જૂનાગઢમાં મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી સવારે 9 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. ભાજપે જૂનાગઢ મનપામાં બહુમતી મેળવી લીધી છે. ભાજપે કુલ 59 બેઠકમાંથી 50 પર જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસનું ખાતું પણ ખુલ્યું નથી. આમ જુનાગઢ મનપામાં પણ લોકસભા ચૂંટણી જેવી સ્થિતિ ઉભી થઈ છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકમાંથી કોંગ્રેસને એકપણ બેઠક મળી નહોતી.
જ્યારે જિલ્લા પંચાયતની પાંચેય બેઠકો ભાજપે જીતી લીધી છે. મનપા ચૂંટણીમાં પહેલા બેલેટ પેપરની મતગણતરી કરવામાં આવી હતી. મહત્વનું છે કે 23 રાઉન્ડમાં 44 ટેબલ પર 264 કર્મીઓ દ્વારા મત ગણતરી કરવામાં આવી રહી છે. લગભગ બપોરે બાર વાગ્યા સુધીમાં પરિણામ જાહેર થઈ જશે. મોટાભાગના વોર્ડમાં પેનલ તુટે તેવી સંભાવના છે.
વોર્ડ નં. 1, 2, 5, 6, 9, 10,11, 13, 14માં ભાજપની પેનલનો વિજય થયો છે. ભાજપની જીત નિશ્ચિત મનાતા ભાજપમાં જીતના જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસનું હજી સુધી ખાતું પણ ખુલ્યું નથી. જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપની જીત નિશ્ચિત મનાતા રાજકોટના કોર્પોરેશન ચોકમાં ફટાકડા ફોડી ભાજપે ઉજવણી કરી હતી.
કુતિયાણા તાલુકા પંચાયતની પાંચ બેઠકનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં બે બેઠક પર કોંગ્રેસ અને ત્રણ બેઠક પર ભાજપની જીત થઇ છે. ડેગી, ખાગેશ્રી અને કોટડા બેઠક પર ભાજપનો વિજય થયો છે જ્યારે વિજયદેવડા અને ચૌટા બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે.શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી સંપન્ન થાય તે માટે મત ગણતરી સ્થળ પર 650થી વધુ પોલીસનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. મત ગણતરી સ્થળ માટેના બિલ્ડીંગની અંદર, બહાર તેમજ ગ્રાઉન્ડમાં પણ સ્થાનિક પોલીસ, SRPની ટુકડીઓ તૈનાત કરાઈ છે.