દિલ્હીમાં એક વિચિત્ર પ્રકારની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. બુરાડી વિસ્તારમાં એક જ પરિવારના ૧૧ લોકોના મૃતદેહો મળી આ‌વતાં શંકા-કુશંકાના વાદળો છવાયા છે. પરંતુ પોલીસનો એવો દાવો છે કે અંધશ્રદ્ધામાં ફસાયેલા આ પરિવારજનોનું મોત તંત્ર-મંત્રના ચક્કરમાં જ થયું છે. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે આ નોટ્સમાં આ વાતનો સંકેત મળે છે કે સંપૂર્ણ પરિવાર કોઇ તંત્ર-મંત્ર અથવા રહસ્યમય કામ કરતું હતું. હાલમાં એ એંગલથી ઘટનાની તપાસ થઇ રહી છે. બુરાડીના સંતનગર વિસ્તારમાં રહેતા બે ભાઇઓ લલિત અને ભવનેશ ભાટિયા સહિત તેના પરિવારના ૧૧ લોકોની લાશ મળી હતી. આ પરિવાર મૂળ રાજસ્થાનનો રહેવાસી હતો અને ગ્રોસરી શોપ અને પ્લાયવુડનો વેપાર કરતો હતો.
રવિવારે સવારે આ પરિવારે કરિયાણાની દુકાન ખોલી નહીં તો કદાચ કોઈને એવો અંદાજ નહીં હોય કે આ પરિવારના ૧૧ લોકોએ દુનિયામાંથી વિદાય લઈ લીધી છે. પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી તો વૃદ્ધાની લાશ જમીન પર પડી હતી. બાકીના ૧૦ મૃતકોના આંખ પર પટ્ટી બાંધેલી હતી અને તે રેલિંગ પર લટકેલા હતા. પોલીસે જણાવ્યું કે પ્રતિભા (૫૭)ના પુત્રી પ્રિયંકાની લાશ (૩૩)ની લાશ પણ લટકેલી હતી. ગત મહિને જ તેની સગાઇ થઇ હતી અને વર્ષના અંત સુધીમાં તેના લગ્ન થવાના હતા.
એક પાડોશીએ ખબર જાણવા ભાટિયા પરિવારના ઘરે પહોંચ્યો તો દરવાજો ખુલ્લો પડ્યો હતો અને અંદરનું દૃશ્ય ખૂબ જ ભયાનક હતું. પડોશીએ તાત્કાલિક પોલીસને ઘટનાની જાણ કરી. પોલીસની તપાસ ચાલું છે અને ઘટનાના પુરાવા મેળવવા માટે આસપાસના સીસીટીવી કેમેરાના ફુટેજ મેળવવાની કવાયત શરુ કરી છે. પોલીસનું કહેવું છે કે એક વૃદ્ધ મહિલા પોતાના બે પુત્રોના ૧૧ લોકોના પરિવાર સાથે લગભગ બે દાયકાથી અહીંયા રહેતી હતી. એમનો ત્રીજો પુત્ર ચિતોડગઢમાં રહે છે. વૃદ્ધ મહિલાની વિધવા પુત્રી(૫૮ વર્ષ) પણ એમની સાથે રહેતી હતી. પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી તો વૃદ્ધ મહિલાનો મૃતદેહ જમીન પર પડ્યો હતો. જ્યારે બાકીના ૧૦ મૃતકોની આંખ પર પટ્ટી બાંધેલી હતી અને એ રેલિંગથી લટકેલા હતાં.
દિલ્હી પોલીસના સંયુક્ત પોલીસ કમિશનર રાજેશ ખુરાનાએ કહ્યું કે, મૃતકોમાં ૩ સગીર પણ સામેલ છે. પોલીસે આખા ઘરને સીલ કરી દીધું છે. વૃદ્ધ મહિલાના પરિવારમાં એમના બે પુત્રો, એમની પત્નીઓ સહિત ૧૧ વ્યક્તિ હતાં. બંને પુત્રના નામ લલિત અને ભુપી ભાટીયા છે. પુત્રવધુઓના નામ ટીના અને સવિતા ભાટિયા છે. મૃતકોમાં વૃદ્ધ મહિલાની પુત્ર અથવા દિકરીની ૩ દિકરી અને બે પુત્ર પણ સામેલ છે. આ પરિવારે અચાનક મોતનો રસ્તો કેમ અપનાવ્યો કે પછી આખા પરિવારની હત્યા તો નથી કરાઈને ? આ ઘટનાનું રહસ્ય હજુ અકબંધ છે. જો આપઘાતનો મામલે છે, તો પણ ૧૧ લોકોના પરિવારે અચાનક મોતનો રસ્તો કેમ પસંદ કર્યો ? આ સવાલ સમાજ અને સરકાર બંને માટે ગંભીર ચિંતાનો વિષય છે.