દક્ષિણ ભારતના ફિલ્મોદ્યોગમાં રકુલ પ્રીત સિંહ ખાસ્સી લોકપ્રિય છે. પણ હાલના તબક્કે તેના હાથમાં જે બોલીવૂડ ફિલ્મો છે તેના પરથી એમ લાગે છે કે અભિનેત્રી હિન્દી ફિલ્મોમાં પણ લાંબી મજલ કાપશે.
અદાકારા ‘દે દે પ્યાર દે’ માં અજય દેવગણ અને તબુ સાથે કામ કરી રહી છે. ‘મરજાવાં’ માં રકુલ તેના ‘અય્યારી’ ના સહકલાકાર સિધ્ધાર્થ મલ્હોત્રા સાથે ફરી જોવા મળશે. તે એનટીઆરની બાયોપિકમાં શ્રીદેવીનો રોલ કરી રહી છે. રકુલને જે પ્રકારનું કામ અને જે સિધ્ધિ પ્રાપ્ત થઈ રહી છે તેનાથી તેના આત્મવિશ્વાસમાં વૃધ્ધિ થઈ છે. જોકે તે કહે છે કે મારી સિધ્ધિઓ મારા માટે નહીં, બલ્કે મારા ચાહકો માટે છે. અલબત્ત, મારી સફળતાની મને ખુશી છે. હું ફિલ્મી પશ્ચાદ્ભૂ નથી ધરાવતી.
આમ છતાં મને જે મળ્યું છે તેનાથી હું ખુશ છું. બાકી હું જ્યારે પ્રિયંકા ચોપરા, દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટ સામે જોઉં છું ત્યારે મને એમ થાય છે કે હું તો હજી પા પા પગલી ભરી રહી છું. હજી મને લાંબી મજલ કાપવાની છે. હા, મને કેટલાંક ટોચના લોકો સાથે કામ કરવા મળ્યું છે તે મારું સદ્ભાગ્ય છે.