નાયબ મુખ્યપ્રધાન અને નાણા પ્રધાન નીતિન પટેલે લેખાનુંદાન રજૂ કરતા અનેક મહત્વની જાહેરાતો કરી. આ બજેટને જોતા લાગે છે કે આ સંપૂર્ણ ચૂંટણીલક્ષી બજેટ છે. નીતિન પટેલે બજેટમાં કરેલી મહત્વની જાહેરાતો પર નજર કરવામાં આવે, તો સરકાર દરિયાના પાણીને મીઠું કરવા માટે દરિયા કિનારે ડિસેલિનેશન પ્લાંટ પીપીપી ધોરણે સ્થાપશે.
તેમણે ધોલેરામાં વિશ્વનું સૌથી મોટું ઇંડસ્ટ્રિયલ સ્માર્ટ સિટી બનાવવાની પણ જાહેરાત કરી. મોંઘવારીને કાબૂમાં રાખવા તથા રોજગારી સર્જનમાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે હોવાનો દાવો કરતા નામા પ્રધાને કહ્યું કે ધોલેરામાં 5000 મેગાવૉટનો વિશ્વનો સૌથી મોટો પાવર પ્લાંટ બનાવવામાં આવશે કે જેનાથી રોજગારીની નવી તકો સર્જાશે.
બજેટમાં જાહેરાત કરવામાં આવી કે રાજ્યમાં અછતગ્રસ્ત 86 તાલુકોમાં 12.67 લાખ ખેડૂતોને 1557 કરોડ રૂપિયાની ઇનપુટ સહાય કરવામાં આવી. ખેડૂતોના પાક બચાવવા 10 કલાક વીજળી આપવામાં આવી કે જેનાથી સરકાર પર 436 કરોડનું વધારાનું આર્થિક ભારણ પડ્યું. 96 તાલુકોના 23 લાખ ખેડૂતો અને પશુપાલકોને 2285 કરોડ રૂપિયાના સહાય પૅકેજની ચુકવણી કરવામાં આવી.
તેમણે જણાવ્યું કે સૌની યોજના પર 11,216 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા. નાયબ મુખ્યપ્રધાને જે મહત્વની જાહેરાત કરી, તેમાં મા અને મા વાત્સલ્ય યોજનાઓના ગુજરાતના 68 લાખ લાભાર્થી પરિવારોને હવે 3 લાખ રૂપિયાના બદલે આયુષ્માન ભારત યોજનાની જેમ 5 લાખ રૂપિયા સુધીનું સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવશે.
તેમણે આશા ફેસિલેટર બહેનોના મહેનતાણામાં 2000 રૂપિયાના વધારાની જાહેરાત કરી. વિધવા પેંશન યોજનાની રકમમાં 250 રૂપિયાનો વધારો કરી 1250 કરવા જાહેરાત કરાઈ. આનાતી 2 લાખ વિધવા લાભાર્થી બહેનોને લાભ મળશે. 53 હજાર આંગણવાડીઓમાં કામ કરતી આંગણવાડી કાર્યકર બહેનોને માસિક વેતન હવે 7200 રૂપિયા આવશે, જ્યારે તેડાગર બહેનોનો માસિક વેતન 3200થી વધારી 3650 કરવાની જાહેરાત કરી હતી.
નીતિન પટેલે ખેતી અંગેની વાત કરતા જણાવ્યું કે, ‘અછતગ્રસ્ત વિસ્તારના ખેડૂતોને 1500 કરોડથી વધુ અછત સહાય ચૂકવી દેવામાં આવી છે. 6 કરોડ 84 હજાર કિલોગ્રામ ઘાસ અછતગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડવામાં આવ્યું છે. કૃષિક્ષેત્રે કુલ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 7.30 ટકા છે. આ ઉપરાંત રાજ્યનો કૃષિ વિકાસ દર 12.11 ટકા છે. ખેડૂતોને વધુ 2 કલાક વીજળી આપવા સરકારે 436 કરોડ ખર્ચ્યા છે. ખેડૂતોની આવક બમણી કરવા સરકાર પ્રયત્નશીલ છે.’