ગુજરાતમાં એક બાજુ ચૂંટણીની મોસમ જામતી જાય છે. તો બીજી તરફ વરસાદ પણ માજા મુકી રહ્યો છે. ખેડૂતોમાં વાવણી લાયક વરસાદ થવાથી ખુશીની લહેર પ્રસરી ગઈ છે, રાજ્યમાં વરસાદની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.  રાજ્યભરમાં ગુરૂવારે વ્યાપક વરસાદ નોંધાયો હતો. કચ્છના 8 તાલુકામાં મેઘકૃપા થઈ હતી. રાપરમાં બારેમેઘ ખાંગા થતાં 4 કલાકમાં 7 ઈંચ વરસાદ પડતાં નદીઓ છલકાઈ હતી. બનાસકાંઠાના દાંતામાં પણ બુધવારે મોડી રાત્રે ધોધમાર પોણા પાંચ ઈંચ વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રના અને ઉત્તર ગુજરાતના તાલુકાઓમાં 1 થી 3 ઈંચ વરસાદ પડ્યો હતો.  સૌરાષ્ટ્રમાં ગુરુવારે પણ મેઘરાજાનું છૂટુંછવાયું વહાલ યથાવત્ રહ્યું હતું. હાલારમાં અડધાથી ત્રણ ઇંચ, રાજકોટ જિલ્લામાં ઝાપટાંથી માંડી બે ઇંચ, સોરઠમાં અડધાથી ત્રણ ઇંચ અને પોરબંદર પંથકમાં બે ઇંચ સુધીનો વરસાદ વરસી ગયો હતો.જામનગર જિલ્લામાં બુધવારે રાત્રિના 8 વાગ્યાથી ગુરુવારે સાંજે 6 વાગ્યા સુધીમાં ખંભાળિયામાં 3 ઇંચ ,લાલપુરમાં 1.5 ઇંચ અને દ્વારકા, ધ્રોલ, ભાણવડમાં પોણો-પોણો  ઇંચ વરસાદ વરસી ગયો હતો. જયારે જામનગર અને અન્ય તાલુકામાં વરસાદી વાતાવરણ વચ્ચે ઝાપટાં પડ્યા છે. ભાણવડના સણખલામાં 4 ઇંચ વરસી ગયો હતો. કેશોદ શહેર અને તાલુકામાં બે ઈંચ વરસાદ પડ્યો હતો. મોરબી જિલ્લા અને તાલુકામાં પણ અડધોથી બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં બુધવારની રાત્રે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. જેમાં દાંતામાં પોણા પાંચ, ધાનેરામાં અઢી અને વડગામમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તેમજ દિયોદર, ડીસા, સૂઇગામમાં દોઢ ઇંચ ઉપરાંતનો વરસાદ ખાબક્યો હતો. દક્ષિણ ગુજરાતમાં પણ સુરત અને વડોદરા શહેર તેમજ તાલુકામાં મેઘમહેર જારી રહી હતી. સુરત જિલ્લામાં અડધોથી દોઢ ઈંચ જેટલો તોફાની પવન સાથે વરસાદ પડ્યો હતો. સુરત શહેરમાં 8થી વધુ સ્થળોએ ઝાડ પડવાની ઘટના બની હતી. વડોદરા શહેર અને તાલુકામાં પણ અડધોથી એક ઈંચ જેટલો વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

LEAVE A REPLY

fourteen − 1 =