એશિયન દેશોના પ્રવાસ કાર્યક્રમ હેઠળ ચીન પહોંચેલા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે બેઠકો કરીને  250 બિલિયન અમેરિકન ડૉલરના કરાર કર્યા હતા. આ પ્રવાસે ઉપડતાં અગાઉ પ્રેસિડેન્ટ ટ્રમ્પે ચીનની ટીકા કરી હતી. તેમણે ચીને બીજા દેશોમાં વેપાર કરવા અજમાવેલા અનૈતિક ઉપાયોની પણ ટીકા કરી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે, ચીન સરકારની અયોગ્ય વેપારી નીતિઓના કારણે દ્વિપક્ષીય વેપારમાં અસંતુલન ઊભું થયું છે. દ્વિપક્ષીય વેપારમાં બહુ મોટી ખાધ હોય એ શરમજનક સ્થિતિ છે.
ચીની પ્રમુખ શી જિનપિંગે બેજિંગના ગ્રેટ હૉલમાં ટ્રમ્પ સાથે ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળોની હાજરીમાં વિવિધ બેઠકો યોજી હતી. આ દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે, આપણે નાના-મોટા મતભેદો ભૂલીને સહકારભરી ભાગીદારી કરવી જોઈએ. અમે ચીન સાથે વાયબ્રન્ટ વેપારી ભાગીદારી કરવા ઇચ્છીએ છીએ. આ સાથે અમે ન્યાયી અને બંને દેશોને લાભ થાય એવા સંબંધ પર પણ ભાર મૂકીએ છીએ. અમેરિકા ઈચ્છે છે કે, ચીન પણ અમેરિકાની ચીજવસ્તુઓ માટે પોતાના બજારોના બારણા ખુલ્લા રાખે.
અમેરિકાએ ૨૦૧૬માં ચીન સાથે ૬૪૮.૨ અબજ ડૉલરનો વેપાર કર્યો હતો, પરંતુ આ વેપારમાં ચીને અમેરિકામાં કરેલી નિકાસ ૪૭૮.૯ અબજ ડૉલરની છે. એવી જ રીતે, અમેરિકા ચીનમાં કરેલી નિકાસ માંડ ૧૬૯.૩ અબજ ડૉલરની છે.
આ દરમિયાન બંને દેશોના પ્રમુખોએ ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળની હાજરીમાં દક્ષિણ એશિયામાં આતંકવાદને નાથવા માટે પણ સહમતિ દાખવી હતી. આ બેઠકમાં ટ્રમ્પે જિનપિંગ સાથે અફઘાનિસ્તાનની સુરક્ષા અને ઇસ્લામિક આતંકવાદને મુદ્દે વાતચીત કરી હતી.
ટ્રમ્પે કહ્યું હતું કે, ઉષ્માભર્યું સ્વાગત કરવા બદલ હું ચીનનો આભાર માનું છું. અમે ચીન સાથે લાંબા ગાળાની મિત્રતા, ભાગીદારી અને સફળતા ઈચ્છીએ છીએ. અમેરિકા અને ચીન સંયુક્ત રીતે એકબીજાની જ નહીં, પરંતુ વૈશ્વિક મુશ્કેલીઓના ઉકેલ લાવવા સક્ષમ છે. અમે માનીએ છીએ કે, આપણે મોટા ભાગની વૈશ્વિક મુશ્કેલીઓનો અંત લાવી શકીએ એમ છીએ. નોંધનીય છે કે, દક્ષિણ ચીન સમુદ્ર, વેપારી ખાધ અને ઉત્તર કોરિયા મુદ્દે અમેરિકા અને ચીન વચ્ચે છેલ્લાં બે વર્ષથી સતત ઘર્ષણ થઈ રહ્યું છે.
ચીન બોઇંગ પાસેથી ૩૭ અબજ ડૉલરના ખર્ચે ૩૦૦ વિમાનો ખરીદશે ચીનની એવિયેશન કંપનીઓ અને અમેરિકન કંપની બોઇંગ વચ્ચે સોદો બેજિંગ, તા.૯ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ચીન પ્રવાસ વખતે અમેરિકન કંપની બોઇંગે ચીન એવિયેશન સપ્લાયસ હોલ્ડિંગ કંપનીને ૩૦૦ વિમાનો પૂરા પાડવાનો પણ કરાર કર્યો છે. આ વિમાનોની કિંમત ૩૭ અબજ ડૉલર જેટલી થવા જાય છે. આ સોદો અમેરિકા અને ચીન વચ્ચે થયેલા વિવિધ દ્વિપક્ષીય કરારો અંતર્ગત જ કરાયો છે. આ વિમાનોમાં ૨૬૦બી-૭૩૭-એસ અને ૪૦બી-૭૭૭-એસ અને બી-૭૮૭એસ પણ સામેલ છે.
જોકે, ચીન આ વિમાનો કોને પૂરા પાડશે એ હજુ સ્પષ્ટ નથી, પરંતુ બોઇંગને કુલ ૩૩૪ ઓર્ડર આપવામાં આવ્યા છે. આ ઓર્ડરમાં ૨૯૦ જેટલા વિમાનો ‘નેરો બોડી ફેમિલી’ સાથે સંકળાયેલા છે. આ અંગે બોઇંગે પણ સત્તાવાર નિવેદન કર્યું નથી. આ ઓર્ડરમાં અગાઉની ચાલુ ખરીદીનો સમાવેશ કરાયેલો છે કે નહીં તે પણ હજુ સુધી જાણવા મળ્યું નથી. જુલાઇમાં ચીની પ્રમુખ જિનપિંગે જર્મનીની મુલાકાત લીધી ત્યારે તેમણે એરબસ પાસેથી ૧૪૦ વિમાનો ખરીદવાનો પણ કરાર કર્યો હતો. આ કરારનું મૂલ્ય ૨૩ અબજ ડૉલર જેટલી થતું હતું. વળી, જિનપિંગની અમેરિકા મુલાકાત વખતે પણ ચીનની ત્રણ કંપનીએ બોઇંગ પાસેથી ૩૦૦ વિમાનો ખરીદવાનો કરાર કર્યો હતો. આ કારણસર હાલના કરારો મુદ્દે મૂંઝવણ ઊભી થઈ છે.