ગુજરાતમાં નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી(NTCA) વાઘની ગણતરી કરશે. ગુજરાતમાં એશિયાટિક લાયન પછી હવે ટાઈગર પણ હોવાનું જાણવા મળ્યું છે. વાઘ સંરક્ષણ સંસ્થાસુત્રોના કહેવા પ્રમાણે ગુજરાતમાં વાઘની સંખ્યા અંગે ટૂંક સમયમાં વસતી ગણતરી પણ કરવામાં આવશે. આ માટે વિજ્ઞાન અને આધુનિક ટેકનોલોજીની મદદ લેવામાં આવશે.નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી(NTCA)ની માહિતી પ્રમાણે ગુજરાતમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશને જોડતા સરહદ વિસ્તારમાં વાઘની હાજરી નોંધાયી છે. ગુજરાતમાં વાઘની સંખ્યા જાણવા માટે ટૂંક સમયમાં વસતી ગણતરી હાથ ધરવામાં આવી રહી છે. મોટેભાગે આ મહિનાથી વાઘની વસતી ગણતરીની શરુ કરાશે. ગુજરાતમાં વાઘની વસતી ગણતરી જે જિલ્લાઓમાં થવાની છે તેમાં ડાંગ જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. NTCAના સૂત્રો પ્રમાણે વસતીગણતરીના બીજા ફેઝમાં ગુજરાતને શામેલ કરવામાં આવ્યું છે. આ કાર્ય માટે NTCA અને વૈજ્ઞાનિકોની ટીમ કેમેરા ટ્રેપ્સની મદદ લેશે.વાઈલ્ડલાઈફ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાના વૈજ્ઞાનિક કૌશિક બેનર્જી જણાવે છે કે, નાસિકમાં માલેગાંવ પાસે વાઘ જોવા મળ્યા હતા. આ વિસ્તાર ગુજરાતના ડાંગ વિસ્તારથી ઘણો નજીક છે. તેથી વાઘની વસતી ગણતરીમાં ડાંગનો સમાવેશ કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર સરકારના વાઈલ્ડલાઈફ ડેટા પ્રમાણે ડાંગમાં વાઘની ચોક્કસપણે હાજરી હોવાનું કહેવામાં આવ્યું છે. તેમના કહેવા પ્રમાણે ગુજરાતમાં ડાંગ અને નંદુરબારમાં વાઘ છે. નંદુરબાર મહારાષ્ટ્ર-ગુજારતની બોર્ડર પર આવેલું છે. નવેમ્બર, 2016માં આપવામાં આવેલા રિપોર્ટ અનુસાર ડાંગના જંગલથી 3-4 કિલોમીટર દૂર એક વાઘ હોવાનું જણાવવામાં આવ્યું હતું. સ્પેશિયલ ટીમ કેમેરા ટ્રેપ્સની મદદથી સર્વે કરશે. જો વાઘ ડિટેક્ટ થશે તો પછી NTCA અન્ય ગાઈડલાઈન્સ જાહેર કરશે.1979માં ગુજરાતની વાઘની વસ્તી ગણતરી પછી ગુજરાતના વન્ય જીવન સંરક્ષક એમ.એ રશીદે ચેતવણી આપી હતી કે ગુજરાતમાં વાઘને ટકવામાં મુશ્કેલી પડશે. દસ વર્ષ પછી કરવામાં આવેલા સર્વેમાં લગભગ 13 વાઘ ગુજરાતમાં જોવા મળ્યા હતા. 1992ની ગણતરીમાં એક પણ વાઘ નહોતો મળ્યો. જ્યારે 1997માં એક વાઘ જોવા મળ્યો હતો. જો ગુજરાત સરકાર વાઘ સંરક્ષણ કરવા માંગતી હોય તો તેમને ગુજરાતમાં વાઘનું લોકેશન જણાવી શકાય તેમ છે. વાઘના રક્ષણ અને સંવર્ધનના કારણે જાહેરમાં તેનું લોકેશન બતાવવામાં નહિં આવે તેમ પણ આ અહેવાલમાં કહેવામાં આવ્યુ છે. જો NTCA દ્વારા ડાંગમાં વાઘના અસ્તિત્વની પૃષ્ટિ કરવામાં આવશે તો ગુજરાત એકમાત્ર એવું રાજ્ય બનશે જેની પાસે વાઘ, સિંહ અને ચિત્તો એમ ત્રણ મોટા પ્રાણીઓ હોય. આઝાદી પછીના ઘણાં વર્ષો સુધી ગુજરાતના જંગલોમાં આ ત્રણેય ખૂંખાર પ્રાણીઓ જોવા મળતા હતા. ઉલ્લેખનિય છે કે ગુજરાતને અડીને આવેલા આબુમાં થોડા સમય પહેલાં ચિત્તો જોવા મળ્યો હતો. સીસીટીવી કેમેરામાં તેને શિકાર માટે અને શિકાર કરીને જતો જોવા મળ્યો હતો.