તાજેતરમાં ભારતની મુલાકાતે ગયેલા લંડનના મેયર સાદિક ખાને પોતાની અમૃતસરની મુલાકાત વખતે કહ્યું હતું કે હવે એ સમય આવી ગયો છે કે બ્રિટિશ સરકાર જલિયાંવાલા બાગ નરસંહાર માટે માફી માંગે. પાકિસ્તાની મૂળના સાદિક ખાન ભારત અને પાકિસ્તાનના ત્રણ-ત્રણ શહેરોની અધિકૃત મુલાકાત કાર્યક્રમ હેઠળ અમૃતસર ગયા હતા.
તેમણે જલિયાંવાલા બાગ નરસંહારના શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી અને વિઝિટર્સ બુકમાં લખ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે બ્રિટિશ સરકાર વર્ષ ૧૯૧૯માં સર્જાયેલા જલિયાંવાલા બાગ નરસંહાર માટે માફી માંગે. સાદિક ખાને કહ્યું હતું કે તેમના માટે જલિયાંવાલા આવવું એ એક અદ્‌ભૂત અનુભવ રહ્યો છે. તેમણે લખ્યું હતું, ‘અહીં જે નરસંહાર થયો તે ક્યારેય ભૂલાવી શકાય તેમ નથી.’ સાદિક ખાન ‘શહીદોનો કૂવો’ જોવા પણ ગયા હતા.
તેઓ પ્રથમ મુસ્લિમ મેયર છે જેમણે શ્રી હરમંદિરમાં સાહિબમાં પણ વંદન કર્યા હતા. ત્યારબાદ તેમણે લંગરમાં પણ સેવા આપી હતી. એ અગાઉ તેઓ અમૃતસરમાં પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર દ્વારા આયોજિત ડિનરમાં પણ સામેલ થયા હતા.
લંડનના મેયર સાદિક ખાને ભારતમાં ૧૯૧૯માં બ્રિટીશરો દ્વારા થયેલા જલિયાંવાલા બાગ હત્યાકાંડ બદલ બ્રિટીશ સરકારે અધિકૃત માફી માગવાની માગણી કર્યા બાદ બ્રિટીશ સરકારે જણાવ્યું હતું કે બ્રિટને આ હત્યાકાંડને બ્રિટીશ ઇતિહાસની સૌથી શરમજનક ઘટના ગણાવી વખોડી કાઢ્યો હતો. જો કે બ્રિટીશ સરકારે માફી માગી નથી. સાદિક ખાને અમૃતસરની મુલાકાત વખતે જલિયાંવાલા બાગ મુદ્દે બ્રિટીશ સરકાર માફી માગે તેવી રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે આ ઘટનાને ૧૦૦ વર્ષ થવા આવ્યા છે ત્યારે બ્રિટીશરોએ કરેલા આ હત્યાકાંડની બ્રિટીશ સરકારે માફી માગવી જોઈએ. મૂળ પાકિસ્તાની અને લંડનના મેયર સાદિક ખાન ગયા સપ્તાહે ભારતમાં પંજાબની મુલાકાતે પણ ગયા હતા. તેમણે જલિયાંવાલા બાગ હત્યાકાંડને ઘાતકી ગણાવ્યો હતો. બ્રિટનના વિદેશ મંત્રાલયે આ અંગે જણાવ્યું હતું કે ભૂતપૂર્વ વડાપ્રધાન ડેવિડ કેમેરોને ૨૦૧૩માં જલિયાંવાલા બાગની મુલાકાત લઇ ઘટનાને સૌથી શરમજનક ગણાવી વખોડી હતી તે પૂરતું છે. કેમેરોને જણાવ્યું હતું કે, ભૂતકાળની વાતો વાગોળીને બ્રિટીશ સંસ્થાનોમાં કરેલા ખોટા કામોની માફી માગવી જરૂરી નથી. ઉલ્લેખનીય છે કે લંડનમાં રહેતા પંજાબી મૂળના વિરેન્દ્ર શર્મા જલિયાંવાલા બાગ હત્યાકાંડ મુદ્દે બ્રિટીશ સરકારે માફી માગવી જોઈએ તેવી માગણી સાથે ઝુંબેશ ચલાવે છે.