ગુજરાતમાં ૨૦૦૨ના કોમી રમખાણોના બનાવોમાં નરેન્દ્ર મોદીને આરોપી બનાવાની અરજી પર ચુકાદો અનામત

0
1834

ગુજરાતમાં ૨૦૦૨માં થયેલા કોમી રમખાણ મામલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ષડ્યંત્રના ગુનામાં આરોપી બનાવવાની માગ સાથે કૉંગ્રેસ પૂર્વ નેતા અહેસાન જાફરીના પત્ની ઝાકિયા જાફરીએ કરેલી અરજી પર ગુજરાત હાઇ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. કેસની હકીકત અનુસાર રાજ્યમાં ૨૦૦૨માં ગોધરા હત્યાકાંડ બાદ કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. જેમાં અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં તોફાની ટોળાએ ગુલબર્ગ સોસાયટી ઉપર હુમલો કરીને પૂર્વ સાંસદ અહેસાન જાફરી સહિતના લોકોની હત્યા કરી હતી. તોફાનો દરમિયાન રાજ્યના નેતાઓ અને પોલીસ કર્મચારીઓ વચ્ચે ટેલિફોનીક વાતચીત થઈ હતી. જેના ડેટા એકત્ર કરીને તત્કાલિક ઉચ્ચ પોલીસ અધિકારીએ સીડી બનાવી હતી. કોમી રમખાણોની તપાસ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ખાસ તપાસ ટીમ મારફતે કરાઈ હતી. ૨૦૦૨ રમખાણ કેસમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અન્યને સીટે ક્લીનચીટ આપી હતી અને તેના વિરોધમાં અહેસાન જાફરીના પત્ની ઝાકિયા જાફરીએ અદાલતમાં અરજી કરી હતી. કોર્ટે સુનાવણીના અંતે અરજી નામંજૂર રાખી હતી. ત્યાર બાદ ઝાકિયા જાફરીએ હાઇ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં અરજદાર અને સરકારી વકીલ દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. હાઈ કોર્ટે સુનાવણીના અંતે ચુકાદો અનામત રાખ્યો હતો. દરમિયાન આજે યોજાયેલી સુનાવણીમાં હાઇ કોર્ટે એસઆઇટી અને ફરિયાદીને પૂછ્યું હતું કે, શું આ કેસ સંબંધિત સુપ્રીમ કોર્ટના ચુકાદાના તમામ કાગળો ગુલબર્ગ હત્યા કેસમાં મુકવામાં આવ્યા હતા? શું સુપ્રીમ કોર્ટના અંતિમ નિર્ણય બાદ ગુલબર્ગ કેસમાં કે ૨૦૦૨ રમખાણોના કેસમાં કોઇ વધુ તપાસ થઇ હતી ખરી? ગુલબર્ગ કેસના ચુકાદામાં આ પ્રકારની ઘણી બધી બાબતનો ઉલ્લેખ નથી એવું કેમ છે? આ કેસ અંગે હવે હાઇ કોર્ટ ૨૪ અથવા ૨૮ ઑગસ્ટના રોજ ચુકાદો આપે તેવી શકયતા છે. ઝાકિયા જાફરીએ તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સહિત ૫૯ જેટલા મહાનુભાવો સામે પગલાં લેવાની માગ સાથે અરજી કરી હતી. જેની તપાસ બાદ એસઆઈટીએ નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોને ક્લીનચીટ આપીને ક્લોઝર રિપોર્ટ ફાઈલ કર્યો હતો. તેમ જ અદાલતે પણ આ રિપોર્ટને ગ્રાહ્ય રાખ્યો હતો. બીજી તરફ ઝાકિયા જાફરીએ એસઆઈટીના નિર્ણયની સામે કોર્ટમાં અરજી કરી હતી.

LEAVE A REPLY

6 + twenty =