તમિલનાડુના મદુરાઈમાં બુધવારે એક ચૂંટણી સભા દરમિયાન મક્કલ નિધિ મય્યમ પાર્ટીના સંસ્થાપક અને અભિનેતા કમલ હાસન પર જૂતું ફેંકવામાં આવ્યું હતું. જો કે જૂતું તેમને વાગ્યું ન હતું. આ ઘટના બાદ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. 12મેના રોજ હાસને અવરાકુરિચિમાં નિવેદન આપ્યું હતું કે, આઝાદ ભારતનો પહેલો આતંકી હિન્દુ હતો. જેનું નામ નથ્થુરામ ગોડસે હતું. અહીંથી જ આતંકવાદની શરૂઆત થઈ હતી. ત્યારબાદથી જ ભાજપ, અન્નદ્રમુક, સંઘ અને હિન્દુ મહાસભા હાસનની વિરોધમાં પ્રદર્શન કરી રહ્યાં છે. હાસને મદુરઈ પાસે તિરુપુરનકુંદ્રમમાં જનસભા સંબોધતા કહ્યું કે, મેં અરાવકુરિચિમાં જે કહ્યું હતું તેનાથી ભાજપ સહિત અન્ય દળોમાં નારાજગી જોવા મળી હતી. પરંતુ હાસને કહ્યું કે તેમને ત્યાં ઐતિહાસિક સત્યનો જ ઉલ્લેખ કર્યો હતો. મારો હેતુ વિવાદ ઊભો કરવાનો ન હતો. તે નિવેદનનો કોઈ જાતિ અને ધર્મ સાથે કોઈ સંબંધ નથી.