ડોકલામ પછી બે વર્ષ બાદ ફરી એકવાર ચીની લશ્કરે ભારતીય સીમામાં ઘુસણખોરી કરી હતી. તિબેટી ધર્મગુરુ દલાઇ લામા પોતાનો જન્મદિવસ મનાવી રહ્યા હતા ત્યારે ચીની લશ્કરે લડાખ વિસ્તારમાં છ કિલોમીટર જેટલે અંદર ઘુસી આવીને ચીની રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. ડેમચોકની મહિલા સરપંચે ચીની લશ્કરની ઘુસણખોરીના સમાચારને સમર્થન આપ્યું હતું.
આ ચીની જવાનો પોતાનાં વાહનોમાં અહીં ઘુસી આવ્યા હતા અ્ને એમનો હેતુ સારો નહોતો એવું આ સરપંચે કહ્યું હતું. મહિલા સરપંચ ઉરગેને કહ્યું કે સ્થાનિક લોકો દલાઇ લામાનો જન્મદિવસ મનાવી રહ્યા હતા ત્યારે ચીની લશ્કરે ઘુસી આવીને પોતાનો બદઇરાદો સ્પષ્ટ કર્યો હતો.આ તરફની સરહદ પર ચીન દબાણ વધારવા ઇચ્છે છે.
ભવિષ્યમાં ક્યારેક ચર્ચાવિચારણા થાય તો ચીન એવો દાવો કરી શકે કે આ વિસ્તાર અમારો છે. જુઓ, અહીં અમારો રાષ્ટ્રધ્વજ પણ ફરકે છે. જોકે, ભારતીય લશ્કરના પ્રવક્તાએ આ સમાચારને રદિયો આપતાં કહ્યું હતું કે ચીની લશ્કરે લાઇન ઑફ કન્ટ્રોલનો ભંગ કર્યો નહોતો. પોતાના વિસ્તારમાં એ લોકો રાષ્ટ્રધ્વજ ફરકાવી શકે છે.