Sસત્તાધારી ટોરી પાર્ટી અને વિરોધ પક્ષ લેબર વચ્ચે બ્રેક્ઝિટ મુદ્દે મંત્રણાઓ નિષ્ફળ રહી છે અને હવે વધુ મંત્રણાઓ નહીં થાય તેવી જાહેરાત લેબર નેતા જેરેમી કોર્બિને શુક્રવારે (17મી મે) કરી હતી. મંત્રણાઓની નિષ્ફળતા માટે બન્ને નેતાઓને એકબીજા ઉપર આરોપો મુક્યા હતા. જેરેમી કોર્બિને વડાંપ્રધાન થેરેસા મેને પત્ર લખી એવું જણાવ્યું હતું કે, પોતે અને લેબર પાર્ટી જેટલું આગળ વધી શકાય એટલું આગળ વધ્યા હતા, પણ થેરેસા મેની વડાંપ્રધાન તરીકેની સતત વધી રહેલી નબળાઈ તેમજ અસ્થિરતાના કારણે હવે તેમના માટે વધુ મંત્રણાઓ કરવી શક્ય નથી.

વિરોધ પક્ષના નેતાએ તો એવું સાફસાફ જણાવી દીધું હતું કે, ટોરી પાર્ટીમાં નવા નેતાની પસંદગી માટેનો જંગ હવે ગણતરીના સપ્તાહો જ દૂર છે ત્યારે આ સરકાર પાસે કોઈપણ સમજુતી ધરાવતા કરારને સંસદની બહાલી લાવી આપવાની ક્ષમતા સ્હેજે નથી, તેમને સરકારની ક્ષમતામાં જરાપણ વિશ્વાસ નથી. થેરેસા મે લાંબો સમય વડાંપ્રધાનપદે રહી શકે તેવી પણ કોઈ શક્યતા નથી.

તો થેરેસા મેએ મંત્રણાઓની નિષ્ફળતા માટે લેબર પાર્ટીને જવાબદાર ઠરાવતાં કહ્યું હતું કે, લેબર પાર્ટીમાં કોઈ મુદ્દે એકમતી નથી, ચાહે તે બ્રેક્ઝિટ ડીલીવરીની હોય કે પછી સેકન્ડ રેફરેન્ડમ હોય.

હવે, યુરોપિનય યુનિયનની પાર્લામેન્ટની ચૂંટણીઓ 23 મે એ પતિ જાય એ પછી થેરેસા મે રાજીનામું આપશે તેવું લગભગ નિશ્ચિત જણાય છે અને બોરિસ જ્હોનસને તો ખુલ્લેઆમ જાહેર કરી પણ દીધું છે કે, થેરેસા મેની જગ્યાએ વડાપ્રધાનપદ માટેની સ્પર્ધામાં જ્હોનસન બેશક ઉતરશે. બીજા પણ કેટલાક ટોરી અગ્રણીઓ આ સ્પર્ધામાં હશે.