ગુજરાતી ભાષા અને સાહિત્યની હાલતી ચાલતી વિદ્યાપીઠ જેવા કવિ નિરંજન ભગતે ગુરૂવાર, 1 ફેબ્રુઆરીએ અમદાવાદમાં અંતિમ શ્વાસ લીધા હતા. પોતાના નિવાસ સ્થાને સાંજે આઠ વાગ્યાના સુમારે સ્વજનો અને સાહિત્યકારોની ઉપસ્થિતીમાં ભગત સાહેબ ૯૨ વર્ષનું શરીર છોડીને ચાલ્યા ગયા હતા. ગત ૨૮ જાન્યુઆરીએ સાહિત્ય પરિષદની પાંચ કલાકની વિવાદીત મીટીંગમાં જ ગંભીર બ્રેઇન સ્ટોકના હુમલાથી ખુરશી પર ઢળી પડનાર ભગત સાહેબ છેલ્લા ચાર દિવસથી વેન્ટીલેટર ઉપર હતા.અને ડાબા મગજમાં ફેલાઇ ગયેલા બ્લડ ક્લોટીંગને કારણે તેમની સ્થિતી વધુ કથળતી ગયેલી. આખરે પરદેશથી ભત્રીજાના આવ્યા બાદ ગુરૂવારે સાંજે હોસ્પિટલથી તેઓને આશ્રમ રોડ ઉપરના ‘જલદર્શન’ ફ્લેટમાં લઇ જવામાં આવ્યા હતા. આજીવન કાવ્ય અને સાહિત્યને જ વરેલાં રહેલાં ભગત સાહેબના કુટંુબમાં તેઓના ભાભી તરલાબેન ઉપરાંત બે ભત્રીજાઓ સંદિપ અને નિખિલ શોકમગ્ન થયાં છે. તેમના અંતિમસંસ્કાર બીજા દિવસે શુક્રવારે કરાયા હતા. ‘હું તો બસ ફરવા આવ્યો છું’ એમ લખીને ગયેલા આ કવિએ ગુજરાતી સાહિત્યમાં નગર જીવનનાં કાવ્યોની મોટી મૂડી આપી છે. તેમનો જન્મ મોસાળ ખાડીયામાં ૧૯૨૬ની ૧૮મી મે એ થયો હતો. માતા મેના બહેન અને પિતા નરસિંહભાઇ. અમદાવાદ અને મુંબઇમાં અંગ્રેજી સાહિત્યમાં એમ.એ. થયા પછી અમદાવાદની જુદી જુદી પાંચ કોલેજોમાં તેઓ અંગ્રેજીના લોકપ્રિય પ્રોફેસર તરીકે રહ્યા હતા. છેલ્લે ૧૯૮૬માં સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી નિવૃત થયા હતા. ‘છંદોલય’ જેવા કાવ્ય સંગ્રહો ઉપરાંત વિવેચન, અનુવાદ અને સંપાદનના ૪૫ જેટલા પુસ્તકો આપનાર ભગત સાહેબને ‘કુમાર ‘, ‘રણજીતરામ’ અને ‘નર્મદ ચંદ્રક ‘જેવા અનેક સન્માનો મળ્યા હતા.તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે અને વિવિધ સામયિકોના તંત્રી-સંપાદક તરીકે પણ ખૂબ જાણીતા થયેલા. નિરંજન ભગતની અરધી યુવાની મુંબઇ વીતી હતી. આ મુંબઇવાસ દરમ્યાન તેમણે રચેલા ‘ચલ મન મુંબઇ નગરી’ જેવા અનેક નગર કાવ્યોએ ગુજરાતી કવિતાઓનો આખો નવો પ્રવાહ શરૂ કરેલો. ગુજરાતી ઉપરાંત યુરોપિયન અને અમેરિકન સાહિત્ય અને ફ્રેન્ચ સાહિત્યના પણ તેઓ ઊંડા અભ્યાસી હતા. તેમણે બંગાળી ભાષામાં પણ ઘણા કાવ્યો લખ્યા છે. તેમના ‘પ્રવાલદ્વીપ’નાં નગર કાવ્યોનાં અંગ્રેજી અનુવાદો ભારતીય ભાષામાં ખૂબ જાણીતાં થયેલાં છે. ભગત સાહેબનાં ‘કાળની કેડીએ આપણો ઘડીક સંગ’ અને ‘હરિવર મુજને હરી ગયો’ જેવા કાવ્યો અને ‘યંત્ર વિજ્ઞાન અને મંત્રકવિતા’ જેવા કાવ્ય અભ્યાસના પુસ્તકોે ગુજરાતી સાહિત્યના ટોચના સર્જનો ગણાય છે. ગાંધીજીની અસર હેઠળ રચાતી ગુજરાતી કવિતાઓને ભગત સાહેબના કાવ્યોથી મળેલા રોમેન્ટીક વળાંકને કારણે ગુજરાતી કવિતા ક્ષેત્રે નિરંજન ભગત માત્ર એક કવિ ન રહેતા આખા ‘નિરંજન યુગ’ તરીકે સદાય જીવતા રહેશે.
ગુજરાત સાહિત્ય પરિષદમાં ગુણવત્તાયુક્ત ગ્રંથોનો સંગ્રહ થાય તે હેતુથી નિરંજન ભગતે પોતાની લાઈબ્રેરીના પુસ્તકો પરિષદના પુસ્તકાલયને ભેટ આપ્યા હતા. સાહિત્ય પરિષદના પુસ્તકાલયમાં દસ કબાટમાં આ પુસ્તકો રાખવામાં આવ્યા છે. આ પુસ્તકો થોડા સમય પહેલાં જ આવ્યા છે. પુસ્તકોના વર્ગીકરણ અને ગોઠવણી કરવા માટે ખુદ નિરંજન ભગત અહીં આવતા હતા. નવલકથાઓ, કવિતા સંગ્રહો તેમજ સંદર્ભપુસ્તકોનું વર્ગીકરણ તેઓ અહીં બેસીને કરતા હતા. તેઓ સમય મળ્યે અહીં આવીને તેમણે આપેલા પુસ્તકો વાચકોને સરળતાથી ઉપલબ્ધ થાય તે રીતે ગોઠવણી કરી આપતા હતા. હાલ આ પુસ્તકોમાંથી કેટલાંક પુસ્તકોની ગોઠવણી થઈ ચૂકી છે. ગોઠવણી અને વર્ગીકરણ પૂર્ણ થયા બાદ આ પુસ્તકો વાચકોને ઇશ્યુ કરવામાં આવશે.
હું નેવું વર્ષે એકલો જ રહી ગયો છું
ત્રણ પેઢીના સાક્ષી ભગત સાહેબનું ૯૦ વર્ષે સન્માન થયું ત્યારે એક વાર્તાલાપમાં તેમણે કહ્યું હતું કે ”હું (ગુજરાતી સાહિત્યની) બે-ત્રણ પેઢીનો સાક્ષી છું. ઉમાશંકરની પેઢી, લાભશંકરની પેઢી અને અત્યારની પેઢી. આજે બન્યું છે એવું કે હું ૯૦ વર્ષે એકલો જ રહી ગયો છું. મારી હરોળના તમામ લોકો ચાલ્યા ગયા છે. મારાથી મોટા કોઇ સાહિત્યકાર હયાત નથી આને દુર્ભાગ્ય ગણો કે સદભાગ્ય ગણો, કોઇ ન હોય ત્યારે તમે એકલા રહી જાઓ. આ વાત થોડી દુઃખદ છે, થોડી સુખદ પણ છે, પણ જે સ્થિતિ છે તેને હું સ્વીકારી રહ્યો છું”
ગરવી ગુજરાતે એક અભિન્ન અને સહૃદયી મિત્ર ગુમાવ્યા
રમણિકલાલ સોલંકી CBE
ગરવી ગુજરાત પરિવારની બીજી અને ત્રીજી પેઢીમાં ‘નિરંજનકાકા’ તરીકે લાડીલા પ્રો. નિરંજન ભગતના નિધનથી ગરવી ગુજરાત પરિવારે ઊંડો આઘાત અનુભવ્યો છે. ગરવી ગુજરાતના એડિટર ઇન ચીફ રમણિકલાલા સોલંકી સાથે તેમને દાયકાઓ જૂની મૈત્રી હતી. રમણિકલાલ સોલંકીએ લંડનમાં 1968માં બ્રિટનનું સર્વપ્રથમ ગુજરાતી સમાચાર સાપ્તાહિક ચાલુ કર્યું એના પછીના ત્રણેક વર્ષમાં જ તેમનો ભગતસાહેબ સાથે પરિચય થયો અને તરત જ બંને વચ્ચે મૈત્રી થઇ ગઇ. રમણિકલાલ સોલંકી બ્રિટનના ટોચના ડાયાસ્પોરા પત્રકાર અને ભગતસાહેબ ગુજરાતી ભાષાના ટોચના કવિ. બંનેનો ઉદ્દેશ માતૃભાષા ગુજરાતીની સેવા અને પ્રસાર કરવાનો. ભગતસાહેબે વર્ષો સુધી દીપાવલિનો ઉત્સવ લંડનમાં રમણિકલાલ સોલંકીના ઘેર રહીને જ ઉજવ્યો હતો. તેઓ હકીકતે સોલંકી પરિવાર અને ગરવી ગુજરાતના એક અભિન્ન અંગ હતા. ગરવી ગુજરાતના દીપોત્સવી અંકો વર્ષોથી બ્રિટન અને આફ્રિકામાં લોકપ્રિય બન્યા છે. તેની માવજત લેવામાં કે સંપાદકીય નિર્ણયો લેવામાં ભગતસાહેબ તંત્રી રમણિકલાલ સોલંકીની સાથે ખભેખભો મિલાવીને ઊભા રહેતા હતા. ગરવી ગુજરાત હાલ તેના અસ્તિત્વનું સુવર્ણજ્યંતી વર્ષ ઉજવી રહ્યું છે. ગરવી ગુજરાતની 50 વર્ષની આ ગૌરવયાત્રામાં ભગત સાહેબનો ફાળો અનન્ય રહ્યો છે.
માત્ર રમણિકલાલ સોલંકી અને તેમના પત્ની પાર્વતીબેન જ નહિ પણ સોલંકી પરિવારના સંતાનો-કલ્પેશ સોલકી, શૈલેશ સોલંકી, સાધનાબેન, સ્મિતાબેન તથા તેમનાં પણ સંતાનો ભગત સાહેબના હેવાયા હતા.
ભગત સાહેબ લંડનમાં હોય એટલે એકાદ રવિવાર સોલંકી પરિવારના સભ્યો સાથે લંડનમાં ફરવા નીકળી પડે. તેમની સાથે લંડનમાં ફરવા નીકળવું એ જાણે કે લંડનના ઇતિહાસ અને સાહિત્યની સફર કરવા બરાબર બની જતું.
સોલંકી પરિવાર તેમજ ત્યાં ભગતસાહેબના પરિચયમાં આવેલા ગુજરાતીઓ તથા અન્ય લોકો ભગત સાહેબની સાદાઇ અને નિખાલસતાથી પ્રભાવિત થઇ જતા હતા.
રમણિકલાલ સોલંકી અને પાર્વતીબેન છેલ્લાં કેટલાક વર્ષોથી શિયાળાના બે એક મહિના અમદાવાદ રહેવા આવે ત્યારે ભગતસાહેબ રાજી રાજી થઇ જાય. દર સોમવારે રમણિકલાલ સોલંકી અને ભગતસાહેબ-બંને મિત્રો સાંજે ભેગાં થાય, સાહિત્ય, સંસ્કૃતિ, રાજકારણની ચર્ચા કરે અને જમીને છુટા પડે.
સોલંકી પરિવારને તેનો જે આઘાત લાગ્યો છે તેનું વર્ણન થઇ શકે તેમ નથી.
ભગવાન આ પવિત્ર અને ઉદારચરિત આત્માને શાન્તિ આપે. ઓમ શાન્તિ!
ગુજરાતી સાહિત્યના વિરાટ વટવૃક્ષ સમા નિરંજન ભગત
શૈલેષ સોલંકી
નિરંજન ભગત ગુજરાતી સાહિત્યના એક વિરાટ વટવૃક્ષ સમાન હસ્તિ હતા અને છેલ્લી એક સદીમાં તો ભારતના મહાનતમ કવિઓમાંના તેઓ બેશક એક હતા. તેમના કાવ્યો થકી ગુજરાતી કલાના લેખિત સ્વરૂપમાં, મૌખિક પ્રસ્તુતિની રીધમમાં એક નવા યુગનો ઉદય થયો હતો.
તેઓ ગુજરાતી પદ્યના એક મહારથી હતા અને તેમના સર્જનના કેન્વાસનો વ્યાપ ખૂબજ વિશાળ અને ગહન હતો. તેઓએ સ્વતંત્રતા પછીના ઉભરી રહેલા ભારત સાથે સંવાદ સાધ્યો હતો અને હિંસા, આશા, ભ્રષ્ટાચાર, પ્રેમ તથા પ્રકાશના વિષયો ઉપર પ્રસ્તુતીઓ રજૂ કરી હતી. ફ્રેન્ચ સાહિત્યથી સુપેરે વાકેફ હોય તેવા ગણતરીના ભારતીય કવિઓમાંના એક, ભગત સાહેબે અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં અંગ્રેજી સાહિત્યના પ્રોફેસર તરીકે સેવાઓ આપી હતી. 1986માં તેઓ નિવૃત્ત થયા પછી તેઓ ફ્રેન્ચ શિખ્યા હતા અને ફ્રેન્ચ કવિ બોદલેરની કૃતિઓનું ભાષાંતર કરવા તેઓએ અવારનવાર પેરિસની યાત્રા ખેડી હતી.
જો કે નિરંજન ભગતને અમે ઓળખતા હતા, એ એક વિરાટ કવિ ઉપરાંત એક સદૈવ આનંદમય કાકા હતા, એવા ઉમદા વિદ્વાન હતા કે જેમણે પોતાના શબ્દ પ્રેમ અને ગહન બુદ્ધિમતાથી અમારૂં જીવન સમૃદ્ધ કર્યું હતું.
તેમની નાદુરસ્ત તબિયતે તેમને લાંબો પ્રવાસ કરતા અટકાવ્યા ત્યાં સુધી તેઓ લંડનના પણ નિયમિત પ્રવાસી હતા. તેઓ ખરા અર્થમાં એંગ્લોફાઈલ (બ્રિટનપ્રેમી) હતા. અંગ્રેજી સાહિત્ય પ્રત્યેની તેમની દિવાનગીના કારણે તેમનો ઈંગ્લેન્ડ પ્રત્યેનો પ્રેમ પણ ખૂબજ ઉત્કટ અને સમૃદ્ધ હતો.
તેઓ તો કેટલીય સદીઓના બ્રિટન વિષેની જાણકારીના જાણે એક એન્સાયક્લોપેડિયા સમાન હતા અને ઈતિહાસના દરેક કાળના અગ્રણી કવિને તેઓ વિષ્શિટ રીતે જાણતા હતા.
આ રીતે, 1980ના દાયકાથી દર વર્ષે ઉનાળામાં તેઓ વાર્ષિક યાત્રાએ લંડન આવતા અને ત્રણ મહિનાનો તેમના અદભૂત સહવાસનો આનંદ અમે ઘેર તેમની સાથે પરિવારસહ માણતા. તેમની સાથે ગાળેલા આ મહિનાઓ, વર્ષો તો મારી, ભાઈ કલ્પેશ તેમજ બહેન સાધનાની સ્મૃતિમાં સદાય મીઠા સંસ્મરણો તરીકે જીવંત રહેશે.
તેમને શેક્સપીયર, કીટ્સ, ટીએસ એલિયટ, ડબ્લ્યુ એચ ઓડેન તેમજ એવા બીજા અનેક કવિઓની સંખ્યાબંધ કાવ્યકૃતિઓ તો કંઠસ્થ હતી અને અમે તેમની એ કવિતાઓનું સુંદર પઠન અનેક દિવસોએ સાંજે માણતા. અમે સાંજે ડિનર ટેબલની આસપાસ, તેમના સાનિધ્યમાં ગોઠવાઈ જતા અને તેમના પડછંદ અવાજમાં એ કાવ્યો, કાવ્યોના હાર્દનું રસપાન તેમની જાદુઈ અભિવ્યક્તિ સાથે કરતા. તેઓ બીજા બે મોખરાના ગુજરાતી સાહિત્યકારો, કવિઓ – ઉમાશંકર જોશી અને હરિન્દ્ર દવેના સમકાલિન હતા અને અવારનવાર આ ત્રણે સાથે લંડન આવતા, ત્યારે અમારા ઘેર લિવિંગ રૂમમાં જ એક લિટરરી ફેસ્ટીવલ જેવો માહોલ જામી જતો. એ દિવસોમાં મમ્મી-પપ્પા અને તેમના મિત્રો પણ ગુજરાતી સાહિત્યના આ ધૂરંધરોને સાંભળવા અમારા ઘેર ભેગા થતા અને એક ઉત્સાહભર્યો માહોલ છવાઈ જતો.  નિરંજનકાકા તો મારા પપ્પા માટે એક મિત્રથી ઘણું વિશેષ હતા. પપ્પાને કોઈ મોટા ભાઈ નહોતા, પણ નિરંજનકાકા તેમના મોટાભાઈથી પણ વિશેષ હતા. પપ્પા તેમની સાથે એક વિકલી અખબારના તંત્રીપદની જવાબદારીઓ, વિમાસણ વિષે નિખાલસતાથી પરામર્શ કરતા અને કાકા ખૂબજ સૌમ્યતાપૂર્વક તેમને સંપાદકીય અભિગમ કેવો લેવો જોઈએ તેના વિષે માર્ગદર્શન, સલાહ આપતા. તેઓ પપ્પાના ખાસ વિશ્વાસુ પણ હતા, પણ તે બધા ઉપરાંત તેઓ એક એવા પરમ મિત્ર હતા કે જેની સાથે પપ્પા ભરપૂર હાસ્ય સાથે હળવાશ માણતા, પોતાના સાહિત્ય-પ્રેમની પણ ચર્ચા કરતા.
અમે સૌ પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે તેમના આત્માને સાશ્વત શાંતિ આપે.