2002માં થયેલા ગોધરાકાંડ બાદ ગુજરાતભરમાં ફાટી નીકળેલા રમખાણો દરમિયાન આણંદ જિલ્લાના ઓડ ગામે 23 લોકોને જીવતા સળગાવી દેવાના મામલે ગુજરાત હાઈકોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. આ કેસમાં નીચલી કોર્ટે કુલ 23 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. જેમાંથી 18 લોકોને આજીવન કેદની સજા ફટકારી હતી. જોકે, હાઈકોર્ટે ત્રણની સજા રદ્દ કરી છે, જ્યારે 14ની આજીવન કેદ યથાવત રખાઈ છે. આ કેસના એક આરોપી હરિશ પટેલનું મોત થયું છે. આ કેસમાં ફરિયાદ પક્ષે આરોપીઓની સજા વધારવા માટે કોર્ટ સમક્ષ દલીલો કરી હતી, જોકે કોર્ટે તેને ફગાવી દીધી હતી. આ કેસના 23 આરોપીમાંથી પાંચ આરોપીઓને સાત વર્ષની જેલની સજા સંભળાવાઈ હતી. આ તમામ આરોપીઓની સજા પૂરી થઈ ગઈ હોવાથી કોર્ટે તેમને છોડી મૂકવા પણ આદેશ કર્યો છે. નીચલી કોર્ટે 12 એપ્રિલ 2012ના રોજ ઓડ હત્યાકાંડનો ચુકાદો આપ્યો હતો.
2002માં ગુજરાતમાં ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા રમખાણોમાં લઘુમતીઓની જ્યાં વસ્તી હોય તેવા વિસ્તારોને ટાર્ગેટ બનાવાયા હતા. જેમાં અમદાવાદના નરોડા પાટિયા, નરોડા ગામ, ગુલબર્ગ સોસાયટી, મહેસાણાના સરદારપુરામાં હત્યાકાંડ આચરાયો હતો. આવી જ રીતે ઓડમાં પણ લઘુમતી સમુદાયના લોકોના ઘર સળગાવી દેવાયા હતા, અને તેમના પર હુમલો કરાયો હતો. જેમાં 23 લોકોના મોત થયા હતા.ઓડ ગામમાં થયેલા રમખાણમાં કુલ 46 લોકોને આરોપી બનાવાયા હતા. જોકે, નીચલી કોર્ટે 23 લોકોને દોષિત જાહેર કર્યા હતા, અને બાકીના લોકોને નિર્દોષ છોડ્યા હતા. ટ્રાયલ દરમિયાન ભૂરાભાઈ પટેલ નામના એક આરોપીનું મોત થયું હતું, પાછળથી તેમને આજીવન કેદની સજા પડી હતી.