ટીમ ઇન્ડિયાએ શ્રીલંકાને નિદહાસ ટી-20 સિરિઝની ચોથી મેચમાં 6 વિકેટે હરાવ્યુ છે. આ વિજય સાથે ટીમ ઇન્ડિયાના 4 અંક થઇ ગયા છે અને ભારતીય ટીમ પોઇન્ટ્સ ટેબલમાં ટૉપ પર પહોંચી ગઇ છે. આ મેચમાં ટૉ, હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમે 19 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 152 રન બનાવ્યાં અને ટીમ ઇન્ડિયા સામે 153 રનનો ટાર્ગેટ મુક્યો. જવાબમાં ભારતીય ટીમે 17.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 153 રન બનાવ્યાં અને આ મેચ 6 વિકેટે જીતી.
ટીમ ઇન્ડિયા માટે મનીષ પાંડેએ સૌથી વધુ 42 રન ફટકાર્યા જ્યારે દિનેશ કાર્તિકે 39 રનની ઇનિંગ રમી. શાર્દુલ ઠાકુરે મેચમાં 4 વિકેટ ઝડપી. તેમના આ પ્રદર્શન માટે તેને મેન ઑફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો. ભારતની શરૂઆત સારી રહી ન હતી અને તેણે 22 રનના સ્કોર સુધી પહોંચતા જ પોતાના બે ઓપનિંગ બેટ્સમેન ગુમાવી દીધાં હતાં. અકિલા ધનંજયે પહેલા રોહિત શર્માને 11 રનના સ્કોર પર આઉટ કર્યો અને પછી ફૉર્મમાં ચાલી રહેવા શિખર ધવનને પણ પેવેલિયન પરત મોકલ્યો. સુરેશ રૈનાએ લોકેશ સાથે મળીને ભારતીય ઇનિંગને સંભાળવાનો પ્રયાસ કર્યો. રૈના 62 રનના સ્કોર પર સિક્સ મારવા જતાં નુવાન પ્રદીપને કેચ આપી બેઠો. તે પછી દિનેશ કાર્તિક અને મનીષ પાંડેએ ઇનિંગ સંભાળતા પાંચમી વિકેટ માટે 68 રનની ઇનિંગ રમતા ટીમને વિજય અપાવ્યો. પાંડેએ પોતાની ઇનિંગમાં 31 બોલમાં ત્રણ ફોર અને એક સિક્સ ફટકારી. કાર્તિકો 25 બોલમાં પાંચ ફોરની મદદથી અણનમ 39 રન ફટકાર્યા.
ટૉસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમે 19 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 152 રન ફટકાર્યા અને ટીમ ઇન્ડિયા સામે જીત માટે 153 રનનો ટાર્ગેટ મુક્યો. શ્રીલંકા તરફથી કુસલ મેંડિસે સૌથી વધુ 55 રન બનાવ્યા જ્યારે ઉપુલ થરંગાએ 22 રન કર્યા. બંનેએ ત્રીજી વિકેટ માટે 62 રનની પાર્ટનરશીપ કરી. વરસાદના કારણે મેચ મોડી શરૂ થઇ તેથી ઓવરોની સંખ્યા ઘટાડીને 19 કરી દેવામાં આવી. ભારત માટે શાર્દુલ ઠાકુરે ચાર વિકેટ લીધી. વૉશિંગટન સુંદરને બે વિકેટ મળી. વિજય શંકર અને જયદેવ ઉનાદકટ એક-એક વિકેટ મેળવવામાં સફળ રહ્યાં.