મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને ભોપાલથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુર દ્વારા દેશભક્ત ગણાવ્યા બાદ કોંગ્રેસે શુક્રવારે પોતાના ટ્વિટર હેન્ડલનો પ્રોફાઇલ ફોટો બદલીને મહાત્મા ગાંધીનો ફોટો લગાવ્યો છે. પાર્ટીના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર અગાઉ પ્રોફાઇલ ફોટા તરીકે પાર્ટીનું ચૂંટણી ચિહ્ન હતું.
કોંગ્રેસે આ પગલું ત્યારે ઉઠાવ્યું જ્યારે ગુરુવારે માલેગાંવ વિસ્ફોટના આરોપી પ્રજ્ઞા ઠાકુરે મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે નાથુરામ ગોડસે એક દેશભક્ત હતા, છે અને રહેશે. તેમને આતંકવાદી કહેનારા લોકો પહેલા આત્મમંથન કરે. ગોડસેને આતંકવાદી કહેનારા લોકોને આ ચૂંટણીમાં જવાબ આપવામાં આવશે.
ભારતીય જનતા પાર્ટીના અનંતકુમાર હેગડે અને નલિન કટીલે પણ ગોડસેની પ્રશંસા કરી હતી અને તેમણે ઠાકુરને ટેકો આપ્યો હતો. આ અગાઉ ભાજપના અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતું કે ઠાકુર, હેગડે અને કટીલના નિવેદનો તેમના અંગત હતા અને પાર્ટીથી તેને કોઇ લેવા-દેવા નથી. જો કે તેઓએ પોતાનું નિવેદન પરત ખેંચ્યું છે અને માફી પણ માંગી છે. ભાજપે નેતાઓના આ નિવેદનોને પાર્ટીની શિષ્ત સમિતિને મોકલવાનો નિર્ણય લીધો છે. સમિતિ આ નેતાઓના જવાબ મેળવ્યા બાદ 10 દિવસની અંદર અહેવાલ સોંપશે.