પદ છોડવા માટેનું દબાણ વધતા છેવટે ઝિમ્બાબ્વેના પ્રમુખ રૉબર્ટ મુગાબેએ મંગળવારે રાજીનામું આપી દીધું હતું. આ સાથે દેશમાં ૩૭ વર્ષથી ચાલતા મુગાબે શાસનનો અંત આવ્યો હતો. સંસદના સ્પીકર જૅકોબ મુદેન્ડાએ મુગાબેના રાજીનામાની પુષ્ટી આપી હતી. સત્તારૂઢ પક્ષ તરફથી જણાવવામાં આવ્યું હતું કે આગામી ૪૮ કલાકમાં નાયબ પ્રમુખ એમર્સન નાનગાંગ્વા પ્રમુખપદ સંભાળશે. મુગાબે ૧૯૮૦થી ઝિમ્બાબ્વેની સત્તા પર હતા. તેમના રાજીનામાની ખબર આવતા જ દેશની રાજધાની હરારેના રસ્તા પર લોકો ઊતરીને ખુશી મનાવતા જોવા મળ્યા હતા. ઝિમ્બાબ્વેમાં સત્તા સંઘર્ષને લઇને છેલ્લા એક અઠવાડિયાથી ઘણી ધમાલ હતી. ૯૩ વર્ષીય મુગાબે અને તેમનાં પત્નીને લશ્કરી દળે નજરબંધ રાખ્યા હતા. લશ્કરી દળ તરફથી કહેવામાં આવ્યું છે કે તેમનું મિશન પૂરું થયા બાદ બધુ બરાબર થઇ જશે. બીજી તરફ મુગાબેની સત્તારૂઢ પક્ષે જ તેમની હકાલપટ્ટી કરી હતી.