કર્ણાટકમાં મંગળવારે કોંગ્રેસ-જેડીએસની ગઠબંધન સરકાર 14 મહિના પછી પડી ગઈ છે. આ વિશે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે ટ્વિટ કર્યું છે કે, એક દિવસ ભાજપને ખબર પડશે કે દરેક ચીજ ખરીદી શકાતી નથી, દરેક લોકોને ડરાવી શકાય નહીં અને અંતે દરેક જુઠ્ઠાણા સામે આવે છે. નાગરિકોએ ત્યાં સુધી હદ વગરનો ભ્રષ્ટાચાર, સંસ્થાઓનો ખાત્મો અને લોકતંત્રને નબળું થતું જોવું પડશે.
ફ્લોર ટેસ્ટમાં સરકારના પક્ષમાં 99 અને વિરોધમાં 105 વોટ પડ્યા હતા.આ પહેલાં રાહુલ ગાંધીએ પણ કર્ણાટક સરકાર પડ્યા પછી નામ લીધા વગર ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમણે ટ્વિટ કરીને કહ્યું હતું કે, પહેલા દિવસથી જ કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન અંદર અને બહારથી તે લોકોના ટાર્ગેટ પર હતી. તેઓ તેને પોતાની તાકાતના માર્ગ પર અડચણ તરીકે જોતી હતી. તેમની લાલચ જીતી ગઈ. લોકતંત્ર, સત્ય અને કર્ણાટકના લોકો હારી ગયા.
કર્ણાટક ભાજપે પણ ટ્વિચર પર રાહુલ ગાંધીને જવાબ આપ્યો છે. પોસ્ટમાં લખ્યું છે કે, એક વાર ફરી રાહુલ ગાંધીની વાતનો કોઈ અર્થ નથી નીકળતો. કદાચ આ લોકતંત્રની ઝાપટની અસર છે. સત્તા પર કબજો જાળવી રાખવાની તમારી નિરાશાનો અંત આવ્યો છે. આજે લોકતંત્રની જીત થઈ છે અને લોકોના મતનું સન્માન થયું છે.
ગઠબંધન સરકારમાં વિશ્વાસ મત પ્રસ્તાવ પર ચાર દિવસ સુધી ચર્ચા ચાલ્યા પછી અંતે મંગળવારે સાંજે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થયો હતો. તે દરમિયાન સ્પીકરને બાદ કરતાં ગૃહમાં ધારાસભ્યોની સંખ્યા204 હતી.
તેથી બહુમત માટે 103નો આંકડો જરૂરી હતો. કોંગ્રેસ-જેડીએસના પક્ષમાં 99 વોટ પડ્યા હતા. કુમારસ્વામી 14 મહિનાથી 116 ધારાસભ્યો સાથે સરકાર ચલાવી રહ્યા હતા. પરંતુ આ મહિને 15 ધારાસભ્યો બળવાખોર થયા હતા. રાજ્યપાલે એચડી કુમારસ્વામીનું રાજીનામું સ્વીકારી લીધું છે. હવે જો ભાજપ સરકાર બનાવશે તો યેદિયુરપ્પા ચોથી વાર કર્ણાટકમાં મુખ્યમંત્રી બનશે.