ડિજિટલ જનરેશનના આધુનિક ગુરૂ સદગુરૂનું જીવન

0
937

સદગુરૂ તરીકે જાણીતા જગ્ગી વાસુદેવ તેમની વિશિષ્ટ જીવનશૈલી અને આગવા વિચારોના કારણે અત્યારે દેશવિદેશમાં લોકપ્રિય બન્યા છે. ઘણાં લોકો તેમને રજનીશ પછીનું સૌથી મોટું નામ ગણે છે. સદગુરૂના આચાર અને વિચારો વાસ્તવવાદી અને તર્કસંગત છે. તેમનું વ્યક્તિત્વ રજનીશ જેવું વિવાદાસ્પદ નથી. તેઓ લોકોના મનમાં પડેલા પ્રશ્નોની ચર્ચા કરે છે. ૩જી સપ્ટેમ્બર ૧૯૫૭ના રોજ મૈસુર (કર્ણાટક) ખાતે જન્મેલા સદગુરુ જગ્ગી વાસુદેવ ‘ઈશા ફાઉન્ડેશન’ના નામે યોગ સંસ્થા ચલાવે છે. આધ્યાત્મિક પ્રવૃત્તિ માટે શરૂ થયેલી આ સંસ્થા હવે સોશિયો ઈકોનોમિક ક્ષેત્રે પણ કાર્ય કરે છે. સદગુરુએ સને ૨૦૦૦માં અમેરિકા ખાતે વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં પ્રવચન આપ્યું હતું. 25 વર્ષની ઉંમરે 1981માં કે એકલા મૈસુરના ચામુંડી પહાડનાં એક ખડક પર બેઠા હતા. કહેવાય છે કે, અહીંયા તેમને આધ્યાત્મિકતાનો અનુભવ થયો હતો.

આ ઘટનાનાં છ સપ્તાહ બાદ જ તેઓએ પોલટ્રી ફાર્મ સહિત અન્ય ઉદ્યોગો છોડી દીધા અને ભારતની યાત્રાએ નીકળી પડ્યા. થોડા જ વર્ષોમાં તેઓએ યોગ શીખવાનું શરુ કર્યું. તેમણે પોતાના ધંધાનો કારભાર પોતાના મિત્રને સોંપી દઈ યોગમાર્ગે આગળ વધવાનો નિર્ણય કર્યો. આજે દુનિયાના ઘણા દેશોમાં તેમની શિબિરો અને પ્રવચનો યોજાય છે. સદગુરૂ કહે છે કે, “આપણી બાહ્યજીવનની જરૂરિયાતો પૂરી કરવા માટે આપણી પાસે સાયન્સ અને ટેકનોલોજી છે; જેની મદદથી આપણે સુખ-સગવડો ભોગવીએ છીએ. એવી જ રીતે આપણા શરીરની આંતરિક શક્તિને સમજીએ તો આપણી ઘણી સમસ્યાનો ઉકેલ આપમેળે મળી જાય.” તેમણે એમ પણ જણાવ્યું છે કે જીવનની સફળતાનું રહસ્ય સ્મિત કરતા રહી, હળવા બનીને રહેવામાં સમાયેલું છે, કારણ કે તેનાથી આજુબાજુમાં પોઝિટિવ ઊર્જાનું નિર્માણ થાય છે. દુનિયાનો મોટો વર્ગ પ્રફુલ્લિત લોકો સાથે કામ કરવાની ઈચ્છા ધરાવે છે. સધગુરૂએ આગામી વિશ્વયોગ દિને ભારતની અગિયાર હજાર જેટલી શાળાઓમાં યોગ-પ્રશિક્ષણ આપવાનો નિર્ણય દોહરાવ્યો હતો.
તેઓએ 1992માં ઈશા ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. બાળપણથી જ તેના મનમાં પ્રકૃતિ પ્રત્યે નોંધપાત્ર લગાવ રહ્યો છે. કહેવાય છે કે, બાળપણમાં તેઓ ઘરેથી ત્રણ-ત્રણ દિવસ ગાયબ રહેતા હતા અને જંગલમાં જઈને બેસી જતા હતા. તેઓએ મૈસુર વિશ્વવિદ્યાલયમાંથી અંગ્રેજી લિટરેચરમાં ગ્રેજ્યુએશન કર્યું. સદગુરુ જગ્ગી વાસુદેવ એક અલગ પ્રકારના આધ્યાત્માતિક ગુરુ છે, આજના સમયના દિવ્યદર્શી, માનવતાવાદી છે. તેમને આધુનિક ગુરુ કહી શકાય. આધુનિક સામાજિક અને આર્થિક બાબતો ઉપર સદગુરુની દૂરદર્શિતા અને સમજના કારણે તેઓ કેટલાક આંતરરાષ્ટ્રીય મંચો ઉપર પણ લોકોને સંબોધિત કરે છે. બીબીસી, બ્લૂમબર્ગ, સીએનબીસી, સીએનએન જેવા આંતરરાષ્ટ્રીય સમાચાર ચેનલો નિયમિત રીતે તેમના ઈન્ટરવ્યુ લે છે અને પ્રસારિત પણ કરે છે. ભારતના મુખ્ય અખબારોમાં તેમના પ્રવચન અને જીવનસૂત્ર નિયમિત રીતે પ્રસિદ્ધ થાય છે. સદગુરુના પ્રવચન અને પ્રેરણાસૂત્ર જીવનમાં અપનાવી લોકો જીવનના ગૂઢ અર્થને શોધી તેનો અનુભવ કરી શકે છે. સદગુરુ કહે છે કે તેમનો પ્રયાસ છે કે લોકો દિવ્યતાનો અનુભવ કરી શકે, તે વ્યક્ત કરી શકે.

ભોજન છરીકાંટા વડે નહીં પણ હાથેથી આરોગો
આપણે ભોજન આરોગતી વખતે પોતાના હાથ અને આંગળીઓનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે ભોજનનો સ્પર્શ કરવાથી આપણે ભોજન સાથે જોડાયેલા રહીએ છીએ. સમયની સાથે આપણા ભોજનનું રૂપ તો બદલાયું છે તેની સાથે ભોજન કરવાની રીત પણ બદલાઈ છે. તમે ભોજનનો સ્પર્શ નહીં કરો તો તમને એ શું છે તે નહીં સમજાય. ભોજન સ્પર્શ કરવા લાયક ના હોય તો મને નથી લાગતું કે તે જમવા યોગ્ય કેવી રીતે હોઈ શકે? તમારા હાથની સ્વચ્છતા તમારા હાથમાં છે. એવું પણ હોઈ શકે કે કાંટાની સફાઈ તમારા હાથમાં ના હોય? તમારા હાથનો ઉપયોગ તમારા સિવાય બીજા કોઈએ નથી કર્યો. એટલા માટે બીજા કોઈને નથી ખબર કે તે કેટલા સાફ છે. જ્યારે કાંટાને કોણે સ્પર્શ કર્યો છે તેની તમને પણ ખબર નથી. કોણે તેનો ઉપયોગ કર્યો, કેમ અને કયા કામ માટે કર્યો, જ્યારે તમે જમતી વખતે કાંટાનો ઉપયોગ કરો છો ત્યારે તમે ભોજનના સ્પર્શનો અનુભવ નથી કરતાં.

આટલાં દેવી-દેવતાઓ છતાં ભૂખ, દુષ્કાળ અને રોગ કેમ
આ દુનિયામાં ભૂખ અને અભાવ વગેરે માટે શું કારણ છે? જવાબદારી વિના વસતીવધારો કરનારા તમે છો કે ઈશ્વર? પશુઓની જેમ બેહિસાબ બાળકોને જન્મ આપ્યા પછી બેશરમીથી એવું ન કહો કે ભગવાને આપ્યા છે. બુદ્ધ, વર્ધમાન, મહાવીર જેવા મહાપુરુષો જ્ઞાન આપવા માટે આવ્યા હતા. રોટી ખવડાવવા નહીં. તમારા આ હાથપગ શેના માટે છે? તમે બુદ્ધિપૂર્વક તેનો ઉપયોગ કરશો એવા વિશ્વાસ સાથે જ તમને ધરતી પર મોકલવામાં આવ્યા હશે. અધ્યાત્મનો પાયો શાંતિ અને આનંદ છે. તમે ક્યારે શાંતિ અને આનંદથી રહેવા ઈચ્છો છો? તમારા જીવનની શરૂઆતમાં કે તેના અંતિમ તબક્કામાં, તેનો નિર્ણય તમારે જાતે જ કરવાનો છે. આધ્યા‌ત્મિક પ્રક્રિયા બીજું કંઈ નહીં – જીવન પ્રત્યે ઊંડો લગાવ છે, મનુષ્યની કલ્પનાથી વધુ ઊંડો – ગાઢ. જિંદગી સપાટી પર નહીં જીવતાં, ઊંડા ઊતરીને જીવવાની – આ કોઈ એવી નકામી બાબત નથી, જેને તમે કોઈ પુસ્તકમાં વાંચી લીધી કે એવી કોઈ કઢંગી વાત નથી, જેને તમે ક્યાંક સાંભળી હોય. આ જીવનની બાબતમાં બહુ ઊંડી વાત છે. તમે જીવનની બારીકીઓ પર ધ્યાન આપવા તૈયાર નથી હોતા ત્યાં સુધી તમે જીવનના ઊંડાણમાં ત્યાં સુધી ઊતરી નથી શક્તા. માત્ર સારા સ્વાસ્થ્યથી સંતાષ ન માનો, જોકે સારી તબિયત હોવી બહુ સારી વાત છે, પરંતુ એવું ન વિચારો કે સારી તબિયત હોવી એ જ મનુષ્ય માટે પૂરતું છે. આ જ રીતે માત્ર એક સફળ વ્યવસાય, કે માત્ર એક સરસ પરિવાર પામીને સંતોષ ન માનો. આ બધું તો બધાની પાસે હોવું જ જોઈએ, પરંતુ તે તમારા જીવનનું તે પરમ લક્ષ્ય ન હોઈ શકે. તમારા જીવનની ચરમસીમા તો એ છે, જ્યારે તમે તમારી ભીતરના અંતરમન-આત્માને-સ્પર્શી શકો.

•••••••••••

LEAVE A REPLY

seven + 8 =