જાપાનના ઓસાકામાં ગયા સપ્તાહે બે દિવસીય જી-૨૦ સમિટ યોજાઇ હતી. શુક્રવારે, 28 જૂને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિંજો આબેની ત્રિપક્ષીય બેઠક થઈ હતી. જાપાન-અમેરિકા અને ભારત (જે એ આઇ-જય) ત્રિપક્ષી સમૂહની આ બીજી બેઠક છે. ત્રિપક્ષી બેઠક દરમિયાન મોદીએ ભારતની મહત્તા પર ભાર મૂક્યો હતો. ટ્રમ્પ-મોદી વચ્ચે ઈરાન સહિત ચાર મુદ્દે ચર્ચા થઈ હતી. રશિયા સાથેના એસ-૪૦૦ સોદા અંગે કોઈ ચર્ચા થઈ નહોતી. વિદેશ સચિવ ગોખલેએ કહ્યું કે ચર્ચાનો મુખ્ય મુદ્દો હિંદ-પ્રશાંત રહ્યો કે કેવી રીતે વિકાસ, શાંતિ, અને સુરક્ષા સુનિશ્ચિત કરવા તથા આ નવી અવધારણા બનાવવા માટે સાથે મળીને કામ કરી શકીએ.
ટ્રમ્પે કહ્યું કે અમે વેપાર વિવાદ મુદ્દે સાથે મળીને કામ કરી રહ્યાં છીએ, તેના પર ચર્ચા કરી રહ્યાં છીએ. અમે ભારત સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું. બંને નેતાઓ વચ્ચે ઈરાન, ફાઇવજી કોમ્યુનિકેશન્સ નેટવર્ક્સ, વેપાર અને સંરક્ષણ સહિતના દ્વિપક્ષી અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. બેઠક દરમિયાન વડા પ્રધાન મોદીએ ભારત પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતો પત્ર લખવા માટે પ્રમુખ ટ્રમ્પનો આભાર માન્યો હતો. ટ્રમ્પે જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકા અગાઉ ક્યારેય નહોતા તેટલા ગાઢ સંબંધમાં બંધાયા છે. બંને દેશ મહાન મિત્રો બની રહ્યાં છે. હું વિશ્વાસ સાથે કહું છું કે આપણે સંરક્ષણ સહિતના ઘણા ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરી શકીએ છીએ. આજે અમે વેપાર સંબંધો પર પણ વાત કરવાના છીએ. ઈરાન મામલા પર ટ્રમ્પે જણાવ્યું હતું કે, અમારી પાસે હજુ ઘણો સમય છે. અમારે કોઈ ઉતાવળ નથી.
લોકસભાની ચૂંટણીમાં વિજેતા મોદીને અભિનંદન આપતા ટ્રમ્પે જણાવ્યું હતું કે, તમે આ વિજયના હકદાર હતા. તમામને એકજૂથ કરી તમે મહાન કાર્ય કર્યું છે. તમારી ક્ષમતાઓને આ એક સાચી અંજલિ છે.