ગુજરાતમાં વેપાર-ધંધાને વધુ પ્રોત્સાહન આપવા માટે અને રોજગારી પણ વધે તે માટે પ્રથમ વખત રાજયમાં ૨૪ કલાક જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની દુકાનો-રેસ્ટોરન્ટ ખુલ્લી રાખવાનો ઐતિહાસિક નિર્ણય રૂપાણી સરકાર દ્વારા મંત્રી મંડળની બેઠકમાં લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી હવે ગ્રાહકોને અડધી રાતે પણ જરૂરી ચીજ વસ્તુઓ ઉપલબ્ધ થશે. તે સાથે રાજયમાં રાત્રિ બજારોની રોનક પણ વધશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારો, નેશનલ હાઈવે, રેલવે પ્લેટફોર્મ, એસ.ટી. બસ મથક, હોસ્પિટલ, પેટ્રોલ પંપ પર આવેલી દુકાનો અને મોલને ૨૪ કલાક ખુલ્લા રાખવાની મંજૂરી અપાઇ છે. તે સાથે નગરપાલિકા અને સ્ટેટ હાઈવે પર આવેલી દુકાનોને સવારના ૬ થી રાત્રિના ૨ સુધી ખુલ્લી રાખવાની છૂટ આપતી જોગવાઈ વિવિધ શરતોને આધીન કરવામાં આવી છે. રાજયમાં રાત-દિવસ દુકાનો ચાલુ રહી શકે તે માટે સરકાર જરૂરી નીતિ-નિયમો અને કાયદામાં ફેરફાર કરવામાં આવશે.
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના ભાગરૂપે લેવાયેલા નિર્ણયોની વિગત આપતા જણાવ્યું હતું કે, રીટેઇલ ધંધા-વ્યાપારમાં વધારો થાય અને ગ્રાહકોને પણ ફાયદો થાય તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ૨૪ કલાક દુકાન ચાલુ રાખવાની છૂટ સહિતની વિવિધ જોગવાઈઓના પરિણામે લોકોને વધુ રોજગારી મળશે તથા ગ્રાહકોને અનુકુળ સમયે ખરીદી કરવાની સગવડ થતાં ધંધા અને રોજગારીમાં વધારાનો ફાયદો થશે. રેસ્ટોરન્ટ-નાસ્તા પાર્લર કે ખેડૂતોને ઓજાર વેચવાની દુકાનો પણ ખુલ્લી રાખી શકાશે. દુકાનદારોને હવે નક્કી કરવાનું રહેશે કે તેમણે વધારાના સમય માટે ખુલ્લી રાખવી કે નહીં પણ પોલીસ દ્વારા હેરાનગતિ કરાશે નહીં. ગુમાસ્તા ધારા હેઠળ નોંધાયેલી સાત લાખ જેટલી દુકાનોને તેનો લાભ મલશે. શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આ માટે લવાનારા વિધેયકને મંત્રી મંડળની બેઠકમાં મંજૂરી અપાઇ છે.
તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ અંગેના વિધેયકમાં શ્રમયોગી કર્મચારીઓ માટે પણ ખાસ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. શ્રમયોગીઓ માટે શીફ્ટમાં કામ કરવા માટેની મંજૂરી આપવામાં આવશે. તેની સાથે ઓવર ટાઈમમાં પણ દોઢ ગણાને બદલે હવેથી બમણું વેતન આપવામાં આવશે. આ નવા અધિનયમ હેઠળ સ્થાનિક સત્તા મંડળના વિસ્તારો ઉપરાંત સમગ્ર રાજ્યને આવરી લેવાશે. ધંધાદારીઓ તથા વેપારીઓને કાયદાના સરળીકરણનો લાભ મળવાની સાથે શ્રમયોગીના હિતોનું રક્ષણ થાય તેની પણ પૂરતી કાળજી રાખવામાં આવશે.
શહેરો, હાઇવે, પેટ્રોલ પંપ, રેલવે સ્ટેશન, એસટી બસ મથક, નાસ્તા પાર્લર, રેસ્ટોરન્ટ અને મોલ વિગેરે સ્થળોએ રાત્રિ બજારો પણ ધમધમશે. મહિલાઓમાં રાત્રે ખરીદી કરવાનો ટ્રેન્ડ શરૂ થશે. પોલીસ દ્વારા દુકાનદારો મોડી રાત સુધી દુકાન ખુલ્લી રાખે તો પોલીસની હેરાનગતિ થતી હતી અને ઘણી વખત હપ્તા આપવા પડતા હતા તે પણ બંધ થશે. પરંતુ જ્યારે કાયદો-વ્યવસ્થાને લગતી કે કોઇ અસામાન્ય સ્થિતિ ઉભી થાય ત્યારે કલેકટર કે સ્થાનિક એસપીને પખવાડિયા સુધી રાત્રિના સમયે દુકાન બંધ રાખી શકવાની સત્તા અપાશે.
રાજયની ભાજપ સરકારે કેન્દ્ર સરકારના પગલે જ લોકસભા ચૂંટણી પહેલા વિધાનસભા સત્રમાં મહત્વની જાહેરાતો અને જરૂરી કાયદામાં ફેરફાર કરવાની પધ્ધતિ અપનાવી છે. રાજયભરમાં લાખો દુકાનદારો છે અને તેની ઉપર સેંકડો પરિવારો નભે છે તેમને વ્યાપાર વધારવાની વધારાની તક મળશે. તે સાથે સમય વધારાતા ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી બેરોજગારી વધી હોવાની બૂમ વધી છે તેમાં પણ યુવાનોને રોજગારીની તક વધશે. રાજયમાં એક વર્ગ લાંબા સમયથી ૨૪ કલાક દુકાનો ખુલ્લી રાખવી જોઇએ તેવી માગણી કરી રહ્યો હતો તેને પણ આ રીતે સંતોષીને સરકારે ચૂંટણી પહેલા જ માસ્ટર સ્ટ્રોક માર્યો છે.