અમેરિકાના આઈકોનિક જ્વેલર ટીફાની એન્ડ કંપનીએ જાહેરાત કરી છે કે તે ભારતના અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસટ્રી સાથેની ભાગીદારીમાં ભારતીય માર્કેટમાં પ્રવેશ કરશે. કંપનીનું આયોજન આ વર્ષે દિલ્હીમાં પહેલો સ્ટોર શરૂ કરવાનું અને આવતા વર્ષે મુંબઈમાં બીજો સ્ટોર શરૂ કરવાનું છે.

ટીફાની તેની ડાયમંડ એન્ગેજમેન્ટ રીંગ્સ (વિંટી) તથા રોબિન્સ એગ બ્લુ બોક્સીઝ માટે જાણીતી છે. રિલાયન્સની નામાંકિત બ્રાંડ્ઝ સાથે ભાગીદારીના વધી રહેલા પોર્ટફોલીઓમાં ટીફાની એક વધુ પ્રતિષ્ઠિત નામ તરીકે ઉમેરાયું છે. ગયા મે મહિનામાં રિલાયન્સે બ્રિટનની હેમ્લેઝ ટોય સ્ટોર ચેઈન ખરીદી લીધી હતી.

ટીફાનીએ એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે, તે રિલાયન્સ બ્રાંડ્સની સાથે સંયુક્ત સાહસના માધ્યમથી ભારતીય માર્કેટમાં પ્રવેશ કરશે. ટીફાની 25થી પણ વધુ દેશોમાં 320થી વધુ સ્ટોર્સ ધરાવે છે અને તેમાંથી એશિયા-પેસિફિક પ્રદેશમાં જ 80થી વધુ આવેલા છે. કંપની 14 માર્કેટ્સમાં ઈ-કોમર્સ વેબસાઈટ્સ ધરાવે છે. હવે તેનું ટાર્ગેટ વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી ગોલ્ડ જ્વેલરી માર્કેટ છે.

રિલાયન્સ બ્રાંડ્સ લિ. (આરબીએલ)નો આરંભ 2007માં થયો હતો. તેના બ્રાંડ પાર્ટનર્સમાં અર્માની એક્સચેન્જ, બોટેગા વેનેટા, બ્રુક્સ બ્રધર્સ, બુલફ્રોગ, બરબરી, કેનાલી, કોચ, ડીસી, ડીઝલ, ડ્યુન, એમ્પોરીઓ અર્માની, એર્મેનેગિલ્ડો ઝેગ્ના, જી-સ્ટાર રો, ગેસ, ગિઓર્ગિઓ અર્માની, હેમ્લેઝ, હ્યુગો બોસ, હંકમોલર વગેરેનો સમાવેશ થાય છે. આરબીએલના ભારતમાં 470થી વધુ સ્ટોર્સ તથા 340 શોપ-ઈન-શોપ્સ છે.