ગુજરાત સરકારે ગંભીર પ્રકારની, ખર્ચાળ બિમારીઓની મફત સારવાર માટે અમલમાં મૂકેલી ‘મા અમૃતમ, મા વાત્સલ્ય કાર્ડ’ની યોજનાની સફળતા બાદ હવે, રાજ્યના કોઈપણ ખૂણે થયેલા માર્ગ અકસ્માતના ઇજાગ્રસ્તોને ૪૮ કલાક સુધી રૂ. ૫૦,૦૦૦ સુધીની સારવાર મફત (વિના મૂલ્યે) આપવાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ કોઈપણ સરકારી કે ખાનગી સહિતની કોઈપણ હોસ્પિટલમાં સારવાર લઈ શકાશે. આ યોજનામાં કોઈપણ પ્રકારની આવક મર્યાદાને ધ્યાનમાં નહીં લેવાય.
હવે, સરકારે નક્કી કર્યું છે કે, અકસ્માત દરમ્યાન ઈજા પામેલાઓને કોઈપણ ખાનગી સહિતની કોઈપણ હોસ્પિટલમાં સારવાર અપાશે તો તેના પ્રથમ ૪૮ કલાક સુધીનું ઈજાગ્રસ્તોનું ડ્રેસીંગ, સ્ટેબીલાઈઝેશન, ફ્રેકચર સ્ટેબીલાઈઝેશન, શોકની પરિસ્થિતિની સારવાર, એક્સ-રે, ઈજાના ઓપરેશનો, સીટી સ્કેન, એમઆરઆઈ, અલ્ટ્ર સાઉન્ડ, બ્લડ ટ્રાન્સફ્યુઝન, માથાની ઈજાની સારવાર, ઓપરેશનો, ઘનિષ્ઠ સારવાર એકમોમાં સારવાર (આઈસીયુ), પેટ અને પેઢુની ઈજાઓ જેવી ગંભીર પ્રકારની સારવાર માટેનો તમા ખર્ચ જે તે હોસ્પિટલોને સીધેસીધો રાજય સરકાર દ્વારા ચૂકવાશે. જેથી કોઈપણ ગરીબ કે મધ્યમ વર્ગનો ઈજાગ્રસ્ત દર્દી સારવારના અભાવે જીવ ન ગુમાવે તેવો આશય છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં એકબાજુ વાહનોની સંખ્યા વધી રહી છે. તેના પરિણામે સ્વાભાવિક રીતે જ વાહન-અકસ્માતોની સંખ્યા પણ વધી રહી છે. રાજ્યમાં દર વર્ષે સરેરાશ ૨૯,૩૦૯ અકસ્માત થાય છે. જેમાં દર વર્ષે સરેરાશ ૬,૪૮૩ લોકોનાં મોત થાય છે. આવા અકસ્માતોમાં ઈજા પામનારા કે મૃત્યુ પામનારા કે કાયમી અપંગ થયેલી વ્યક્તિઓ, તેમના પરિવારજનોને મોટી તકલીફ સહન કરવી પડે છે. તેમને પારાવર દુ:ખ સહન કરવું પડે છે. અનુભવે જણાયું છે કે, માર્ગ અકસ્માતમાં ઈજા પામેલાઓને સમયસર સારવાર આપવામાં આવે તો તેમનો જીવ બચાવી શકાય છે. આવી પરિસ્થિતિમાં રાજ્ય સરકારે એવો નિર્ણય કર્યો છે કે, ગુજરાતની હદમાં થયેલા અકસ્માત પછીના ૪૮ કલાક દરમ્યાન દર્દીઓને રુપિયા ૫૦ હજાર સુધીની તાત્કાલિક સારવાર વિના મૂલ્યે અપાશે.
જેમાં ગુજરાત, કે ગુજરાત બહારના કે રાષ્ટ્રના કોઈપણ નાગરિક હોય પરંતુ તેમને ગુજરાતના કોઈપણ છેડે અકસ્માત નડ્યો હોય તો તેમને નજીકની કોઈપણ સરકારી કે બિન-સરકારી, ખાનગી હોસ્પિટલમાં નિ:શુલ્ક સારવાર આપી શકાશે. નાયબ મુખ્યમંત્રીના કહેવા મુજબ, અકસ્માતના પ્રથમ કલાક (ગોલ્ડન અવર)માં ઈજાગ્રસ્તોને ઈમરજન્સી મેડિકલ સારવાર મળી રહે તો ૫૦ ટકા દર્દીઓના જીવ બચાવી શકાતા હોય છે. અકસ્માતના સ્થળેથી સૌથી વધુ નજીક હોસ્પિટલોમાં ઈજાગ્રસ્તોને દાખલ કરવામાં આવે તો, તે વ્યક્તિની બચવાની શક્યતા વધી જાય છે. ૨૦૧૮-૧૯ના ચાલુ વર્ષ માટે રાજ્ય સરકારે રૂ. ૩૦ કરોડની ફાળવ્યા છે.
સારવાર ક્યાંક્યા લઈ શકાશે ? અકસ્માતનો ભોગ બનનાર તેના સ્થળેથી નજીકની કોઈપણ સરકારી કે ખાનગી હોસ્પિટલો, જિલ્લા-તાલુકા હોસ્પિટલો, મેડિકલ-કોલેજોની હોસ્પિટલો, અથયવા કોઈપણ જાહેર કે ખાનગી હોસ્પિટલોમાં આ સેવા અપાશે. અસરગ્રસ્તે નાણા ચૂકવવાના રહેશે નહીં. પ્રથમ ૪૮ કલાક સુધી એકપણ પૈસો સારવાર માટે લેવાશે નહીં. આવી હોસ્પિટલોએ તે ખર્ચ-બિલ સીધા જિલ્લાના મુખ્ય તબીબી અધિકારી કે અધિક્ષકને મોકલી આપવાનું રહેશે. ખાનગી હોસ્પિટલને બીલની રકમ ખરેખર ખર્ચ અથવા રૂ. ૫૦,૦૦૦, તે બંનેમાંથી જે ઓછું હશે તે રકમ મળવાપાત્ર થશે.