અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ હાલ બ્રિટનની ઐતિહાસિક મુલાકાતે છે. ગુરૂવારે ટ્રમ્પે ફર્સ્ટ લેડી મલેનિયા ટ્રમ્પ સાથે ઓક્સફોર્ડશાયરમાં બ્લેન્હેમ પેલેસમાં ડિનર લીધું હતું. ટ્રમ્પે બ્રિટિશ વડાપ્રધાન થેરેસા મે સાથે પણ મુલાકાત લીધી હતી. રિપબ્લિકને વિન્સટન ચર્ચિલ હોમમાં થેરેસા મે સાથે વાત કરી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પની આ મુલાકાતનો હજારો લોકોએ સડકો પર વિરોધ કર્યો હતો. છેલ્લાં કેટલાંક વર્ષોમાં બ્રિસ્ટલમાં આ સૌથી મોટું વિરોધ પ્રદર્શન છે. હજારથી વધુ લોકોએ હાર્બરસાઇડમાં પ્રાઇમ મિનિસ્ટર થેરેસા મેએ યુએસ પ્રેસિડન્ટને આમંત્રણ આપ્યું તે અંગે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો.

લોકોએ રસ્તા પર હાથથી બનેલા પ્લેકાર્ડ્સમાં ‘રેફ્યૂજીઓને અહીં આશ્રય આપવામાં આવે છે’, ‘ટ્રમ્પને ના, જાતિવાદને ના’ જેવા બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યો હતો. હજારો લોકો રસ્તા પર આવી જતાં રોડ પર ટ્રાફિક જામ થઇ ગયો હતો.
બ્રિસ્ટલ બ્રિજ, બાલ્ડવિન સ્ટ્રીટ, રેડક્લિફ અને ટેમ્પલ મિડ્સ સુધી યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં લોકોએ બ્રાઇટ યલો કલરની વિગ પહેરી હતી.

બ્રિસ્ટલ કોમ્યુનિકેશન વર્કર્સ યુનિયનના રોબ વેધરસ્પૂનને જણાવ્યું કે, ટ્રમ્પ ઇમિગ્રન્ટ્સને માણસ નથી સમજતા, તેઓ બાળકો, મુસ્લિમ કે સ્ત્રીઓ પ્રત્યે પણ દયાભાવ રાખતા નથી.

વેધરસ્પૂને જણાવ્યું કે, લોકોને ટ્રમ્પની ઇમિગ્રેશન પોલીસી પ્રત્યે આક્રોશ એટલાં માટે છે કારણ કે એકવાર તમને સામેવાળા વ્યક્તિ પ્રત્યે દયાભાવ ખતમ થઇ જાય પછી તમે તેની સાથે કોઇ પણ વ્યવહાર કરી શકો છો. ટ્રમ્પે નાના બાળકોને પણ ડિટેન્શન હાઉસમાં રાખી દીધા હતા.