આર્કિટેકચરની દુનિયામાં વિશ્વભરમાં નામના મેળવનારા ગુજરાતના આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીને ૨૦૧૮નું પ્રિટ્ઝકર પ્રાઇઝ મળ્યું છે, જે આર્કિટેકચરની દુનિયાનું નોબલ પ્રાઇઝ ગણાય છે. આજ સુધી ભારતીયને તો ઠીક, સમગ્ર દક્ષિણ એશિયામાં એક પણ આર્કિટેકને આ પ્રતિષ્ઠિત સન્માન મળ્યું નથી. બાલકૃષ્ણ દોશીએ ૭૦ વર્ષની કારકિર્દીમાં દુનિયાભરમાં કામ કર્યું છે અને દુનિયાભરના વિદ્યાર્થીઓને પણ ભણાવ્યા છે. આજેય ૯૦ વર્ષીય બાલકૃષ્ણ દોશી આર્કિટેકચરની દુનિયામાં ભારતના લિવિંગ લિજેન્ડ ગણાય છે. દોશીએ ભારતમાં સસ્તા, ટકાઉ અને પર્યાવરણની રીતે અનુકુળ ઘરો, જાહેર સંસ્થાઓનું ડિઝાઇનિંગ કરીને ખ્યાતિ મેળવી હતી. દોશીએ ઇન્દોરમાં અરણ્ય લૉ કોસ્ટ હાઉસિંગ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ કરેલા ૬,૫૦૦થી વધુ ઘરોની નોંધ વિદેશોમાં પણ લેવાઈ હતી. અહીં કુલ ૮૦ હજાર લોકો ઉત્તમ જીવન જીવી શકે એવું ડિઝાઇનિંગ કરાયું છે. અમદાવાદમાં આવેલો ટાગોર મેમોરિયલ હૉલ પણ તેમની કુનેહનો એક ઉત્તમ નમૂનો છે. બાલકૃષ્ણ દોશી ફક્ત આર્કિટેક્ટ નહીં પણ વિશ્વ પ્રસિદ્ધ અર્બન ટાઉન પ્લાનર તરીકે જાણીતા પણ છે. દેશવિદેશમાં કાર્યરત રહીને પણ તેમણે અમદાવાદને જ કર્મભૂમિ બનાવી હતી. બાલકૃષ્ણ દોશી સ્પષ્ટપણે માને છે કે, આપણે સૌથી પહેલાં ‘ગુડ આર્કિટેકચર’ વિશે વિચારવું જોઈએ. એ પછી અર્બનાઇઝેશન અને અર્બન ડિઝાઇનિંગની દિશામાં વિચારવું જોઈએ. તેઓ વિદેશી યુનિવર્સિટીઓમાં પણ ભણાવે છે.