રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સરકારી કંપની IOCને પછાડી આવકની રીતે ભારતની સૌથી મોટી કંપની બની છે. રિલાયન્સે 2018-’19માં 6.23 લાખ કરોડનું ટર્નઓવર હાંસલ કર્યું છે, જે અગાઉના વર્ષે 6.17 લાખ કરોડ હતું. FY19માં IOC કરતાં બમણાથી પણ વધુ ચોખ્ખા નફા સાથે રિલાયન્સ દેશની સૌથી વધુ નફો કરનારી કંપની પણ બની છે.
હજુ દાયકા પહેલાં IOCની તુલનામાં રિલાયન્સનું કદ લગભગ અડધું હતું. જોકે, સતત વધી રહેલા ગ્રાહકોની સંખ્યા તેમજ ટેલિકોમ, રિટેલ અને ડિજિટલ સર્વિસિસ જેવા નવા બિઝનેસમાં એન્ટ્રીને કારણે રિલાયન્સ ગ્રૂપે ઝડપી પ્રગતિ સાધી છે. રિલાયન્સનો ચોખ્ખો નફો 2018-’19માં 39,588 કરોડ થયો છે, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં 17,274 કરોડ હતો. ગયા વર્ષ સુધી IOC સૌથી વધુ નફાકારક સરકારી કંપની હતી, પણ 2018-’19માં ONGC તેનું આ સ્થાન લઈ લેશે એવી શક્યતા છે. ONGCએ હજુ ગયા નાણાકીય વર્ષનું પરિણામ જાહેર કર્યું નથી, પણ 2018-’19ના પ્રથમ નવ મહિનામાં તેનો ચોખ્ખો નફો 22,671 કરોડ થયો હતો. IOCએ ગયા નાણાકીય વર્ષમાં 23.6 ટકાના ઘટાડા સાથે 22,189.45 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. જેની તુલનામાં રિલાયન્સનો ચોખ્ખો નફો 13 ટકા વધીને 34,988 કરોડ થયો છે. 2017-’18માં ONGCનો ચોખ્ખો નફો 19,945.26 કરોડ રહ્યો હતો. આવકમાં નંબર-1 બનવા સાથે રિલાયન્સે નફા, માર્કેટ-કેપ અને આવક ત્રણેયમાં મોખરાનું સ્થાન મેળવી લીધું છે.
પ્રોત્સાહક રિફાઇનિંગ માર્જિન અને સારી વૃદ્ધિ દર્શાવી રહેલા રિટેલ બિઝનેસની મદદથી 2018-’19માં રિલાયન્સની આવકમાં 44 ટકા વધારો નોંધાયો છે. કંપનીએ 2009-’10થી 2018-’19ના ગાળામાં 14 ટકાના ચક્રવૃદ્ધિ દરે વિકાસ સાધ્યો છે. જેની તુલનામાં IOCનું ટર્નઓવર 2018-’19માં 20 ટકા અને 2009-’10થી 2018-’19ના ગાળામાં 6.3 ટકાના ચક્રવૃદ્ધિ દરે વધ્યું છે. મંગળવારના બજારભાવે રિલાયન્સનું માર્કેટ-કેપ 8.52 લાખ કરોડે પહોંચ્યું છે.