ભારતના એવિએશન મંત્રાલયે જેટ એરવેઝના વિદેશમાં ફ્લાઇટના હક હરાજી દ્વારા ભારતીય એરલાઇન્સમાં વહેંચી દીધા છે. જોકે, ઇન્ડિગો અને ગોએરે મંત્રાલયને પત્ર લખી આ પગલાનો વિરોધ કર્યો છે. હરાજીમાં ઇન્ડિગો અને સ્પાઇસજેટને સૌથી વધુ રાઇટ્સ મળ્યા છે. જેમાં ઇન્ડિગોને સપ્તાહમાં 84 અને સ્પાઇસજેટને 77 વિદેશી ફ્લાઇટ્સના હક મળ્યા છે. વિસ્તારાને 28 ફોરેન ફ્લાઇટ્સના સંચાલનની મંજૂરી મળી છે.
તમામ ફાળવણી ત્રણ મહિના માટે કરવામાં આવી છે. હરાજીના ભાગરૂપે એરલાઇન્સને નંબર લખેલી ચિઠ્ઠીઓ ઉપાડવા જણાવાયું હતું. ચિઠ્ઠીના નંબર પ્રમાણે ફ્લાઇટ્સની વહેંચણીમાં જે તે એરલાઇનને પ્રાથમિકતા આપવામાં આવી હતી. આ સાથે સરકારે જેટ એરવેઝના તમામ વિદેશી ફ્લાઇંગ રાઇટ્સ જુદીજુદી એરલાઇન્સમાં વહેંચી દીધા છે. જેટ એરવેઝના લગભગ 50 ટકા ફ્લાઇંગ રાઇટ્સ એર ઇન્ડિયાને અપાયા છે.
સરકારની એરલાઇનને સપ્તાહમાં ભારત-કતાર રૂટની 5,000 સીટ ઉપરાંત, ભારત-દુબઈ રૂટની લગભગ 5,700 સીટ મળી છે. એરલાઇનને ભારત-લંડન રૂટની વધારાની 4,600 સીટ પણ ફાળવવામાં આવી છે. બાકીની સીટ્સની વહેંચણી અન્ય એરલાઇન્સમાં કરવામાં આવી છે.
ઇન્ડિગો અને ગોએરે વિદેશી ફ્લાઇંગ રાઇટ્સ માટે અપનાવાયેલી હરાજીની પ્રક્રિયાનો વિરોધ કર્યો છે. બંને એરલાઇનના મતે સમગ્ર પ્રક્રિયા કોઈ એક એરલાઇનને ફાયદો
પહોંચાડવા કરવામાં આવી હતી. ગોએરે વડાપ્રધાન કાર્યાલયને પત્ર લખતી ફ્લાઇંગ રાઇટ્સની વહેંચણી માટે અપનાવાયેલા મોડલનો વિરોધ કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઇન્ડિગો વિદેશી ફ્લાઇંગ રાઇટ્સની વહેંચણીથી સંતુષ્ટ નથી.
અન્ય એક સૂત્રએ જણાવ્યું હતું કે, “સરકારે સામાન્ય પ્રક્રિયા દ્વારા AICના નિયમ હેઠળ રાઇટ્સની વહેંચણી કરવી જોઈતી હતી. જોકે, ચોક્કસ એરલાઇનની તરફેણ કરવા આવું કરવામાં આવ્યું ન હતું.” AICના નિયમ પ્રમાણે વિદેશી ફ્લાઇંગ રાઇટ્સના હકની ફાળવણી ડોમેસ્ટિક સેક્ટરમાં એરલાઇનની ક્ષમતાના આધારે કરવી જરૂરી છે. એવું કરાયું હોત તો માર્કેટ લીડર ઇન્ડિગોને સૌથી વધુ ફ્લાઇંગ રાઇટ્સ મળ્યા હોત. ગોએરે જણાવ્યું હતું કે, “ફ્લાઇંગ રાઇટ્સની વહેંચણી માટે અપનાવાયેલું મોડલ પારદર્શક ન હતું અને એ બાબતો અમારા પ્રશ્નોનો જવાબ અપાયો નથી.”
સ્પાઇસજેટે હરાજી માટેની પ્રક્રિયાનો વિરોધ કર્યો નથી, પણ રાઇટ્સની ફાળવણીની સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરી છે. ટાટા જૂથની એરલાઇન વિસ્તારાએ પગલાને ટેકો આપ્યો હતો અને તમામ એરલાઇન્સને વિદેશી ફ્લાઇંગ રાઇટ્સ આપવાની પ્રક્રિયાની પ્રશંસા કરી હતી. જોકે, સરકારનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, મોડલ પારદર્શક હતું અને દરેક એરલાઇનને યોગ્ય ફાળવણી મળે એ નિશ્ચિત કરાયું હતું.