ગુજરાતભરમાં વ્યાપક વરસાદ પડી રહ્યો છે.મધ્ય ગુજરાતના છોટાઉદેપુરમાં 24 કલાકમાં 13.5 ઈંચ વરસાદ પડતા જનજીવનને વ્યાપક અસર પહોંચી છે. છોટાઉદેપુરમાં હેરણ અને ઢાઢર નદીમાં ભારે વરસાદને કારણે પૂર આવતા પાણી સમુદ્રના મોજાની જેમ ઉછળ્યા હતા. શુક્રવારે વહેલી સવારથી જ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતિની આગાહીને લઇ રાજ્યનું સમગ્ર વહીવટીતંત્ર સતર્ક છે. તમામ જિલ્લાઓને એલર્ટ પર રહેવા સૂચના આપવામાં આવી છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જણાવ્યા મુજબ ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં કોઇ સ્થળે વધુ સ્થિતિ ગંભીર બને તો તેવા સંજોગોમાં બચાવ સહિતની કામગીરી સત્વરે પૂરી પાડવા માટે NDRFની 18 ટીમો અને SDRFની 11 ટીમોને તૈયાર રાખવામાં આવી છે.

અમદાવાદમાં પણ ગુરુવાર રાતથી વરસાદ પડતા અનેક ટ્રેન અને ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી છે. અમદાવાદમાં આગામી 48 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે NDRFની સાત, સૌરાષ્ટ્રમાં પાંચ, ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં ત્રણ-ત્રણ ટીમો કાર્યરત છે. રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદને કારણે 154 રસ્તા બંધ છે. જેમાં તાપી જિલ્લાના 39, છોટાઉદેપુરમાં 31 રસ્તાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 16 ગામોને વીજળીની અસર થઇ છે.

શુક્રવારે સવાર સુધીમાં 168 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. આ સાથે રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 66.40 ટકા થયો છે. રાજ્યના 13 જળાશયો પણ છલકાયા છે. સરદાર સરોવરમાં 75.99 ટકા જળસંગ્રહ થયો છે. રાજ્યમાં ભારે વરસાદ પડે તો સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સતર્ક છે.