રમઝાનમાં કાશ્મીરમાં સૈન્ય ઓપરેશન જારી ન રાખવાની મુખ્ય પ્રધાન મેહબુબા મુફ્તીની માગને કેન્દ્રની મોદી સરકારે સ્વીકાર કરી લીધી છે. અગાઉ એવા અહેવાલો હતા કે સુરક્ષા એજન્સીઓ મેહબુબા મુફ્તીની માગ સ્વીકારવા તૈયાર નહોતી અને રમઝાનમાં જો સૈન્ય કાર્યવાહી રોકવામાં આવી તો તેનાથી સુરક્ષાને ખતરો વધી શકે છે. જોકે એજન્સીઓ અંગેના આ અહેવાલો વચ્ચે હવે મોદી સરકારે મેહબુબા મુફ્તિની માગને સ્વીકારી લીધી છે. જેને પગલે આખા રમઝાન મહિના દરમિયાન કાશ્મીરમાં સૈન્ય કાર્યવાહીને રોકવામાં આવી છે. હજુ બે દિવસ પહેલા જ કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન નિર્મલા સિતારમને જણાવ્યું હતું કે અમે મેહબુબા મુફ્તિની માગ સાથે સહમત નથી. તેથી તેમની માગને ઠુકરાવવામાં આવે છે. જોકે હવે અચાનક બુધવારે સરકારે જાહેરાત કરી હતી કે રમઝાન મહિનામાં કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધનું ઓપરેશન રદ કરવામાં આવે છે. રમઝાન મહિનાની ઉજવણી કાશ્મીરીઓ શાંતિથી કરી શકે માટે આ પગલુ ભરવામાં આવ્યું છે તેમ સરકારે જણાવ્યું હતું. સાથે એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આતંકીઓ કોઇ હુમલો કરે તો તેનો વળતો જવાબ આપવાની સૈન્યને છુટ છે કેમ કે આ સૈન્યનો અધિકાર પણ છે. આ પહેલા વર્ષ ૨૦૦૦માં વાજપેયીની સરકારમાં પણ આ જ પ્રકારનું પગલુ ભરવામા આવ્યું હતું અને રમઝાન મહિના પુરતા આતંકીઓ વિરુદ્ધનું ઓપરેશન અટકાવવામાં આવ્યું હતું. હવે ફરી કેન્દ્રમાં એનડીએની સરકાર હોવાથી આ છુટ આપવામા આવી છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને મુખ્ય પ્રધાન મેહબુબા મુફ્તી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ આવકાર્યું હતું. રમઝાન મહિનાની શરૃઆત શુક્રવારથી થઇ રહી છે. મેહબુબા મુફ્તીએ માગણી કરી હતી કે રમઝાન મહિનામાં અને સાથે અમરનાથ યાત્રા દરમિયાન પણ આ છુટ આપવામાં આવે. જોકે હાલ માત્ર રમઝાન મહિનામાં જ આ છુટ આપવામાં આવી છે. અમરનાથ યાત્રા દરમિયાન પણ સીઝ ફાયર જારી રહેશે કે કેમ તેને લઇને કોઇ સ્પષ્ટતા મંત્રાલય દ્વારા નથી કરવામાં આવી. ગૃહ મંત્રાલયે જારી કરેલા એક નિવેદનમાં મેહબુબાની માગ સ્વીકારી લીધી હોવાની જાહેરાત કરી હતી, સાથે કાશ્મીરમાં મુસ્લિમોને શાંતીથી રમઝાન મહિનો ઉજવવામાં સાથ સહકાર આપવાની અપીલ પણ કરી હતી. બીજી તરફ બુધવારે સુરક્ષા જવાનોએ પુલવામામાં સૈન્ય ઓપરેશન જારી કર્યું હતું. અહીં આતંકીઓ છુપાયા હોવાની બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી. જ્યારે શોપિયામાં પણ સૈન્ય અને આતંકીઓ વચ્ચે સામસામે ગોળીબાર થયો હતો.