ભારતના ૧૨૨ વર્ષ જૂના અને પાંચ બિલિયન ડોલરના બિઝનેસગૃહ ગોદરેજમાં પણ હવે તિરાડો સપાટી પર આવી ગઈ છે. કન્ઝયુમર ગુડ્સથી માંડીને રિયલ એસ્ટેટ સુધીના બિઝનેસમાં અગ્રિમ સ્થાન ધરાવતા ગોદરેજ પરિવારમાં બિઝનેસ વ્યૂહરચનાઓના મુદ્દે મતભેદો સર્જાયા છે. એકતરફ ગોદરેજ ગ્રૂપના ચેરમેન અદિ ગોદરેજ અને તેમના ભાઈ નાદિર ગોદરેજ છે તો બીજી તરફ તેમના પિતરાઈઓ જમશેદ ગોદરેજ અને સ્મિતા ગોદરેજ છે. અહેવાલો પ્રમાણે ગોદરેજ પરિવારમાં મુંબઈની ૧,૦૦૦ એકર જમીનના વિકાસ મુદ્દે પણ મતભેદો સર્જાયા છે.
ગોદરેજ ગ્રૂપના પ્રવક્તાએ આ મામલે કોઈ જવાબ આપવાનો ઇનકાર કરી દીધો છે પરંતુ મામલાના જાણકાર લોકો કહે છે કે, પરિવારમાં સર્જાયેલા વિખવાદનો ઉકેલ લાવવા માટે ટોચના બેન્કરો અને વકીલોની મધ્યસ્થી તરીકે નિયુક્તિ કરાઈ છે. ઇન્વેસ્ટમેન્ટ બેન્કર નિમેશ કમ્પાની અને વકીલ ઝિયા મોદી જમશેદ ગોદરેજને સલાહ આપી રહ્યાં છે જ્યારે કોટક મહિન્દ્રા બેન્કના ઉદય કોટક અને સિરિલ અમરચંદ મંગળદાસના સિરિલ શ્રોફ અદિ ગોદરેજને માર્ગદર્શન આપી રહ્યાં છે.
ગોદરેજ પરિવારમાં બિઝનેસ સ્ટ્રેટેજી અંગે વિવાદ સર્જાયો છે. પરિવારના આ વિખવાદને વ્યક્તિતત્ત્વની લડાઈ તરીકે જોવામાં આવી રહ્યો છે. મુખ્યત્વે પરિવારના યુવા સભ્યો વચ્ચે આ સંઘર્ષ ચાલી રહ્યો છે. જોકે ગોદરેજની નજીકના સૂત્રો જણાવે છે કે, મતભેદોની જાહેરમાં કોઈ જાણ થતી નથી. પરિવારના સભ્યો નિયમિત રીતે બોર્ડની મિટિંગોમાં હાજરી આપે છે અને એકબીજા સાથે અત્યંત વિવેકથી વાતચીત કરે છે. એક અન્ય પારિવારિક સૂત્રે જણાવ્યું હતું કે, આ ફક્ત સમયની વાત છે. આજની યુવા પેઢી અલગ અલગ દિશામાં જવા માગે છે. તેઓ ઝડપથી કામ કરવા માગે છે. જો અન્ય સભ્યો તેમની સાથે તાલ મિલાવી શક્તા નથી તો સંઘર્ષ તો થવાનો જ છે.
ગોદરેજ એન્ડ બોએસ પાસે પરિવારની વધારે જમીનો પર કબજો હોવા અને ગ્રૂપની લિસ્ટેડ કંપની ગોદરેજ પ્રોપર્ટીઝ દ્વારા તેનો કોમર્શિયલ ઉપયોગ કરવાના મામલે વિવાદ ચાલી રહ્યો છે. જમશેદ ગોદરેજ પરિવાર જમીનોના વધુ ડેવલપમેન્ટની તરફેણમાં નથી જ્યારે અદિ ગોદરેજ અને તેમના ભાઈ નાદિર ગોદરેજ જમીનોનો વિકાસ કરવા માગે છે. ગોદરેજ પ્રોપર્ટિઝ ઇચ્છે છે કે તે મુંબઈના સૌથી મોટા ડેવલપર બને.
મુંબઈના વિક્રોલીમાં ગોદરેજ પરિવારની ૧,૦૦૦ એકર જમીન આવેલી છે જેને ડેવલપ કરી શકાય તેમ છે. આ જમીનની બજાર કિંમત રૂપિયા ૨૦,૦૦૦ કરોડ છે. વિક્રોલીમાં ગોદરેજ પરિવારની કુલ ૩,૪૦૦ એકર જમીન છે. આ જમીન પર ડેવલપમેન્ટ માટે જમશેદ ગોદરેજ અને અદિ ગોદરેજ વચ્ચે મતભેદ ચાલી રહ્યાં છે. ગોદરેજ એન્ડ બોએસ કંપની ગોદરેજ ગ્રૂપની હોલ્ડિંગ કંપની છે અને તેના ચેરમેન જમશેદ ગોદરેજ છે. આ કંપની પર ગોદરેજ પરિવારના તમામ સભ્યોનો માલિકી હક છે.
ગોદરેજ ગ્રૂપની સ્થાપના અર્દેશર ગોદરેજ અને તેમના નાના ભાઇ પિરોજશા ગોદરેજે ૧૮૯૭માં કરી હતી. તાળાં બનાવવાની કંપનીથી શરૂઆત થઇ હતી. તે પછી વિશ્વનો સૌ પ્રથમ વનસ્પતિ તેલ યુક્ત સાબુ બનાવ્યો. ૧૯૫૧માં કંપનીને ચૂંટણી માટે ૧૭ લાખ મતપત્રો તૈયાર કરવાનો સરકારી કોન્ટ્રાક્ટ મળ્યો હતો. ૧૯૫૨માં સ્વતંત્રતા દિવસે સિન્થોલ સાબુ લોન્ચ કર્યો હતો. ૧૯૫૮માં રેફ્રીજરેટર બનાવનારી પહેલી કંપની બની રહી. રિયલ એસ્ટેટ, કૃષિ વ્યવસાય ઉપરાંત ૨૦૦૮માં કંપનીએ ચંદ્રયાન માટે લોન્ચ વ્હિકલ અને લ્યૂનર ઓર્બિટર પણ તૈયાર કર્યા હતા.