દિલ્હી સહિત ઉત્તરપ્રદેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદથી અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સર્જાઈ છે. આગરામાં પણ એક વાર ફરી વરસાદનો કહેર જોવા મળ્યો છે. દેશની શાન ગણાતો તાજમહલ પણ તેનાથી બાકાત નથી રહ્યો. બે દિવસના વરસાદે તાજમહેલને પણ બેહાલ કરી દીધો છે. પાણી તાજમહલના પરિસર સુધીમાં ભરાઇ ગયું છે. તાજમહલની આસપાસ પાણી ભરાઇ જવાથી પુરાતત્વ વિભાગની પોલ ખુલી છે કે આખરે ઘણા પ્રયત્નો બાદ પણ પાણીના નિકાસ માટે કોઈ વ્યવસ્થા નથી કરાઇ. તાજેતરમાં જ તાજમહલની જાળવણીમાં લાપરવહીને લઇને સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને ફટકાર લગાવી હતી. સુપ્રીમ કોર્ટે તાજમહલની સુરક્ષા સાથે સંકળાયેલા કેસની સુનાવણી વખતે ઉત્તરપ્રદેશની યોગી સરકારને ફટકાર લગાવી હતી. જણાવી દઇએ કે બે દિવસમાં ભારે વરસાદના કારણે આગ્રામાં આશરે 800 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે અને 6 લોકોના મોત થયા છે. આ સાથે લોકોની સંપત્તિને પણ નુકસાન પહોંચ્યું છે અને ઘણા લોકોનો સામાન પણ ખરાબ થયો છે.ઉલ્લેખનીય છે કે વરસાદે સંપૂર્ણપણે પ્રશાસનની પોલ ખોલી દીધી છે. જોઇ શકાય છે કે ન તો નાળાની સફાઇ થાય છે અને ન તો પાણીના નિકાસ માટે કોઈ વ્યવસ્થા કરાઇ છે. રાજ્ય સરકાર દ્વારા મૃતકોના પરિવારોને 4 લાખની મદદની જાહેરાત કરાઇ છે.