રાજસ્થાનનાં પાટનગર જયપુરનાં રહેવાસી ગજેન્દ્ર શર્માએ વર્ષ ૧૯૮૨માં પોતાનું ઘર છોડ્યું હતું અને ત્યારે તેઓ ૪૦ વર્ષનાં હતાં. તે સમયે તેમના ખુશખુશાલ પરિવારમાં તેમની પત્ની અને બે બાળકો સાથે તેમનાં પિતા પણ હતાં. ગજેન્દ્ર શર્મા ૩૬ વર્ષ પછી પોતાનાં દેશ. પોતાનાં ઘરે પરત ફરશે ત્યારે તેમનાં ઘરમાં તેમનાં છ પૌત્ર-પૌત્રીઓને મળશે. ગજેન્દ્ર શર્માએ પોતાનાં જીવનનાં ૩૬ વર્ષ બીજે ક્યાંય નહીં પણ પાકિસ્તાન જેલમાં પસાર કર્યા છે.

આ વર્ષે મે મહિનામાં જ જાણ થઈ હતી કે ગજેન્દ્ર પાકિસ્તાનની કોટ લખપત જેલ, લાહોરમાં બંધ છે. આ વાતની જાણ થયા પછી તેમનાં પરિવારે દિવસ-રાત એક કરી દીધા હતા તેમને પાકિસ્તાની જેલમાંથી ભારત પાછા લાવવા માટે. આકરે તેમની મહેનત રંગ લાવી રહી છે અને ગજેન્દ્રને ૧૩ ઓગસ્ટનાં રોજ જેલમાંથી આઝાદ કરવામાં આવશે.

ગજેન્દ્રની પત્ની મખની દેવી અને તેમના નાના પુત્ર મુકેશે ગુરૂવારનાં રોજ દિલ્હીમાં વીકેસિંહ સાથે મુલાકાત કરી હતી. મુકેશે જણાવ્યું કે, ‘અમને જણાવવામાં આવ્યું છે કે મારા પિતાને ૧૩ ઓગસ્ટે જેલમાંથી છોડશે. અમે પ્રાર્થના કરીએ છે કે તેઓ સ્વતંત્રતા દિવસ પેહલા પોતાના દેશમાં અને પોતાનાં ઘરે પાછા ફરે.’ ગજેન્દ્ર શર્માનાં પરિવારજનો માટે આ ખુશીનાં અવસર પર મોટો પ્રસંગ યોજવાની તૈયારીઓમાં લાગી ગયા છે.