વિશ્વ આખામાં આજે હરિયાળી ઘટતી જાય છે તેના પગલે ગરમીનો કહેર વધ્યો છે. પર્યાવરણમાં બદલાવ આવ્યો છે.સાથે સાથે નદીઓ પણ પ્રદૂષિત થઇ રહી છે ત્યારે નદીઓનું શુધ્ધિકરણ અને નદીઓ સહિત પર્યાવરણની સુરક્ષા કરતાં વૃક્ષોનું વાવેતર આપણી અગ્રીમતા હોવી જોઇએ. સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન અને મિશન મિલીયન ટ્રીઝ – વૃક્ષારોપણ અભિયાન એ આ દિશામા નો જ એક અભિગમ છે એવું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ આજે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે મિશન મિલીયન ટ્રીઝ વૃક્ષારોપણ તથા ‘સ્વચ્છ સાબરમતી’ મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.
ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ એજ્યુકેશન સોસાયટી, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, કેન્ટોન્મેન્ટ બોર્ડ, એરપોર્ટ ઓથોરિટી, જી.આઇ.ડી.સી. એસ્ટેટ, હાઇવે ઓથોરિટી, રેલ્વે સહિતની અનેક અગ્રગણ્ય સંસ્થાઓનો આ કાર્યક્રમમાં સહયોગ મળ્યો છે.મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, પ્રદૂષણ અટકાવવું, સ્વચ્છતા જાળવવી, નદીઓનું શુધ્ધિકરણ એમ સહિયારા પ્રયાસોથી પર્યાવરણની જાળવણી કરી શકાશે. અમદાવાદના નદીના શુધ્ધિકરણ અને વૃક્ષારોપણના મહાઅભિયાનમાંથી સમગ્ર રાજ્યના શહેરો પ્રેરણા લેશે.
મુખ્યમંત્રી એ વધુમાં જણાવ્યું કે, પાણીમાં જીવ અને છોડમાં રણછોડની આપણી સંસ્કૃતિ રહી છે. સમષ્ટી આખીનો વિકાસ આપણે કરવો છે. જળ-વાયુ-અગ્નિની પૂજા આપણી પરંપરા રહી છે. વિશ્વએ પ્રકૃતિનું દોહન કર્યું છે અને એટલે જ પર્યાવરણની સમસ્યા એક પડકાર બન્યો છે ત્યારે આપણે આ પડકારનો સામનો કરવા અભિયાન ઉપાડ્યું છે તે અનુકરણીય છે. મહાનગરપાલિકા અને શહેર પોલીસની સંયુક્ત ‘ જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ’ – (JET) નો નવતર પ્રયોગ અપનાવ્યો છે.
આ ટીમના પાંચ સભ્યોની ટીમ શહેરના ૪૮ વોર્ડમાં ઇ-રીક્ષામાં ફરી શહેરમાં કાયમી ધોરણે સ્વચ્છતા અને વ્યવસ્થા ચકાસશે. આ ટીમ દ્વારા શહેરમાં જાહેરમાં થુંકનાર, ગંદકી ફેલાવનાર, કચરો ફેંકનાર, દિવાલો પર પોસ્ટર લગાવનાર, આડેધડ પાર્કિંગ કરનાર, હંગામી દબાણ કરનાર સામે તાત્કાલિક કાર્યવાહી કરશે. આ પ્રયાસ દ્વારા અમદાવાદને વિશ્વ કક્ષાનું સ્વચ્છ – સુઘડ ને સુવિધાાપૂર્ણ શહેર બનાવવાનો ધ્યેય છે ગાંધીજીની કર્મભૂમિ જ્યાં છે તેવી સાબરમતી નદીનું શુધ્ધિકરણ પાંચ દિવસ ચાલશે. તમામ પાસાઓને આવરી લઇને ઉપાડેલું અભિયાન પ્રસંશનીય છે.
રીસાયકલ-રીચાર્જ-રીડ્યુસની નીતિ આગામી દિવસોમાં નવા આયામો પ્રસ્થાપિત કરશે. સાથે સાથે અમદાવાદનું ગ્રીન કવર ૧૫ ટકા સુધી લઇ જવાનો અભિગમ એ સાચા અર્થમાં પ્રકૃતિનું જતન પુરવાર થશે એમ તેમણે ઉમેર્યું હતું.આ વર્ષે ગુજરાતમાં ૫ હજાર મે. વોટ વીજળી સોલાર એનર્જી દ્વારા ઉત્પાદન કરશે. કચ્છ થી દ્વારકા સુધી પવન ઉર્જા ઉત્પાદિત કરવાનો ધ્યેય રાખ્યો છે. રીન્યુએબલ એનર્જી દ્વારા ગુજરાતને દેશ-વિશ્વમાં નમૂનેદાર રાજ્ય બનાવવું છે.મુખ્યમંત્રીએ આ પ્રસંગે જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ (JET) માટેની ૫૦ ઇ-રીક્ષાઓને ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું.