૨૫ વર્ષ સુધી કાર્યરત રહ્યાં પછી નાણાકીય કટોકટીને પગલે જેટ એરવેઝે તમામ ફલાઇટ હંગામી ધોરણે બંધ રાખવાની જાહેરાત કરી છે. બેંકો એ ૪૦૦ કરોડ રૂપિયાનું ઇમરજન્સી ફંડ આપવાનો ઇનકાર કર્યા પછી કંપનીએ તમામ નેશનલ અને આંતરરાષ્ટ્રીય ફલાઇટ તાત્કાલિત અસરથી રદ કરવાની જાહેરાત કરી હતી. આ સાથે જ ૨૦,૦૦૦ કર્મચારીઓની નોકરી, યાત્રીઓના હજારો કરોડ રૃપિયાના રિફન્ડ, બેંકોને ચૂકવવાના બાકી ૮૫૦૦ કરોડ રૃપિયા સામે અનેક પ્રશ્રો સર્જાયા છે. ૨૫ વર્ષ પહેલા નરેશ ગોયલે જેટ એરવેઝની સ્થાપના કરી હતી. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર, ૨૦૧૮માં જેટ એરવેઝના ૧૨૩ વિમાનો કાર્યરત હતાં. જેટ એરવેઝે આજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બેંકો પાસેથી કે અન્ય કોઇ પણ પાસેથી ઇમરજન્સી ફંડ ન મળતા અમે વિમાન ઉડાવવાના વિવિધ ખર્ચાઓને પહોંચી વળી શકીએ તેમ નથી. અમારી પાસે ઇંધણ સહિતના ખર્ચ ચૂકવવાના નાણા નથી. જેના પગલે અમે હંગામી ધોરણે તમામ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફલાઇટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. જેટ એરવેઝની ફલાઇટ રદ થવાને કારણે ઇન્ડિગો અને સ્પાઇસ જેટને ફાયદો થઇ રહ્યો છે. તેઓ જેટ એરવેઝની બંધ થયેલી ફલાઇટોના રૂટ પર ઉંચા ભાવ વસૂલી રહ્યાં છે.