દેશભરમાં સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની સેવા કરનારા ડોકટરોથી લઇને અન્ય કર્મચારીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે. કેન્દ્ર સરકારે દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના આયુષમાન ભારત દ્વારા સરકારી હોસ્પિટલોમાં દર્દીઓનો ઇલાજ કરનાર ડોકટરો અને કર્મચારીઓને વધારાનું ઇન્સેન્ટિવ આપવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકાર દેશની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના આયુષમાન ભારતને સારી રીતે ચલાવવા અને આ યોજનાનું મોટા પાયે વિસ્તરણ કરવાના હેતુસર સરકારી હોસ્પિટલોના ડોકટરોથી લઇને અન્ય કર્મચારીઓને ઇન્સેન્ટિવ આપશે. અહેવાલો અનુસાર સરકારના આ નિર્ણય હેઠળ ઇન્સેન્ટિવની રકમ પ્રતિ ડોકટર વાર્ષિક રૂ.એક લાખથી ત્રણ લાખ સુધીની હોઇ શકે છે.
સરકારે રાષ્ટ્રીય ચિકિત્સક દિવસ પર વધારે કામ કરનાર તેમજ ક્ષમતા કરતાં અનેકગણા વધુ દર્દીઓનો ઇલાજ કરનાર ડોકટરોને અલગથી સન્માન આપવાની એક યોજના તૈયાર કરાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય ચિકિત્સક દિવસ પર દર્દીઓની સંખ્યા બાકીના દિવસોથી અપેક્ષા કરતાં વધુ રહે છે અને તેને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય કર્યો છે. આયુષમાન ભારત હેઠળ જેટલા પણ દર્દીઓની સરકારી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવશે તેમને હોસ્પિટલ આ સારવારની રકમ માટે ક્લેઇમ કરશે. અહેવાલો અનુસાર આયુષમાન ભારત યોજના હેઠળ સરકારી હોસ્પિટલમાં સારવાર કરાયેલ દર્દીઓનું એક સ્ટેટમેન્ટને સરકારને હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા આપવામાં આવશે અને તેના આધારે કલેમ કરવામાં આવશે. આ માટે હોસ્પિટલમાં એક અલગ સમિતિની રચના કરવામાં આવશે.
જે આ પ્રક્રિયા પર કામ કરશે. એક વર્ષ સુધી હોસ્પિટલ દ્વારા કલેઇમ કરવામાં આવનાર નાણાં જમા થશે અને તેની લગભગ રપ ટકા જેટલી રકમ ડોકટરો અને અન્ય કર્મચારીઓને ઇન્સેન્ટિવ તરીકે આપવામાં આવશે. જ્યારે બાકીની ૭પ ટકા રકમનો ઉપયોગ હોસ્પિટલની ઇમારત અને ગુણવત્તા પાછળ ખર્ચાશે. આરોગ્ય મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ અંગે આયુષમાન ભારતની ગાઇડલાઇનમાં નવા નિયમોનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે. અધિકારીએ જણાવ્યું હતું કે દેશની જિલ્લા હોસ્પિટલથી લઇને એઇમ્સ્ સુધીના લગભગ ૧૦ લાખ ડોકટરો અને રપ લાખ પેેરા મેડિકલ સ્ટાફ છે. આ તમામને આયુષમાન ભારત પ્રત્યે વધુ રસ લેતા કરવા માટે આ નિર્ણયો લેવામાં આવ્યા છે.
આ ઉપરાંત હોસ્પિટલોમાં આયુષમાન ભારત યોજના હેઠળ દર્દીઓને માર્ગદર્શન આપવા તેમજ તેમના ઇલાજ સાથે સંકળાયેલી મુશ્કેલીઓ દૂર કરવા માટે સરકાર દરેક હોસ્પિટલમાં આયુષમાન મિત્રની નિમણૂક કરશે. આ આયુષમાન મિત્રોને હોસ્પિટલ તરફથી પગાર આપવામાં આવશે. સરકારે દર્દીઓને મોટી રાહત આપતા હોસ્પિટલમાં વ્યવસ્થિત ઇલાજ ન મળે તો દર્દીઓ જિલ્લા અને રાજ્યસ્તરે પોતાની ફરિયાદ નોંધાવી શકે તે માટે ખાસ જોગવાઇ કરવામાં આવશે. જિલ્લા સ્તરે બનનારી સમિતિ ડીજીઆરસીના ચેરમેન તરીકે જિલ્લા મેજિસ્ટ્રેટની નિમણુક કરવામાં આવશે જ્યારે રાજ્ય સ્તરની કમિટીમાં રાજ્યના સીઇઓ ચેરમેન બનશે. ૧પ દિવસની અંદર આ ફરિયાદનો નિકાલ લાવવાનો રહેશે આ સમગ્ર પ્રક્રિયાનું દિલ્હીથી મોનિટરિંગ કરવામાં આવશે.