સમાજવાદી પાર્ટીના નેતા અને ઉત્તરપ્રદેશની રામપુર લોકસભા બેઠક પરથી ઉમેદવાર આઝમ ખાને અભિનેત્રી જયાપ્રદા ઉપર કરેલી અભદ્ર ટિપ્પણી બાદ રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપના ઉમેદવાર જયાપ્રદાએ આઝમખાન વિરુદ્ધ આકરી કાર્યવાહીની માંગ કરી છે. સપા નેતા વિરુદ્ધ મહિલા પંચમાં પણ ફરિયાગ કરવામાં આવી છે. જો આઝમ ખાન દોષિત ઠર્યા તો તેમની વિરુદ્ધ આઇપીસીની કલમ 354 અંતર્ગત કાનૂની કાર્યવાહી થઇ શકે છે.
ભારતીય દંડ સંહિતા મહિલાઓને વિશેષ સુરક્ષા પ્રદાન કરે છે. એટલા માટે કોઇ પણ સ્થળે કોઇ પણ મહિલા વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરવી કે તેમની વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરવો કે મહિલા સાથે કોઇ જબરજસ્તી કરવી કે છેડછાડ કરવી કોઇને પણ ભારે પડી શકે છે. આવા મામલાઓમાં આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી થઇ શકે છે. અગાઉ સમાજવાદી પાર્ટીમાં રહી ચૂકેલા ખ્યાતનામ અભિનેત્રી જયાપ્રદા ભાજપમાં જોડાયા બાદ આઝમ ખાન વિરુદ્ધ રામપુર ખાતેથી ચૂંટણી લડી રહ્યાં છે. તાજેતરમાં જ આઝમ ખાને ચૂંટણી પ્રચાર દરમિયાન જયાપ્રદા વિશે અણછાજતી કોમેન્ટ કરી હતી.