અર્થશાસ્ત્રના નિષ્ણાતોનું સંશોધન એવું સૂચવે છે કે, અમેરિકા સામે તેની ‘બજેટ ડેફિસિટ’ (બજેટની ખાધ – આવક કરતાં ખર્ચ વધારે રહેવાની સ્થિતિ) સમસ્યા ગંભીર બની રહી છે ત્યારે ચીન આગામી 14 વર્ષમાં અમેરિકા કરતાં વધુ મોટી આર્થિક સત્તા બની રહેવાની દિશામાં અગ્રેસર છે. તાજેતરમાં જો કે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સામે શરૂ કરેલા વેપાર યુદ્ધના કારણે ચીનની પ્રગતિમાં અવરોધ ઉભો થયો છે પણ, તેનાથી ચીનની આ પ્રગતિમાં લગભગ બે વર્ષનો વિલંબ માત્ર થશે.
એક સ્વતંત્ર કન્સલ્ટન્સી, સેન્ટર ફોર ઈકોનોમિક્સ એન્ડ બિઝનેસ રીસર્ચના એનાલિસ્ટ્સ એવું માને છે કે આવતા વર્ષે બ્રિટન યુરોપિયન યુનિયનથી અલગ પડવાનું છે ત્યારે તે ગ્લોબલ રેન્કીંગમાં નીચું ઉતરશે. જો કે, તેમછતાં બ્રિટનના અર્થતંત્રના વધુ શક્તિશાળી ફંડામેન્ટલ્સના પગલે એવી અપેક્ષાઓ જાગી છે કે તે ક્ષણજીવી અવરોધો પછી ફ્રાન્સને પાછળ પાડી દઈ પોતાનું છઠ્ઠું સ્થાન ઝડપથી પાછું મેળવી લેશે.
આ સંસ્થાના તારણો મુજબ કોઈ સમજુતી વિના બ્રેક્ઝિટની નોબત આવે તો એનાથી ફક્ત ટુંકા ગાળા માટે આર્થિક નુકશાન થઈ શકે છે પણ દેશમાં ઈન્વેસ્ટમેન્ટમાં થઈ રહેલો ઘટાડો એવું સૂચવે છે કે, બ્રિટન કોઈ સમજુતી સાથે કે તે વિના, ગમે તે રીતે યુરોપિયન યુનિયનથી અલગ પડે તો પણ તેણે લાંબા સમય સુધી આર્થિક પ્રગતિમાં વિક્ષેપ સહન કરવો પડે તેવું બની શકે છે. તો બીજી તરફ, ફ્રાન્સમાં સરકારી ક્ષેત્રનું કદ બિનજરૂરી રીતે ફૂલેલું છે અને તેના કારણે ત્યાં કરવેરાના દર ઉંચા છે, છતાં એ સ્થિતિમાં સુધારો કરવાની દિશામાં હજી કોઈ નોંધપાત્ર પ્રગતિ સધાય તેવું જણાતું નથી અને તેથી બ્રેક્ઝિટ પછી પણ બ્રિટન કરતાં ફ્રાન્સની વૃદ્ધિ ધીમી જ રહેવાની ધારણા છે. આ રીતે, 2021માં તો બ્રિટન ફરી વિશ્વના છઠ્ઠા ક્રમના સૌથી મોટા અર્થતંત્ર તરીકેનું પોતાનું સ્થાન ફ્રાન્સને પાછળ રાખી દઈને પાછું મેળવી લેશે તેવી ધારણા છે.
તો આ જ સંસ્થાનો અભ્યાસ એવું પણ સૂચવે છે કે, ભારતનો રૂપિયો નબળો પડ્યો હોવા છતાં અને તે 2020 સુધી ફરી મજબૂત ના બને તો પણ બ્રિટન અને ફ્રાન્સ કરતાં તો ભારત આગળ નિકળી જ જશે. ચીને વિકાસ માટે જે રીતે મોટા પાયે દેવું કર્યું હતું તે સ્થિતિમાંથી હવે તે નોંધપાત્ર રીતે બહાર નિકળી રહ્યું છે, તો બીજી તરફ અમેરિકા સાથેના તેના વેપાર યુદ્ધ છતાં અમેરિકાની સ્થિતિ નબળી પડે તેવી શક્યતા ખાસ નથી અને વેપાર યુદ્ધના કારણે અમેરિકન અર્થતંત્ર સ્હેજે ટેન્શનમાં પણ નથી.