૩૧ માર્ચ ર૦૧૯ના રોજ પુરા થતા નાણાકીય વર્ષમાં અમદાવાદ ખાતે સોનાની આયાત ર૭ ટકા ઘટીને પર ટન થઈ છે જે છેલ્લા આઠ વર્ષમાં સૌથી ઓછી આયાતમાં બીજા ક્રમે આવે છે.
અમદાવાદ એરપોર્ટનો કાર્ગો હેન્ડલ કરતી જીએસઈસીએલે જણાવ્યુ કે, એપ્રિલ ર૦૧૮થી માર્ચ ર૦૧૯ની વચ્ચે બાવન ટન સોનાની આયાત કરવામાં આવી છે. જ્યારે અગાઉના વર્ષના સમકક્ષ ગાળામાં ૭૧.૧૪ ટન સોનાની આયાત કરવામાં આવી હતી.
જીએસઈસીએલએ જણાવ્યુ કે, માર્ચમાં સોનાની આયાત ૬.૦૮ ટન થઈ હતી જે અગાઉના વર્ષના સમકક્ષ ગાળાની ૩.૧૪ ટન આયાતની તુલનાએ બમણી વૃદ્ધિ દર્શાવે છે. આ સમય દરમિયાન સોનાની રિટેલ ડિમાન્ડ સારી રહી છે.
ગત મહિના સોના ભાવ પ્રતિ ૧૦ ગ્રામ રૃ.૩૪,૦૦૦થી ઘટયા હતાં અને લગ્નની સીઝન ચાલુ હોવાને કારણે જંગી પ્રમાણમાં ખરીદી કરવામાં આવી હતી એવું જ્વેલર્સ એસોસિએશન અમદાવાદના વાઈસ પ્રેસિડન્ટ જિગર સોનીએ જણાવ્યુ છે. નાણાકીય વર્ષ ર૦૧૮-૧૯ દરમિયાન સોનાની સાથે ચાંદીની આયાતમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. ગત નાણાકીય વર્ષમાં ગુજરાત ખાતે ચાંદીની આયાત ૩પ ટન થઈ હતી જે અગાઉના નાણાકીય વર્ષની ર૧૮.પ૩ ટન ચાંદીની તુલનાએ ૮૪ ટકાનો ઘટાડો દર્શાવે છે. માર્ચમાં ચાંદીની આયાત ૯૮ ટકા ઘટીને ૦.૩૯ ટન થઈ છે જ્યારે અગાઉના વર્ષના સમકક્ષ ગાળામાં ૧પ.૬૪ ટન ચાંદીની આયાત કરવામાં આવી હતી.