડીમાં વધ-ઘટ થઈ રહી છે.
આજે સોમવારે નવા વર્ષ ર૦૧૮ના પ્રથમ દિવસની સવારે જૂનાગઢનું લઘુત્તમ તાપમાન ૧૧.૬ ડિગ્રી રહેતા ઠંડી અનુભવાય હતી ઠંડીની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૧ ટકા રહેતા ઠાર વધ્યો હતો. ગિરનાર પર્વત ખાતે સવારનું તાપમાન ૬.૬ ડિગ્રી રહેતા નવા વર્ષની ઉજવણી કરવામાં આવેલા પ્રવાસીઓને કડકડતી ઠંડીનો સામનો કરવો પડ્યો હતો. જામનગર શહેરનું તાપમાન ર૯.પ મહત્તમ, ૯.૮ લઘુત્તમ રહ્યું હતું. તેમ જ ૭૪ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ રહ્યું હતું. જ્યારે ૩.ર૯ કિ.મી.પ્રતિ કલાક પવનની ઝડપ રહી હતી.  આ ઉપરાંત કચ્છનું નલિયા સૌથી ઠંડું નગર રહ્યું હતું.
નલિયામાં ૪.૮ ડિગ્રી, ગિરનાર પર્વત ઉપર ૬.૬ ડિગ્રી, ડીસામાં ૯.૧ ડિગ્રી, જામનગરમાં ૯.૮ ડિગ્રી, કંડલા એરપોર્ટ ખાતે ૯.૮ ડિગ્રી, ગાંધીનગરમાં ૧૦.૧, વલસાડમાં ૧૦.૧, ભુજમાં ૧૧.૦, રાજકોટમાં ૧૧.પ, જૂનાગઢમાં ૧૧.૬, સુરેન્દ્રનગરમાં ૧ર.૮, વડોદરામાં ૧૩.૪, અને ઓખામાં ર૦.૮ ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. જ્યારે અમરેલી ૧૦.૪ ડિગ્રી તથા અમદાવાદ ૧૦.૮ ડિગ્રી જેટલું લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.