જૂન મહિનો ગુજરાતમાં ચોમાસું લઈને આવશે, આગામી ચાર દિવસમાં હળવા વરસાદની આગાહી

0
1406

ગુજરાતમાં હાલ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. કાળઝાળ ગરમીમાં લોકો હેરાન થઈ રહ્યાં છે. ઝાડા ઉલ્ટી અને સ્વાઈન ફ્લૂ જેવા દર્દો પણ વધી રહ્યાં છે. ગરમીને કારણે રસ્તા પર બેભાન થવાના કિસ્સાઓ પણ પ્રકાશમાં આવ્યાં છે. ત્યારે 44 ડિગ્રી જેવા તાપમાનમાં ગુજરાત ઘણું શેકાયું છે. હવે કેરળમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. તો ગુજરાતમાં પણ ચોમાસાની કાગડોળે રાહ જોવામાં આવી રહી છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૃપે અમદાવાદમાં આવતીકાલે જ્યારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં આગામી પાંચ દિવસ દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના મતે હાલ અમદાવાદમાં દક્ષિણપશ્ચિમનો પવન દિશાનો પવન છે. અમદાવાદમાં આવતીકાલે વાદળછાયું વાતાવરણ રહે અને બપોર બાદ હળવો વરસાદ પડે તેવી સંભાવના છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, દીવ-દમણમાં છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ અંગે હવામાન અંગે આગાહી કરતી એક ખાનગી સંસ્થાએ જણાવ્યું હતું કે ‘ઉતર અરેબિયન સમુદ્ર પર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે અને કોંકણ-ગોવા સુધી વિસ્તરી શકે છે. અરેબિયન સમુદ્રમાંથી ભેજનું પ્રમાણ વધતાં બપોર બાદ અથવા મોડી સાંજે હળવો વરસાદ પડે તેની સંભાવના નકારી શકાય નહીં. ખાસ કરીને ૧ થી ૩ જૂન દરમિયાન ઉતર ગુજરાત, સૌરાષ્ટ્રમાં ઝાપટાં પડી શકે છે. ૩ જૂન બાદ વાતાવરણ ફરી સૂકું બની જશે.
જૂનના બીજા સપ્તાહમાં સત્તાવાર રીતે ગુજરાતમાં ચોમાસાનું આગમન થઇ શકે છે. ગુજરાતમાં ગત બે વર્ષ દરમિયાન ચોમાસું નોંધપાત્ર રહ્યું છે. જેમાં ૨૦૧૫ના વર્ષ દરમિયાન અમદાવાદ શહેરમાં સરેરાશ ૨૪.૨૧ અમદાવાદ જિલ્લામાં ૧૮.૦૩ ઈંચ અને ગુજરાતમાં ૩૧.૩૭ ઈંચ વરસાદ પડયો હતો. ગુજરાતમાં દર વર્ષે સરેરાશ ૨૫.૫૯ ઈંચ વરસાદ પડતો હોય છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં હળવા વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં તાપનું પ્રમાણ ભલે ઘટયું હોય પરંતુ બફારાનું પ્રમાણ વધારો યથાવત્ છે. અમદાવાદમાં આજે સવારે ભેજનું પ્રમાણ ૬૮% રહ્યું હતું.

LEAVE A REPLY

12 + 7 =