ભારતે જૂન મહિનામાં અમેરિકા પાસેથી વિક્રમજનક ઓઇલની ખરીદી કરી છે. ચાલુ વર્ષના જૂનમાં અમેરિકા પાસેથી કરાયેલી ક્રૂડની ખરીદી ગયા વર્ષની સરખામણીમાં બમણી છે.

ભારતે ઇરાન અને વેનેઝુએલા પાસેથી ક્રૂડની ખરીદી ઘટાડીને અમેરિકા પાસેથી ક્રૂડની ખરીદી વધારી દીધી છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સહયોગી દેશોને નવેમ્બર સુધીમાં ઇરાન પાસેથી ક્રૂડની ખરીદી બંધ કરી દેવાની અપીલ કરી છે. જેના પગલે ભારત ઇરાન પાસેેથી ક્રૂડની ખરીદી ઘટાડીને અમેરિકા પાસેથી ક્રૂડની ખરીદી વધારી રહ્યું છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકા ક્રૂડનો અગ્રણી નિકાસકાર બની ગયો છે. એપ્રિલ મહિનામાં અમેરિકાએ દૈનિક ૧૭.૬ બેરલ ક્રૂડની નિકાસ કરી હતી. બીજી તરફ જુલાઇ સુધીમાં અમેરિકાએ ભારતમાં ૧.૫ કરોડ બેરલ ક્રૂડની નિકાસ કરી છે. ૨૦૧૭માં અમેરિકાએ ભારતને ૮૦ લાખ બેરલ ક્રૂડ વેચ્યું હતું.

જો ચીન અમેરિકાથી આયાત થતા ક્રૂડ ઓઇલ પર આયાત ડયૂટી વધારશે તો અમેરિકા ભારતમાં ક્રૂડ ઓઇલની વધુ નિકાસ કરશે. બીજી તરફ ભારતની ઇરાનમાંથી થતી ક્રૂડની દૈનિક ખરીદી જૂનમાં ઘટીને ૫,૯૨,૮૦૦ બેરલ થઇ ગઇ હતી. જે મે મહિનાની સરખામણીમાં ૧૬ ટકા ઓછી છે.

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના ફાઇનાન્સ વિભાગના વડા એ કે શર્માએ જણાવ્યું છે કે ઓછી પડતરને કારણે અમેરિકામાંથી ઓઇલની આયાત વધારવામાં આવી રહી છે. જો ચીન અમેરિકામાંથી ઓઇલની ખરીદી ઘટાડશે તો ભારત અમેરિકા પાસેથી વધુ પ્રમાણમાં ક્રૂડની ખરીદી કરશે.